Get The App

ઓબીસી યાદી બનાવવાનો હવે રાજ્યોને પણ અધિકાર

આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી જીતવાની મોદી સરકારની ચાલ

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત પર પાંચમી મેના ચુકાદામાં ઓબીસી યાદીનો અધિકાર કેન્દ્ર પાસે હોવાનો કહ્યું હતું

Updated: Aug 9th, 2021

GS TEAM

Google News
Google News
ઓબીસી યાદી બનાવવાનો હવે રાજ્યોને પણ અધિકાર 1 - image

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપતું મહત્ત્વનું સંશોધન બિલ રજૂ કર્યુ. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે તેને મંજૂરી આપી હતી. ઓબીસી અનામત 127મું બંધારણીય સંશોધન બિલ છે.   આ બિલને આર્ટિકલ ૩૪૨એ(૩) હેઠળ લાગુ કરવામાં આવશે. તેના લીધે રાજ્ય સરકારોને તે અધિકાર મળશે કે તે ઓબીસી સમાજની યાદી તૈયાર કરી શકે. સંશોધિત બિલ પસાર થવાના પગલે રાજ્યોએ હવે આ માટે કેન્દ્ર પર આધારિત રહેવું નહીં પડે. 

કેન્દ્ર સરકાર દ્વારા આ બિલ લાવવાનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે પાંચમીમેએ મરાઠા અનામત અંગે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર પાસે છે. અનામત જેવા સંવેદનશીલ મામલામાં કેન્દ્ર સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી જ કેન્દ્ર સરકાર આ સંશોધન લાવીને રાજ્ય સરકારોને પણ ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપી રહી છે. 

આ બિલને કાયદાનું સ્વરૃપ મળવાના પગલે રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. આ બિલને કાયદો બનાવવાનો ફાયદો તે રાજ્યોમાં તે પ્રભાવશાળી જાતિઓને થશે જે ઓબીસી અનામતમાં સામેલ થવાની માંગ કરી રહી છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ અને હરિયાણામાં જાટ સમાજ તથા ગુજરાતમાં પટેલ સમાજ અને કર્ણાટકમાં લિંગાયત સમાજને ઓબીસીમાં સામેલ થવાની તક મળી શકે છે. 

આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે ત્યાં ઓબીસી સમાજની ચૂંટણીલક્ષી રાજકારણ પર મોટી અસર પડી શકે છે. કેન્દ્રના આ નિર્ણયને ઓબીસી સમાજને તેના તરફ ખેંચવા માટેના નિર્ણય તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં જ મેડિકલ એજ્યુકેશનમાં રિઝર્વ સીટોમાં કેન્દ્રએ ઓબીસી સમાજ અને આર્થિક રીતે પછાત લોકો માટે સીટો અનામત કરી હતી. 

મહત્ત્વની વાત એ હતી કે તાજેતરમાં લોકસભા અને રાજ્યસભા ન ચાલવા દેનારા વિપક્ષે પણ આ ઓબીસી બિલ મુદ્દે સરકારને પૂરેપૂરો સાથ આપ્યો હતો.