Get The App

હાઇવેના ગંદા ટોઇલેટની તસવીર શેર કરી જીતો રૂ.1 હજારનું ઇનામ! સરકારની ચેલેન્જ

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
હાઇવેના ગંદા ટોઇલેટની તસવીર શેર કરી જીતો રૂ.1 હજારનું ઇનામ! સરકારની ચેલેન્જ 1 - image

Report Dirty Toilet To NHAI: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા(NHAI)એ સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાનમાં રાખીને એક નવી અને આકર્ષક પહેલની શરુઆત કરી છે. હવે જો કોઈ પ્રવાસીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ પ્લાઝા પર આવેલા શૌચાલય ગંદા જણાશે અને તેની માહિતી NHAIને આપવામાં આવશે, તો ફરિયાદ કરનારને FASTag રિચાર્જના રૂપમાં 1,000 રૂપિયાનું ઇનામ મળશે. આ યોજના 31મી ઑક્ટોબર 2025 સુધી દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લાગુ રહેશે.

ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અને ઇનામ

NHAIએ તેના 'સ્પેશિયલ કેમ્પેન 5.0' હેઠળ 'ક્લીન ટોઇલેટ પિક્ચર ચેલેન્જ' શરુ કરી છે. ઇનામ મેળવવા માટે યુઝર્સે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

•'રાજમાર્ગ યાત્રા' એપનું નવું અપડેટ ડાઉનલોડ કરવું પડશે.

•શૌચાલયનો જીઓ-ટેગ કરેલો ફોટો એપ પર અપલોડ કરવાનો રહેશે.

•ફોટો અપલોડ કર્યા પછી, યુઝર્સે પોતાનું નામ, સ્થાન, મોબાઇલ નંબર અને વાહન નોંધણી નંબર જેવી વિગતો આપવી પડશે.

•ફરિયાદ સબમિટ થયા બાદ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.

•જો ફરિયાદ સાચી જણાશે, તો ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલા વાહનના ફાસ્ટેગ એકાઉન્ટમાં 1,000 રૂપિયાનું રિચાર્જ જમા કરવામાં આવશે.

ઇનામ માટેના નિયમો અને શરતો

NHAIએ સ્પષ્ટતા કરી છે કે આ યોજનામાં પારદર્શિતા જાળવવા માટે કેટલાક નિયમો લાગુ થશે. 'ક્લીન ટોઇલેટ પિક્ચર ચેલેન્જ' દરમિયાન દરેક વાહન નોંધણી નંબરને ફક્ત એક જ વાર ઇનામ મળશે. એક જ શૌચાલયને દિવસમાં ફક્ત એક જ વાર ઇનામ માટે ધ્યાનમાં લેવામાં આવશે. જો એક જ દિવસે બહુવિધ લોકો એક જ શૌચાલયની જાણ કરે છે, તો ફક્ત પહેલો સાચો રિપોર્ટ આપનારને જ ઇનામ મળશે.


ફોટાની સચોટ ચકાસણી

NHAIએ જણાવ્યું છે કે ઍપ્લિકેશન દ્વારા લેવામાં આવેલા ફક્ત સ્પષ્ટ, અસલી અને જીઓ-ટેગ કરેલા ફોટા જ સ્વીકારવામાં આવશે. ડુપ્લિકેટ, જૂના અથવા એડિટ કરેલા ફોટા સ્વીકારવામાં આવશે નહીં. બધા ફોટાઓની ચકાસણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મેન્યુઅલ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે, જેથી માત્ર સચોટ રિપોર્ટ સબમિટ કરનારને જ ઇનામ મળે.

આ પણ વાંચો: GST બાદ મિડલ ક્લાસ માટે વધુ બે ગુડ ન્યૂઝ! RBI કરી શકે છે મોટી જાહેરાત

આ પહેલ માત્ર NHAI દ્વારા બાંધવામાં આવેલા, સંચાલિત અથવા જાળવણી કરાયેલા ટોલ પ્લાઝાના શૌચાલયોને જ લાગુ પડશે. પેટ્રોલ પંપ, ઢાબા કે અન્ય ખાનગી જાહેર સ્થળોના શૌચાલયો આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે નહીં. આ નવીન પહેલથી જાહેર સ્થળોએ સ્વચ્છતાને પ્રોત્સાહન મળવાની આશા છે.

Tags :