South Africa teacher cuts Hindu Student Religious Thread: સાઉથ આફ્રિકામાં ગયા અઠવાડિયે એક એવી ઘટના બની કે જેના કારણે દેશભરના હિન્દુઓમાં આક્રોશ છે. સાઉથ આફ્રિકામાં એક શિક્ષકે એક હિન્દુ વિદ્યાર્થીએ કાંડા પર પહેરેલી નાડાછડી કાપી નાખી હતી. આ ઘટના ગયા અઠવાડિયે ક્વાઝુલુ-નાતાલ પ્રાંતની ડ્રેકન્સબર્ગ માધ્યમિક શાળામાં બની હતી. આ અંગે સાઉથ આફ્રિકન હિન્દુ મહાસભા (SAHMS) એ શિક્ષણ સત્તાવાળાઓ પાસેથી કાર્યવાહીની માંગ કરી છે.
આ મામલે બંને પક્ષોના મત
શિક્ષકે દાવો કર્યો હતો કે, 'શાળા સાંસ્કૃતિક અથવા ધાર્મિક પ્રતીકો પહેરવાની મંજૂરી આપતી નથી.' આ મામલે હિંદુ સંગઠને નિવેદન આપ્યું હતું કે, 'SAHMS એક હિન્દુ વિદ્યાર્થીએ કાંડા પર પહેરેલી નાડાછડી કાપી નાખવામાં શિક્ષક દ્વારા લેવાયેલા અસંવેદનશીલ અને બેજવાબદારીભર્યા પગલાંની સખત નિંદા કરીએ છે. આ ઘટના ડ્રેકન્સબર્ગ સેકન્ડરી સ્કૂલમાં બની હતી. આ સ્કૂલના શિક્ષકે હિન્દુ વિદ્યાર્થીના કાંડા પર પહેરેલી નાડાછડી કાપી નાખી હતી.'
પીડિતનો વધુ હેરાનગતિના ડરથી આગળ આવવાનો ઇનકાર
સાઉથ આફ્રિકન હિન્દુ મહાસભા (SAHMS) એ રવિવારે આ ઘટના વિરુદ્ધ જાહેર નિવેદનમાં કહ્યું કે ‘અમે આ મામલાની તપાસ કરી રહ્યા છે. જો કે, પીડિતે વધુ હેરાનગતિના ડરથી આગળ આવવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે તપાસમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.’
SAHMS પ્રમુખ અશ્વિન ત્રિકમજીએ શાળા પ્રશાસન સાથે ચર્ચા કર્યા બાદ જણાવ્યું હતું કે ‘આ સ્કૂલના આચાર્ય અને સંચાલક મંડળના અધ્યક્ષ પોતે હિન્દુ છે.’
આ પણ વાંચો: દિલ્હીમાં મતદાન પહેલા AAP અને BJP વચ્ચે વિવાદ, CM આતિશી અને ભાજપના નેતાના પુત્ર સામે FIR
અગાઉના ધાર્મિક અસહિષ્ણુતાના કેસનો ઉલ્લેખ
ત્રિકમજીએ એક જૂના કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘સાઉથ આફ્રિકાની સર્વોચ્ચ અદાલતે એક હિન્દુ વિદ્યાર્થિનીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. એ મામલામાં વિદ્યાર્થિનીને નોઝ પિન (ચુની) પહેરવાની મનાઈ ફરમાવાઈ હતી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને તેની ધાર્મિક અથવા સાંસ્કૃતિક પ્રથાઓથી વંચિત ન રાખી શકાય.’


