મહિલા આરક્ષણ વિધેયકને સોનિયા ગાંધીનું સમર્થન, કહ્યું આ વિધેયક મારા જીવનસાથીનું સ્વપ્ન સાકાર કરશે
- મહિલા આરક્ષણ વિધેયક ઉપર બોલતાં સોનિયાએ સરોજીની નાયડુ, સુચેતા ક્રિપલાની, વિજયા લક્ષ્મી પંડિત, અરૂણા અસફલીના પ્રદાનો યાદ કર્યાં
નવી દિલ્હી : કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે લોકસભામાં મહિલા આરક્ષણ વિધેયક વિષે બોલતાં કહ્યું હતું કે આ વિધેયકનો અમલ વહેલામાં વહેલી તકે શરૂ કરી જ દેવો જોઈએ તેમ છતાં તેઓએ અનામત બેઠકો વચ્ચે ઓબીસી ક્વોટા રાખવા માટે અનુરોધ કર્યો હતો. આ સાથે ફરી એકવાર તેઓએ તે વિધેયકને સમર્થન તો જારી રાખ્યું જ હતું સાથે કહ્યું હતું કે આ વિધેયક કાનૂન બનતાં મારા જીવનસાથી રાજીવ ગાંધીનું સ્વપ્ન પરિપૂર્ણ થશે.
તેઓએ અનામત બેઠકોમાં ઓબીસી વર્ગ માટે અનામત બેઠકો જુદી તારવવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો, તેઓએ કહ્યું કે, 'કોંગ્રેસ ધી નારી શક્તિ વંદન અધિનિયમ'ને સમર્થન આપે જ છે. આ વિધેયક પસાર થશે તો અમોને ઘણો આનંદ થશે. પરંતુ હું પૂછું છું કે, છેલ્લાં ૧૩ વર્ષથી મહિલાઓ શાંતિપૂર્વક આ વિધેયકની રાહ જોઈ રહ્યાં હતાં અને હજી પણ તેઓને થોડો વધુ સમય રાહ જોવાનું કહેવામાં આવે છે, તો કેટલા વર્ષો સુધી રાહ જોશે ? ૨, ૩, ૬, ૮ ? કેટલા વર્ષો ?
મહિલા આરક્ષણ વિધેયક ઉપરની ચર્ચા શરૂ કરતાં સોનિયા ગાંધીએ પૂછ્યું, સોનિયા ગાંધીએ આ ટીકા તે સંદર્ભમાં કરી હતી કે, સરકાર દ્વારા તેમ કહેવામાં આવ્યું હતું કે, આ વિધેયક મત વિસ્તારોની પુર્નમોજણી (ડીલિનિટેશન) કરાયા પછી અમલી બનશે. (જે ૨૦૨૬ પહેલાં થાય તેમ નથી) વાસ્તવમાં તો દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય, તે પછી મત વિસ્તારોની પુનર્રચના હાથ ધરાય છે.
મુશ્કેલી તે છે કે વસ્તી ગણતરીને જે દર દસ વર્ષે થવી જોઈએ તે માટેની મુદત તો ૨૦૨૧માં હતી પરંતુ હજી સુધી વસ્તી ગણતરીનું કામ થયું નથી.
આ સાથે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, 'આ વિધેયક તુર્તજ અમલી બને તેમ કોંગ્રેસ ઈચ્છે છે, પરંતુ તે સાથે શેડયુલ્ડ કાસ્ટ, શેડયુલ્ડ ટ્રાઇબ્ઝ અને અધર બેકવર્ડ કલાસની મહિલાઓને પણ આરક્ષણ મળવું જોઈએ, આ સાથે જ્ઞાાતિવાદ-વસ્તી ગણતરી પણ થવી જ જોઈએ.' આ વિધેયકનાં અમલ માટે જેટલું મોડું થશે તે મહિલાઓ પ્રત્યેના અન્યાય સમાન ગણાશે. તેથી આ વિધેયક વહેલામાં વહેલી તકે અમલી બનવું જ જોઈએ.
નવા સંસદભવનમાં આપેલા તેઓના સૌથી પહેલા વક્તવ્યમાં તેઓએ કહ્યું હતું કે, ''ભારતમાં મહિલાઓએ કદી તેઓનાં લાભો સામે જોયું જ નથી. તેઓએ તો એક નદીની જેમ દરેકનાં હિત માટે વહે છે.'' મહિલાઓની ધીરજ સમજવી જ અશક્ય છે. તેઓએ જ આપણને બુદ્ધીશાળી અને મહેનતું બનાવ્યાં છે.
આ સાથે શ્રીમતી ગાંધીએ ભારતનાં આદર્શરૂપ સન્નારીઓ સરોજીની નાયડુ, સુચેતા ક્રીપલાની, વિજયા લક્ષ્મી પંડિત અને અરૂણા અસફલીને યાદ કરતાં કહ્યું હતું કે, તેઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પુરૂષો સાથે ખભે ખભા મિલાવી નવા ભારતનું નિર્માણ કર્યું હતું અને મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ તથા મૌલાના આઝાદનાં સ્વપ્નો સાકાર કર્યાં હતાં.