રાજીવની પુણ્યતિથિ નિમિત્તે સોનિયા ગાંધી, રાહુલ, પ્રિયંકા, ખડગે સહિત અનેકોએ અર્પેલી શ્રદ્ધાંજલિ
દેશ આજે આધુનિકભારતના પ્રણેતાને સ્મરે છે
ઇંદીરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪માં વડાપ્રધાન પદે આવેલા રાજીવની લિટ્ટે આતંકીએ ૨૧મે ૧૯૯૧ના દિવસે આત્મઘાતી હુમલામાં હત્યા કરી
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી અને યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના વરિષ્ટ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી તથા પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આજે આધુનિક ભારતના પ્રણેતા રાજીવ ગાંધીની અહીંની વીરભૂમિ સ્થિત સમાધી ઉપર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. રાજીવ ગાંધીની આજે ૩૨મી પુણ્યતિથિ છે.
શ્રદ્ધાંજલિ અર્પ્યા પછી સ્મરણિકા પુસ્તિકામાં રાહુલ ગાંધીએ લખ્યું હતું 'પાપા, આપ મેરે સાથ મેં હી હૈં' એક પ્રેરણા કે રૂપમેં યાદોં મેં સદા.
ઓગસ્ટ ૨૦,૧૯૪૪ના દીવસે જન્મેલા રાજીવ ગાંધી, ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના દિને તેઓની માતાની હત્યા પછી ભારતનું વડા પ્રધાન પદ સંભાળ્યું હતું. તે સમયે રાષ્ટ્રપતિ પદે રહેલા જ્ઞાાની ઝૈલસિંહે સંવિધાનમાં અપાયેલા સ્પેશ્યલ પાવર્સની રૂએ તેઓની વડાપ્રધાન પદે નિયુક્તિ કરી હતી. માત્ર ૪૦ વર્ષની વયે જ રાષ્ટ્રનું સુકાન સંભાળનારા રાજીવ ગાંધી, દેશના સૌથી યુવાન વડાપ્રધાન બની રહ્યા. તે પછી ડીસેમ્બર ૧૯૮૯ સુધી તેઓ તે પદ ઉપર રહ્યા હતા.
રાજીવ ગાંધીએ જ દેશમાં ટીવી શરૂ કર્યું. વાસ્તવમાં ભારતે પરમાણુ બોમ્બ બનાવવો જ જોઇએ તે તેવો સમજતા હતા અને તે માટે ભારતના ટોચના વિજ્ઞાાનીઓ સાથે ચર્ચા પણ કરી હતી. પરંતુ પક્ષના કેટલાંક નેતાઓની સાજીશને લીધે તેઓને વડાપ્રધાન પદ છોડવું પડયું હતું. ચંદ્રશેખર સરકાર પણ પડી. નવી ચૂંટણી યોજાઈ ચૂંટણી પ્રચારાર્થે તમિલનાડુનાં શ્રીપેરામ્બુદુર ગયેલા રાજીવ ગાંધીની એલ.ટી.ટી.ઇ.એ (લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલામ (લિટ્ટે)ની એક સભ્ય ધન્નોએ આત્મઘાતી હુમલા દ્વારા તેઓની તા. ૨૧મે ૧૯૯૧ના દિવસે ક્રૂર હત્યા કરી હતી. રાષ્ટ્ર આજે આધુનિક ભારતના પ્રણેતાને શ્રદ્ધાંજલિ અર્પે છે.
તેઓની હત્યા પછી ૧૧૪ દેશોના પ્રતિનિધિઓ અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા. નિધન સમયે રાજીવ ગાંધી કોઈ સત્તાવાર (સરકારી) પદ ધરાવતા જ ન હતા. છતાં દુનિયાના ૧૧૪ દેશોના પ્રતિનિધિઓ તેઓના અંતિમ સંસ્કાર સમયે ઉપસ્થિત હતા. તે સમયે અમેરિકાના ઉપપ્રમુખ ઇન્ડોનેશિયાની મુલાકાતે હતા. ત્યાંથી મુલાકાત ટૂંકાવી તેઓ નવી દિલ્હી પહોંચ્યા હતા.
કોઈ સત્તાવાર હોદ્દો ન ધરાવનાર વ્યક્તિનાં અંતિમ સંસ્કારમાં આટલા દેશોના અગ્રણીઓ ઉપસ્થિત રહે તેવી આ પહેલી જ ઘટના બની રહી. તેવા મહાન નેતાને રાષ્ટ્રે આજે શ્રદ્ધાંજલિ અર્પી હતી.