પુત્ર 1 કિમી સુધી સ્ટ્રેચર પર માતાનો મૃતદેહ લઇ જવા મજબુર થયો

ઉત્તર પ્રદેશના હમીરપુરનો વીડિયો વાયરલ
પુલનું સમારકામ ચાલુ છે તેવું કહી એમ્બ્યૂલન્સને ના જવા દેવાઇ પણ ધારાસભ્યની કારને છૂટ મળી
હમીરપુરના જિલ્લા હેડક્વાર્ટરે એક યમુના પુલ છે, અહીંના ટેઢા ગામનો રહેવાસી બિંદા પોતાની માતાનો મૃતદેહ હોસ્પિટલથી એમ્બ્યુલંસમાં ઘરે લઇ જઇ રહ્યો હતો, જોકે આ પુલ તુટી ગયો હોવાથી તેનું સમારકામ ચાલી રહ્યું હતું. ઘરે જવા માટે બીજો કોઇ રસ્તો નહોતો, અનેક વિનંતી છતા સમારકામ કરનારાઓએ પુલ પાર કરવાની મંજૂરી ના આપી. તેથી બાદમાં એમ્બ્યુલંસમાંથી મૃતદેહ કાઢીને સ્ટ્રેચર પર લઇ જઇને પુલ પાર કરવો પડયો હતો. જેમાં આ પુત્રને એમ્બ્યુલંસ ચાલકોએ પણ મદદ કરી હતી.
જેમ તેમ પુલ પાર કર્યા બાદ બીજા છેડેથી રીક્ષામાં રાખીને મૃતદેહને ઘરે લઇ ગયો હતો. બિંદા નામના આ યુવકની માતા શિવદેવીને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેને કારણે તેને કાનપુરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. જોકે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સ્ટ્રેચર પર પગપાળા જ મૃતદેહ પાર કરાવતા પુત્રની આ મજબુરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ પ્રશાસન પર અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. લોકોએ સવાલ કર્યો હતો કે પુલનું સમારકામ ચાલતુ હોવા છતા પણ મંત્રીઓ અને નેતાઓ માટે તેને ખોલી નાખવામાં આવે છે જ્યારે એક માતાના મૃતદેહને લઇને જતી એમ્બ્યુલંસને આ પુલને પાર ના કરવા દીધી. એક રિપોર્ટ મુજબ આ પુલ પરથી ભાજપના એક ધારાસભ્યની કારને લઇ જવાની છૂટ અપાઇ હતી જોકે એમ્બ્યુલંસને લઇ જવાની ના પડાઇ હતી.








