Get The App

'કોઈ તમારાથી નારાજ છે પણ હા...' ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
Fiji PM Rabuka Support PM Modi


Fiji PM Rabuka Support PM Modi: ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની મુલાકાતે છે. મંગળવારે તેમણે નવી દિલ્હીના સપ્રુ હાઉસમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત 'ઓશન ઓફ પીસ' લેકચરમાં ભાગ લીધો. આ દરમિયાન, તેમણે શ્રોતાઓ સાથે વાતચીતમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત પર લગાવવામાં આવેલા 50% ટેરિફ પર નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો.

ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો ફિજીના PMનો સાથ 

ટેરિફ અંગે વડાપ્રધાન રાબુકાએ કહ્યું કે, 'મેં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તાજેતરની મુલાકાતમાં અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર 50% ટેરિફ લગાવવા બાબતે ચર્ચા કરી. કોઈ તમારાથી ખુશ નથી, પણ  તમે એટલા મોટા (શક્તિશાળી) છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો.' 

ટેરિફની શ્રમ-આધારિત નિકાસ ક્ષેત્રોને અસર થશે

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ભારતના રશિયન તેલ ખરીદવાના કારણે 25% વધારાના ટેક્સ સહિત ભારતીય માલસામાન પર 50% ટેરિફ લગાવ્યો છે, જે 27 ઓગસ્ટથી લાગુ થશે. જેના કારણે ઝીંગા, કપડાં, ચામડા અને રત્ન-આભૂષણો જેવા શ્રમ-આધારિત નિકાસ ક્ષેત્રોને અસર થશે.

ભારત અને ફિજી વચ્ચે થયા 7 કરાર

રાબુકા રવિવારે ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. તેમની ભારત મુલાકાતનો હેતુ દરિયાઈ સુરક્ષા, વેપાર, આરોગ્ય, ડિજિટલ ટેક્નોલોજી અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં બંને દેશોના સંબંધોને મજબૂત કરવાનો છે. વડાપ્રધાન મોદી અને ફિજીના વડાપ્રધાન રાબુકા વચ્ચે સોમવારે વિસ્તૃત વાતચીત થઈ, જેમાં સંરક્ષણ સહયોગ વધારવા અને શાંતિપૂર્ણ, સમાવેશી ઇન્ડો-પેસિફિક માટે સંયુક્ત રીતે કામ કરવાની યોજના ઘડવામાં આવી. બંને દેશોએ સાત કરારો પર હસ્તાક્ષર કર્યા.

ICWA કાર્યક્રમમાં રાબુકાએ તેમના 'ઓશન ઓફ પીસ' વિઝન પર ભાર મૂક્યો, જે પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું, 'ભારત આ પ્રયાસમાં એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. ફિજી અને ભારત સાથે મળીને પ્રશાંતને 'શાંતિનો સાગર' બનાવવા માટે કામ કરી શકે છે, જે ફક્ત આપણા ક્ષેત્ર માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પણ યોગદાન આપશે.' રાબુકાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ ખ્યાલને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો: અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

ગ્લોબલ સાઉથમાં ભારતની મહત્ત્વની ભૂમિકા

ફિજીના વડાપ્રધાન રાબુકાએ કહ્યું કે વૈશ્વિક ઘટનાઓ નાના દેશોને અસર કરે છે અને ભારત-અમેરિકા સંબંધોમાં તણાવની અસર ફિજી જેવા દેશો પર પણ પડે છે. તેમણે આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ સાથે સહમતિ વ્યક્ત કરી અને ગ્લોબલ સાઉથ માટે ભારતની ભૂમિકાની પ્રશંસા કરી. ફિજીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા માટે ફરીથી સમર્થન વ્યક્ત કર્યું.

'કોઈ તમારાથી નારાજ છે પણ હા...'  ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ 2 - image

Tags :