ભારતમાં ઉજવાતી કેટલીક વિશિષ્ટ હોળી-ધૂળેટીની પરંપરા
બિકાનેરની ડોલચી હોળી - ૪૦૦ વર્ષ જુની પરંપરા
ડોલચી હોળીએ બિકાનેરની આગવી ઓળખ છે. ચામડાના ખાસ પ્રકારના પાત્રને ડોલચી કહેવામાં આવે છે. આ ડોલચીમાં પાણી ભરીનેે પીઠ પર બાંધવામાં આવે છે.મોકો જોઇને ખેલૈયાઓ પાણી ફેંકીને હોળી ખેલે છે. આ ડોલચી હોળી રાજસ્થાનમાં આવેલા બિકાનેર શહેરના હર્ષા ચોકમાં આયોજિત કરવામાં આવે છે. આ હોળીને જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે. આ ચામડાના આ પાત્રમાં સંગ્રહ કરાયેલું રંગીન પાણી અને ફૂલોની પાંખડીઓ ઢોળાય ત્યારે લોકો હર્ષની ચિચિયારીઓથી વાતાવરણને ઉત્સવમય બનાવી દે છે.ખાસ કરીને મહિલાઓ ડોલચીમાં પાણી ભરીને પુરુષો પર છાંટે ત્યારે તેની ચામડાના કારણે આવતો થપાટનો અવાજ દૂર સુધી ગુંજતો રહે છે. દોલચી હોળીની આ પરંપરા ૪૦૦ વર્ષ જુની છે.
તામિલનાડુમાં હોળી એટલે કામોત્સવ
ભકત પ્રહલાદને ખોળામાં બેસાડીને પ્રજવલિત અગ્નિમાં બેસી ગયેલી બહેન હોલિકાની કથા વાર્તા અતિ પ્રચલિત છે. જો કે તામિલનાડુમાં હોળીને કામદેવના દહન તરીકે ઉજવવામાં આવતો હોવાથી તેને કામોત્સવ પણ કહે છે. અહીં લોકવાયકા મુજબ કામદેવના તીરના કારણે જ ભગવાન શીવને પાર્વતી સાથે પ્રેમ થયો હતો.ભગવાન શીવ પાર્વતીના વિવાહ થયા પછી કામદેવ પર ક્રોધિત થયેલા ભગવાન શીવજીએ કામદેવને બાળીને ભષ્મ કરી નાખ્યો હતો. કામદેવની પત્ની રતિના આગ્રહથી માતા પાર્વતીએ કામદેવને પુન જીવિત કર્યા હતા.આ કામદેવ ફરીથી જીવતા થયા તેની ખૂશીમાં હોળી મનાવવામાં આવે છે.આજે પણ રતિએ પાર્વતી સમક્ષ કરેલા વિલાપને લોક સંગીતમાં ગાવામાં આવે છે. શીવજીના ક્રોધથી બળીને ભષ્મ થયેલા કામદેવને વેદના ઓછી થાય તે માટે કેટલાક સ્થળોએ ચંદનના લાકડા વડે પણ હોળી પ્રગટાવવામાં આવે છે.
ગોવામાં ઉજવાતો શિમગોત્સવ
કોંકણી ભાષામાં હોળીને શિમંગો કહેવામાં આવે છે. ગોવાના મૂળ નિવાસીઓ શિમગોત્સવને ધામધૂમથી મનાવે છે. આ તહેવાર વન વગડામાં ખિલેલી વસંતનું સ્વાગત કરવા માટે ઉજવાય છે.એ દિવસે તૈયાર કરવામાં આવતી પરંપરાગત વાનગીઓ અને મીઠાઇને શગોટી કહે છે. શિમગોત્સવ નિમિત્તે પણજીમાં એક વિશાળકાય સરઘસ નિકળે છે જે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચીને એક સભાના રુપમાં ફેરવાઇ જશે. આ સભા સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગીત સંગીત અને નાટકોનું આયોજન થાય છે. નાટકોના વિષયો સાહિત્યીક,સાંસ્કૃતિક અને પૌરાણિક વિષયો પર આધારિત હોય છે.ગોવાના શિમોત્સવમાં દરેક જાતિ અને ધર્મના લોકો ભાગ લે છે.
મહારાષ્ટ્રની હોળી એટલે રંગ પંચમી
મહારાષ્ટ્માં હોળીને રંગ પંચમી તરીકે પણ સંબોધવામાં આવે છે. આ પર્વ નિમિત્તે ઠેર ઠેર દહીં ભરેલી મટકી બાંધીને ફોડવાનો મહિમા છે. મટકી ફોડ યુવાનોની ટોળી ઠેર ઠેર ફરતી જોવા મળે છે.ઉંચી ઇંમારતો પર બાંધવામાં આવતી મટકી ફોડવાનો પડકાર પણ યુવાનો ઝીલી લે છે. એ સમયે ગોવિંદા આલા રે ..ગીત ગુંજી ઉઠે છે. મટકી ફોડી રહેલા ગોવિંદાઓ પર મહિલાઓ રંગબેરંગી પાણી છાંટે છે.સાગરકાંઠાના સાગરખેડૂઓ માટે હોળીનો તહેવાર નાચગાનનો મહાપર્વ છે. રંગ પચમીના દિવસે છોકરા-છોકરીઓના લગ્ન નકકી કરવામાં આવે છે. આ દિવસે પુરણપોળી નામની સ્વાદિષ્ટ વાનગી ખાવાનો વિશેષ મહિમા છે.
અલ્હાબાદની કપડા ફાડ હોળી
આમ તો હોળી રમતા ખેલૈયાઓની ઝપા ઝપીમાં કયારેક કપડા પણ ફાટી જતા હોય છે પરંતુ અલ્હાબાદમાં રમાતી હોળીને તો કપડાફાડ હોળીનું બિરુંદ પણ મળ્યું છે. સંગમ નગરી તરીકે ઓળખાતા અલ્હાબાદમાં લોકો રસ્તા પર આવીને કલાકો સુધી હોળી રમતા રહે છે. આ હોળીની વિશેષતા એ છે કે ખેલૈયાઓ એક બીજાના શરીર પરનું ઉપરનું જબરદસ્તીથી ઉતરાવે છે, જે એમ ના કરે તેનું શર્ટ કે ખમીસ ફાડી નાખવામાં આવે છે. આથી આ હોળીને કપડા ફાડ હોળી કહેવામાં આવે છે.અહીંયા સળંગ ત્રણ દિવસ સુધી હોળી મનાવવામાં આવે છે. લોકલ બજાર અને હાટ પણ હોળીના રંગે રંગાઇ જાય છે.