For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આટલી દૂર તો સાસરિયું હોતું હશે? મારે તો લગન નથી કરવા, પોલીસ સામે દુલ્હને ના પાડી દીધી

દુલ્હનની માતાએ પણ લગ્ન તોડવાની વાત કહી

આ ઘટના ઉત્તર પ્રદેશના વારાણસીની છે

Updated: Mar 19th, 2023

Article Content Image
Image : pixabay

અમદાવાદ, 19 માર્ચ 2023, રવિવાર

'મારું સાસરિયું દૂર છે, મારે નથી જવું' કંઈક આવું કહીને એક વધૂએ લગ્નના માત્ર થોડા જ કલાકો પછી સંબંધ તોડી નાખ્યો. આ ઘટના ઉત્તર પ્રદેશના વારાણસીની છે. વર અને વધૂએ પરિવારના સભ્યોની સંમતિથી પહેલા કોર્ટ મેરેજ કર્યા અને ત્યારબાદ આ બંનેના ધામધૂમથી લગ્ન થયા. આ પછી વધૂની વિદાય કરવામાં આવી હતી. પરત ફરતી વખતે જાન કાનપુર પહોંચી હતી કે દુલ્હનનો વિચાર બદલાઈ ગયો. તેણે 400 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. કન્યાને ખબર પડી કે તેનું સાસરિયું હજી 900 કિમી દૂર છે, તેથી તે લગ્ન તોડવાની જીદ પર અડી ગઈ હતી.

ફરિયાદ લઈ વધૂ પહોંચી પોલીસ પાસે

એક પોલીસકર્મીના જણાવ્યા મુજબ જ્યારે વર પક્ષના લોકો કાનપુરના મહારાજપુર પાસે ચા-નાસ્તો કરવા માટે રોકાયા હતા, ત્યારે છોકરી રડતી-રડતી પોલીસ પાસે પહોંચી હતી. તે જિદ પર અડી ગઈ હતી કે તેણે હવે આગળ જવું નથી. તેણે એમ પણ કહ્યું કે તે આ લગ્ન સ્વીકારવા તૈયાર નથી. આ સ્થિતિમાં પોલીસે યુવતીને પરત મોકલી દીધી અને વરરાજાને નિરાશ થઈ પરત ફરવું પડ્યું હતું.

વર પક્ષને લાગ્યું પોલીસે છોકરીની ધરપકડ કરી છે 

લગ્નનો ખર્ચ બચાવવા માટે પહેલા વર અને વધૂએ વારાણસી કોર્ટમાં લગ્ન કર્યા અને તે પછી રિવાજોનું પણ પાલન કરવામાં આવ્યું હતું. છોકરા તરફથી લગ્નમાં ઓછા જ લોકો સામેલ થયા હતા. વારાણસીથી બિકાનેરનું અંતર લગભગ 1300 કિલોમીટર છે. તેઓને સરસૌલ પહોંચવામાં 7 કલાકનો સમય લાગ્યો હતો. દૂધ માતા પેટ્રોલ પંપ પાસે જ્યારે ગાડી રોકાઈ ત્યારે વધૂ ત્યાં પાર્ક કરેલી PRV વાન પાસે જઈ રડવા લાગી હતી. પહેલા તો વર પક્ષને લાગ્યું     કે પોલીસ છોકરીને પકડી લઈ જઈ રહી છે. પરંતુ બાદમાં ખબર પડી કે તે પોતે જ પોલીસને ફરિયાદ કરી રહી છે.

વધૂની માતાએ પણ લગ્ન તોડવાની વાત કહી

વધૂએ પોલીસને જણાવ્યું કે પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આ લોકો પ્રયાગરાજના રહેવાસી છે. પરંતુ હવે તેને બિકાનેર લઈ જવામાં આવી રહી છે. તેણે કહ્યું કે તે સાત કલાકની મુસાફરી કરીને થાકી ગઈ છે અને તે હવે સાસરિયે જવા માંગતી નથી. તેણે કહ્યું કે તે તેની માતાથી દૂર જવા માંગતી નથી અને લગ્ન તોડવા માંગે છે. પોલીસના પૂછ્યા બાદ વર પક્ષના લોકોએ પોલીસની સામે કોર્ટ મેરેજના કાગળો પણ રજૂ કર્યા અને કહ્યું કે વધૂ પક્ષને પૂરેપૂરી જાણ છે કે તેઓ બિકાનેરના રહેવાસી છે. જ્યારે પોલીસે છોકરીની માતા સાથે વાત કરી તો માતાએ પણ એમ કહ્યું કે તે છોકરો બિકાનેરનો રહેવાસી છે તેની તેને જાણ નહોતી. તેમણે પણ લગ્ન તોડવાની વાત કહી હતી. છોકરીની માતાએ જણાવ્યું કે તેનો પતિ નથી. આના પર પોલીસે વધૂને અડધા રસ્તેથી પરત કરી હતી. પોલીસે પહેલા વધૂને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જ્યારે વધૂએ આગ્રહ કર્યો તો તેને વારાણસી પરત મોકલી દેવામાં આવી હતી.

Gujarat