India

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

By GS TEAM
16 Mar 20262 mins read
જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

Weather News : ઉત્તર ભારતનાં મેદાની વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં હળવો વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. દેશની રાજધાની દિલ્હીમાં સવારે હળવો વરસાદ પડયો હતો. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં સવારે 8:30 વાગ્યા સુધીમાં 8 મિમી વરસાદ નોંધાયો હતો.

હવામાન નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર પશ્ચિમ વિક્ષેપ પશ્ચિમ હિમાલય તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે મધ્ય પાકિસ્તાન, પંજાબ અને હરિયાણામાં વાવાઝોડાની શક્યતા છે. આ જ કારણોસર દિલ્હીમાં હળવો વરસાદ પડયો હતો.

ભારતીય હવામાન વિભાગનાં ડેટા અનુસાર દિલ્હીનાં સફદરગંજ અને લોધી રોડ બંને વિસ્તારોમાં 0.8 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે પાલમમાં 0.4 મિમી અને અયાનગરમાં 2.6 મિમી  અને પિતામપુરામાં 3.5 મિમી વરસાદ નોંધાયો હતો. 

આજે પણ આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર આ સિઝનનો પ્રથમ પ્રિ-મોનસૂન વરસાદ છે. જો કે આ વરસાદનું આગમન સામાન્ય કરતા 10 દિવસ વહેલા થયું છે. 

ઉત્તર પ્રદેશનાં પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. લખનઉમાં ૧૬ માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. 

રાજસ્થાનમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હળવો વરસાદ પડયો હતો. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 21 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપ સક્રિય રહેશે.

કાશ્મીરમાં ગુલમર્ગ ટુરિસ્ટ રિસોર્ટ સહિતનાં ઉંચાઇવાળા વિસ્તારમાં બરફવર્ષા થઇ હતી. 

રાજ્યનાં મેદાની વિસ્તારોમાં વરસાદ પડયો હતો. 

જમ્મુ-કાશ્મીરની જેમ હિમાચલ પ્રદેશમાં પણ ઉંચાઇવાળા વિસ્તારોમાં બરફ વર્ષા થઇ હતી. 

રાજ્યનાં કુલ્લુ, લાહોલ અને સ્પિતિ જિલ્લાઓમાં બરફ વર્ષા થઇ હતી જ્યારે શિમલા અને તેની આસપાસનાં વિસ્તારોમાં વરસાદ પડયો હતો.