Get The App

પાકિસ્તાન માટે જાસૂસી બદલ મહિલા યુટયુબર સહિત છ લોકોની ધરપકડ

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન માટે જાસૂસી બદલ મહિલા યુટયુબર સહિત છ લોકોની ધરપકડ 1 - image


- પાકિસ્તાન જઇને જાસૂસોને મળવાનો આરોપ

- યુટયુબરે પાકિસ્તાની જાસૂસ સાથે સંબંધ બનાવી વિદેશ પ્રવાસ કર્યો હતો, ભારતની સંવેદનશીલ માહિતી પુરી પાડી હતી

- જાસૂસીનું નેટવર્ક પંજાબ અને હરિયાણામાં ફેલાયેલુ હોવાની શંકા

નવી દિલ્હી : પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ એક મહિલા યુટયુબર સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભારત વિરોધી પાકિસ્તાનીઓને સંવેદનશીલ માહિતી પુરી પાડવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જાસૂસીનું આ નેટવર્ક સમગ્ર હરિયાણા અને પંજાબમાં ફેલાયેલુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ધરપકડ કરાયેલામાંથી કેટલાકે પાકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી. 

જે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં ટ્રાવેલ વ્લોગર જ્યોતિ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. જ્યોતિ યુટયુબ પર ટ્રાવેલ વિદ જો નામની ચેનલ ચલાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યોતિ વર્ષ ૨૦૨૩માં પાકિસ્તાનની મુલાકાતે ગઇ હતી. કમિશન એજન્ટ પાસેથી તેણે વિઝા મેળવ્યા હતા. પાકિસ્તાનની આ મુલાકાત દરમિયાન તે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇ કમિશનના સ્ટાફ એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ સાથે મિત્રતા બનાવી હતી. દાનિશને ભારત સરકારે દેશ નિકાલનો આદેશ આપ્યો છે. દાનિશે જ્યોતિની મુલાકાત કેટલાક પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ સાથે મુલાકાત કરાવી હતી. બાદમાં જ્યોતિ વોટ્સએપ, ટેલિગ્રામ, સ્નેપચેટ વગેરેના માધ્યમથી આ પાકિસ્તાની ઓપરેટિવ્સના સંપર્કમાં રહી હતી. 

આ દરમિયાન જ જ્યોતિએ ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાની ઓપરેટિવ્સ કે જાસૂસોને આપી દીધી હતી. આ ઉપરાંત ભારતમાં પાકિસ્તાનની છાપ સારી બતાવવાનો સોશિયલ મીડિયા પર પણ તે પ્રયાસ કરતી રહેતી હતી. તપાસકર્તાઓએ દાવો કર્યો છે કે જ્યોતિ એક પાકિસ્તાની ઓપરેટિવ સાથે સંબંધમાં જોડાઇ હતી અને તેની સાથે બાલી, ઇન્ડોનેશિયા ગઇ હતી. જ્યોતિ પર બીએનએસની કલમ ૧૫૨, ઓફિશિયલ સિક્રેટ એક્ટ ૧૯૨૩ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યોતિ ઉપરાંત પંજાબની એક યુવતી ગુઝાલાની પણ ધરપકડ કરાઇ છે, તે પણ પાકિસ્તાની હાઇ કમિશનમાં વિઝા માટે ગઇ હતી. અન્ય આરોપીઓમાં યામીન, દેવિન્દર, અરમાનની ધરપકડ કરાઇ છે. કુલ છ લોકોની ધરપકડ થઇ છે અને તેઓ તમામ પર આરોપ છે કે તેઓ પાકિસ્તાની ઓપરેટિવના સંપર્કમાં રહ્યા અને ભારતની સંવેદનશીલ માહિતી પહોંચાડી હતી. 

Tags :