પુલવામામાં સૈન્યનું મોટું ઓપરેશન, ચાર આતંકીઓને ઠાર મરાયા, ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ
આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરાઇ
બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ પાક.ના ગોળીબારમાં કુલ ચાર જવાન શહીદ : પાંચ નાગરિકના મોત, ૪૦ ઘાયલ
પાક.ના છમકલાં ચાલુ રહેતા કાશ્મીરના સરહદી વિસ્તારમાં શાળા-કોલેજો બંધ કરાયા
નવી દિલ્હી, તા.1 એપ્રિલ, 2019, સોમવાર
જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરમાં સરહદે પાકિસ્તાને ફરી ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફના વધુ એક ઓફિસર શહીદ થયા છે સાથે એક પાંચ વર્ષની બાળકીનું પણ મોત નિપજ્યું છે.
આ ઘટનામાં છ જવાન પણ ઘાયલ થયા હતા. પાકિસ્તાની સૈન્ય શુક્રવારથી દરરોજ સરહદે ગોળીબાર કરી રહ્યું છે. પરીણામે ગોળીબારના ચોથા દિવસે પાક. સૈન્યએ ભારતીય સૈન્યની ચોકીઓ અને ગ્રામીણ વિસ્તારને નિશાન ઔબનાવ્યા હતા.
પાકિસ્તાની સૈન્યએ અહીંના આશરે છ જેટલા ગામડાઓ પર અંધાધુંધ તોપમારો કર્યો હતો. જે દરમિયાન એક ગામમાં પાંચ વર્ષની બાળકી સોબીઆનું મોત નિપજ્યું હતું. શાહપુર વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યએ ફેંકેલા શેલ વિસ્ફોટ થતા આ જાનહાની થઇ હતી. જ્યારે ૨૦ લોકો ગંભીર રીતે ઘવાયા હતા જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પૂંચ જિલ્લામાં જ એક બીએસએફ અધિકારી પણ પાક.ના ગોળીબારમાં શહીદ થયા હતા. પાકિસ્તાન દ્વારા અગાઉ શુક્રવાર, શનિવાર અને રવિવારે પણ રોજ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ગ્રામીણ વિસ્તારોને જ સૌથી વધુ નિશાન બનાવ્યા હતા, સોમવારે પાકિસ્તાની સૈન્યએ સવારે ૭.૪૦ કલાકે કસબા, મેનકોટે, કેરની, ગુનતરીયા અને શાહપુર ગ્રામીણ વિસ્તારને નિશાન બનાવ્યા હતા.
આસપાસના વિસ્તારોમાં આવેલી શાળા કોલેજોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવી છે.
જ્યારે બીજી તરફ પુલવામામાં સૈન્ય દ્વારા મોટા પાયે તપાસ અભિયાન જારી છે, આ તપાસ દરમિયાન એક વિસ્તારમાં આતંકીઓ અને સૈન્ય બન્ને વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. પરીણામે સૈન્યએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે.
જોકે સામેપક્ષે આ ઓપરેશનમાં ત્રણ સૈન્ય જવાનો ઘવાયા હતા જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે. પુલવામામાં ૧૪મી ફેબુ્રઆરીએ આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા.
શનિવારે આતંકીઓએ પુલવામામાં જ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો જેમાં એક જવાન ગંભીર રીતે ઘવાયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં સતત ગોળીબાર અને મોર્ટારમારાને પગલે ભયનો માહોલ છે, પરીણામે અહીંની શાળા કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કેટલાક ગામડાઓમાં ખાલી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
સરહદથી વધુ અંદરની તરફ ગ્રામજનો આવી રહ્યા છે કે જેથી પાકિસ્તાનના ગોળીબારની રેંજથી બચી શકાય. જ્યારે સૈન્ય દ્વારા જવાબી કાર્યવાહી પણ જારી છે.


