ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ

- ડીજીસીએએ બધી જ એરલાઈન્સ માટે ફ્લાઈટ ક્રૂના નિયમો પાછા ખેંચ્યા
- એરલાઈન્સે, પ્રવાસીઓને રૂ. ૬૧૦ કરોડનું રિફન્ડ આપ્યું, ૩,૦૦૦ બેગ ડિલિવર કરી, ૬ઠ્ઠા દિવસે ઈન્ડિગોએ ૧૬૫૦ ફ્લાઈટ ઓપરેટ કરી
- ઈન્ડિગો અને ડીજીસીએને સમન્સ પાઠવવા સંસદીય સમિતિની તૈયારી, ફ્લાઈટ સંકટ મુદ્દે ન્યાયિક તપાસની સાંસદોની માગ
- ડીજીસીએએ એફડીટીએલના નિયમો પાછા ખેંચતા પાયલટ સહિત ફ્લાઈટ ક્રૂમાં ભારે નારાજગી
જોકે, રવિવારે ઈન્ડિગોની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સહિત કુલ ૨૩૦૦ ફ્લાઈટમાંથી ૧૬૫૦ ફ્લાઈટ્સનું યોગ્ય રીતે સંચાલન થયું હતું. તેમ છતાં એરલાઈને રવિવારે પણ ૬૫૦ જેટલી ફ્લાઈટ રદ કરી હતી.
એરલાઈને કહ્યું કે, ફ્લાઈટ્સ રદ થવાના સંકટ વચ્ચે રવિવારે તેના ૧૩૮માંથી ૧૩૭ ડેસ્ટિનેશન પર ફ્લાઈટનું સંચાલન શરૂ થઈ ગયું છે. ઓન-ટાઈમ પરફોર્મન્સ ૭૫ ટકા સુધી પહોંચવાની આશા છે, જે શનિવારે ૩૦ ટકા હતું. એરલાઈને જણાવ્યું હતું કે, બુધવાર સુધીમાં તેનું સંપૂર્ણ નેટવર્ક સ્થિર થઈ જવાની તેમને અપેક્ષા છે.
અન્ય એક ઘટનાક્રમમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે, ઈન્ડિગોએ અત્યાર સુધીમાં કુલ રૂ. ૬૧૦ કરોડથી વધુનું રિફન્ડ ચૂકવી દેવાયું છે અને એરલાઈન દ્વારા ૩,૦૦૦થી વધુ બેગ તેમના સરનામા પર ડિલિવર કરી દેવાઈ છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે, બધા જ એરપોર્ટ પર રિયલ ટાઈમ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બધા જ ઓપરેટરો, એરપોર્ટ નિર્દેશકો, ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ અને અન્ય બધા જ હિતધારકોને પ્રવાસીઓ માટે બધી જ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના નિર્દેશ અપાયા છે, જેમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ પ્રવાસીઓનું વિશેષ ધ્યાન રખાશે.
ઈન્ડિગો કટોકટીના કારણે દેશમાં લાખો પ્રવાસીઓ પરેશાન થયા છે ત્યારે હવે સંસદીય સમિતિ પણ આ વિવાદમાં કૂદી છે. સંસદીય સમિતિએ ઈન્ડિગોના ટોચના અધિકારીઓ અને નાગરિક ઉડ્ડયન નિયમનકારને સમન્સ પાઠવવાની તૈયારી કરી છે. જદયુ સાંસદ સંજય ઝાના અધ્યક્ષપદે પરીવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પરની સંસદીય સ્થાયી સમિતિ ઈન્ડિગો વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. સીપીઆઈના રાજ્યસભાના સાંસદ જ્હોન બ્રિટાસે ઈન્ડિગો સામે સંયુક્ત સંસદીય સમિતિ અથવા ન્યાયિક તપાસની માગ કરી છે. દરમિયાન ઈન્ડિગો સહિત અન્ય એરલાઈન કંપનીઓના દબાણ પછી ડીજીસીએએ ફ્લાઈટ ક્રૂ (પાયલટ અને કેબિન ક્રૂ) માટે લાગુ કરાયેલા સાપ્તાહિક રજા અને ડયુટી રોસ્ટરમાં વધુ આરામના સમય સંબંધિત આદેશોને બધી જ એરલાઈન્સ માટે તાત્કાલિક અસરથી પાછા લઈ લીધા છે. ડીજીસીએનું કહેવું છે કે ફ્લાઈટમાં સાતત્ય અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એફડીટીએલના નિયમોના પાલન માટે ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૬ સુધી એરલાઈન્સને સમય અપાયો છે.
ડીજીસીએના નિર્ણયથી ફ્લાઈટ ક્રૂ સભ્યો નિરાશ થયા છે. તેમનું માનવું છે કે આ નિર્ણય તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે સમજૂતી છે, કારણ કે આ નિયમોનો આશય ક્રૂને ઉડ્ડયન પહેલા પર્યાપ્ત આરામ આપવાનો હતો. ઈન્ડિગોના એક સિનિયર પાયલટે કહ્યું કે, એરલાઈન કંપનીઓએ એફડીટીએલના નિયમોના પાલનમાં રાહત મેળવવા ઈરાદાપૂર્વક આ સંકટ ઊભું કર્યું હતું.
- પ્રવાસીનો સામાન ૩ દિવસથી ગૂમ, ઇન્ડિગોએ હાથ અદ્ધર કર્યા
મુંબઇ એરપોર્ટ પર પેસેન્જરોની ભીડની સાથે લગેજનો પણ ભારે ભરાવો થવા માંડયો છે. આમાં લગેજ ગુમાવાની ફરિયાદો પણ વધતી જાય છે.
મુંબઇથી શુક્રવારે ચેન્નઇ જનારા આનંદ પરમાર નામના પ્રવાસીએ ચેક-ઇન કરાવી લીધા પછી ફલાઇટ કેન્સલ થઇ હતી. આથી તેઓ પોતાનો સામાન પાછો મેળવવા કાઉન્ટર પર ગયા હતા, પણ સામાન મળ્યો નહોતો. આજે સતત ત્રીજા દિવસે પોતાનો લગેજ મેળવવા પ્રયાસ કર્યા છતાં તેમને નિષ્ફળતા મળી હતી.
પ્રવાસીએ કહ્યું હતું કે હું ઇંડિગોના કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટમાં સતત ફોન કરી રહ્યો છું અને લગેજ મેળવવા માટે લાઇનમાં ઉભો છું. ત્રણ દિવસથી આ રીતે લાઇનમાં ઉભા રહીને હું થાકી ગયો છું.
દરમ્યાન એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંખ્યાબંધ ફલાઇટ્સ કેન્સલ થવાને કારણે જમા થવા માંડેલા સામાનનો બેકલોગ ખૂબ જ વધી ગયો છે. એટલે બેગેજ ટ્રેસિંગ ટીમ પેેસેન્જરોના લગેજની ભાળ મેળવીને તેમને પાછા સોંપવાની કામગીરીમાં વ્યસ્ત છે.









