મતદાર વેરિફિકેશન પ્રક્રિયા SIR ને કારણે વોટર લિસ્ટમાંથી કાઢી મૂકાયેલા લોકોનું શું થશે? જાણો ચૂંટણી પંચનો જવાબ
Image: AI |
Bihar Voter Verification: સુપ્રીમ કોર્ટમાં સોમવારે (28 જુલાઈ) ચૂંટણી પંચ તરફથી ચલાવવામાં આવી રહેલા સ્પેશ્યલ ઇન્ટેસિવ રિવિઝન (SIR)ને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી છે. SIR હેઠળ મતદાર યાદી તૈયાર કરતા પહેલા તપાસવામાં આવે છે કે, નોંધાયેલા નામો સાચા છે કે નહીં, મતદાર આપેલા સરનામા પર રહે છે કે નહીં અથવા તેનું મૃત્યુ થયું છે કે નહીં. જોકે, આ અભિયાનનો સતત વિરોધ પણ થઈ રહ્યો છે. આરજેડી અને કોંગ્રેસ જેવા પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. આ સિવાય તેજસ્વી યાદવે તો ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરવાની વાત પણ કરી છે.
SIRના 10 હેતું, હજું ચિત્ર સ્પષ્ટ નથીઃ ચૂંટણી પંચ
અત્યાર સુધી મળતી માહિતી મુજબ, નવી યાદીમાં લગભગ 50 લાખ મતદારોના નામ ઓછા થઈ જશે. આ વિશે ચૂંટણી પંચનું કહેવું છે કે, આ પ્રક્રિયાના કુલ 10 હેતુ છે, જેમાંથી બે હજુ બાકી છે અને તેના પર કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ જ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે. જોકે હવે, બૂથ લેવલ અધિકારીઓનું કામ પૂરૂ થઈ ગયું છે અને હવે ચૂંટણી નોંધણી અધિકારીઓની જવાબદારી વધી ગઈ છે. સમગ્ર રાજ્યમાં કુલ 243 ચૂંટણી નોંધણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, 2,976 સહાયકોની પણ નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓએ મતદારો દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર નિર્ણય લેવાના રહેશે.
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં, 2ના મોત, 3 લાપતા
ચૂંટણી પંચે આપ્યું આશ્વાસન
જોકે, આ મુદ્દે ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા કહ્યું કે, કોઈએ ખાસ સઘન સુધારા અંગે ચિંતા કરવાની જરૂર નથી. મતદારનું નામ ત્યારે જ કાઢી નાખવામાં આવશે જ્યારે તેને પોતાનો પક્ષ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવશે. આ માટે, મતદારો ડીએમ અને મુખ્ય ચૂંટણી અધિકારીને અપીલ કરી શકશે. સ્વયંસેવકોને અપીલ દાખલ કરવા માટે તાલીમ આપવામાં આવશે. આ માટે એક ફોર્મેટ પણ શેર કરવામાં આવ્યું છે. બિહારના 91.69 ટકા મતદારોએ ફોર્મ સબમિટ કર્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, લગભગ 65 લાખ લોકોના નામ યાદીમાંથી દૂર કરી શકાયા છે. આમાંથી 22 લાખ લોકોના મૃત્યુ થયા છે.
1 ઓગસ્ટ સુધી સ્પષ્ટ થશે ચિત્ર?
આ સિવાય, 7 લાખ લોકોના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા છે, તેથી તેમના નામ કાપી નાંખવામાં આવ્યા છે અને તેમણે જ્યાં રહે છે ત્યાં જ પોતાનું નામ દાખલ કરાવવાનું રહેશે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, આ 65 લાખ મતદારોમાંથી 36 લાખ કાયમી રીતે ક્યાંક સ્થળાંતરિત થયા છે અને તેમના વિશે માહિતી ઉપલબ્ધ નથી. કમિશનનું કહેવું છે કે, આ લોકોના નામ બીજે ક્યાંક નોંધાયેલા છે અથવા તેઓ અહીંથી સ્થળાંતરિત થયા છે. આ ઉપરાંત, ઘણા લોકો 25 જુલાઈની અંતિમ તારીખ ચૂકી ગયા છે. કેટલાક લોકો એવા છે જે બિલકુલ નોંધણી કરાવવા માંગતા નથી. હવે આ બધાની સ્થિતિ 1 ઓગસ્ટ, 2025 સુધીમાં સ્પષ્ટ થશે, જ્યારે ચૂંટણી નોંધણી અધિકારીઓ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવશે.