(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭
ચૂંટણી પંચ દ્વારા ૯ રાજ્યો અને ૩ કેન્દ્ર શાસિત પ્રદેશોની
મતદાર યાદીઓમાં કરવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) હેઠળ
લગભગ ૬.૫ કરોડ મતદારોનાં નામ દૂર કરવામાં
આવ્યા છે.
આ ૧૨ રાજ્યો અને કેન્દ્ર
શાસિત પ્રદેશોમાં ૨૭ ઓક્ટોબરે એસઆઇઆરની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. આ
પ્રક્રિયા શરૃ કરવામાં આવી તે સમયે આ ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ
૫૦.૯૦ કરોડ મતદારો રજિસ્ટર્ડ હતાં.
જો કે એસઆઇઆર હેઠળ જારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં આ સંખ્યા
ઘટીને ૪૪.૪૦ કરોડ થઇ ગઇ છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર જે મતદારોના નામ
હટાવવામાં આવ્યા છે તેમને એએસડી (એબ્સન્ટ,
શિફટેડ અને ડેડ/ડુપ્લિકેટ) કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.
અધિકારીઓનાં જણાવ્યા અનુસાર એસઆઇઆરની કવાયતમાં ગ્રામીણ
વિસ્તારોની સરખામણીમાં શહેરી વિસ્તારોમાં ગણતરી ફોર્મ જમા કરાવવાનુ પ્રમાણ ખૂબ જ
ઓછું રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઉત્તર પ્રદેશમાં એસઆઇઆર હેઠળ
ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ૨.૮૯ કરોડ મતદારોના નામ હટાવી
૧૨.૫૫ કરોડ મતદારોના નામ સામેલ કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર ડ્રાફ્ટ
મતદાર યાદીમાંથી ૨.૮૯ કરોડ મતદારો એટલે કે ૧૮.૭૦ ટકા મતદારોના નામ હટાવવામાં આવ્યા
છે. મૃત્યુ, કાયમી
ધોરણે સ્થળાંતર, એકથી
વધારે વખત રજિસ્ટ્રેશન જેવા કારણોસર આ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ,
છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને
પશ્ચિમ બંગાળમાં ચોથી નવેમ્બરે બીજા તબક્કા હેઠળ એસઆઇઆરની પ્રક્રિયા શરૃ કરવામાં
આવી હતી.
આસામમાં અલગથી મતદાર યાદીનું સ્પેશિયલ રિવિઝન ચાલી રહ્યું
છે. મોટા ભાગના રાજ્યોમાં છેલ્લે ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન એસઆઇઆરની પ્રક્રિયા હાથ
ધરવામાં આવી હતી. એસઆઇઆરનો પ્રાથમિક ઉદ્દેશ જન્મનું સ્થળ ચેક કરી વિદેશી ગેરકાયદે
માઇગ્રન્ટ્સના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો છે.


