આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે 'સિંદૂર'એ સાબિત કર્યું : મોદી
મોદીએ તમિલનાડુમાં ચોલ રાજાના માનમાં સ્મારક સિક્કો જારી કર્યો
બ્રિટનના મેગ્નાકાર્ટા પહેલા ભારતે વિશ્વને લોકશાહીના પાઠ ભણાવ્યા : મોદીએ પૌરાણિક કુદાવોલાઇ સિસ્ટમ યાદ કરી
તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા, જે દરમિયાન તેમણે આતંકવાદ વિરુદ્ધ ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરના વખાણ કર્યા હતા. અને કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વને એક સંદેશો આપ્યો છે કે જો ભારતની સંપ્રભુતા પર હુમલો કરવામાં આવ્યો તો આવો જ જવાબ મળશે. ભારતને નિશાન બનાવનારા આતંકીઓ માટે કોઇ જ જગ્યા સુરક્ષીત નહીં રહે. હું હાલ જ્યાં આવ્યો છું ત્યાં પણ તમામ લોકો ઓપરેશન સિંદૂરના વખાણ કરી રહ્યા છે.
મોદીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરે સમગ્ર ભારતમાં એક નવી જાગૃતિ, નવો આત્મવિશ્વાસ પેદા કર્યો છે. દુનિયાને ભારતની તાકાતનો અહેસાસ થવો જોઇએ. સમ્રાટ રાજારાજ ચોલ અને તેમના પુત્ર રાજેન્દ્ર ચોલ-પ્રથમના નામ ભારતની ઓળખ અને ગૌરવ માટે પુરતા છે. તમિલનાડુમાં તેમની ભવ્ય મુર્તી સ્થાપિત કરવામાં આવશે. લોકશાહી પર વાત કરતા ઘણા લોકો બ્રિટનના મેગ્નાકાર્ટાનો ઉલ્લેખ કરતા હોય છે જ્યારે ચોલ કાળના કુદાવોલાઇ પ્રણાલી તો મેગ્નાકાર્ટા કરતા પણ જુની છે. આ દરમિયાન મોદીએ ચોલ રાજાના સન્માનમાં એક સ્મારક સિક્કો જાહેર કર્યો હતો.
- ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સ વધ્યું : મન કી બાતમાં મોદી
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પરત ફરેલા અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના વખાણ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતમાં બાળકોમાં અંતરિક્ષને લઇને ઉત્સુક્તા વધી રહી છે. આજે ભારતમાં ૨૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ માત્ર સ્પેસ સેક્ટરમાં જ છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં અંતરિક્ષ, વિજ્ઞાાન હોય કે સ્પોર્ટ્સ કઇક નવુ થયું છે. મોદીએ આ વાત મન કી બાત કાર્યક્રમમાં કરી હતી.
તેમણે કહ્યું હતું કે શુભાંશુ શુક્લાએ જેવો ધરતી પર પગ મુક્યો કે તુરંત જ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો હતો. ભારતમાં સ્પેસ સ્ટાર્ટ અપ્સ ઝડપથી વિકસી રહ્યું છે. પાંચ વર્ષ પહેલા દેશમાં ૫૦ કરતા પણ ઓછા સ્ટાર્ટ અપ્સ આ ક્ષેત્રમાં હતા, જોકે હવે આ સંખ્યા વધીને ૨૦૦ને પાર જતી રહી છે.