ભારતમાં 26મીએ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ભૂકંપ જેવી કુદરતી હોનારતના સંકેત
- નરી આંખે સૂર્યગ્રહણ જોવું ખૂબ જ જોખમી
- સૂતકના કારણે ભગવાન અયપ્પાના મંદિરનું ગર્ભગૃહ સવારે ચાર કલાક માટે બંધ રખાશે
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર, 2019, સોમવાર
આગામી 26 ડિસેમ્બરના રોજ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ સર્જાશે. ત્યારે ભારતના મોટા ભાગના શહેરો પર તેની પ્રભાવશાળી અસરો જોવા મળે તેવા અણસાર છે. આ વખતનું સૂર્યગ્રહણ વલયાકાર હશે. મતલબ કે ગ્રહણ સમયે સૂર્ય ચમકદાર રીંગ જેવો દેખાશે.
ગુરૂવારે સવારે આઠ કલાકે ગ્રહણની શરૂઆત થશે અને તે 10:48 કલાક સુધી ચાલશે. આ દરમિયાન અનેક પ્રકારના કાર્ય વર્જિત માનવામાં આવે છે. જ્યોતિષવિદ્યા અનુસાર બપોરે 1:36 કલાકે સંપૂર્ણ ગ્રહણની સમાપ્તિ થશે. આમ, ગ્રહણનો કુલ સમયગાળો 5:36 કલાકનો રહેશે. સૂર્યગ્રહણને દક્ષિણ ભારતમાંથી સૌથી શ્રેષ્ઠ રીતે જોઈ શકાશે.
દક્ષિણ ભારતના લોકો ગ્રહણને એક ચમકતી રીંગ જેવું સ્પષ્ટ જોઈ શકશે. ગ્રહણ સમયે સૂતકને લઈ અનેક પ્રકારની ગેરસમજો હોય છે. જ્યોતિષો આ સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓને વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપે છે. 25 ડિસેમ્બરની રાતે આઠ કલાકથી જ ગ્રહણ કાળની શરૂઆત થઈ જશે.
સૂર્યગ્રહણ નરી આંખે ન જોવું જોઈએ અને તેનો લાભ લેવા માટે પરોક્ષ રીત કે સુરક્ષા અપનાવવી જોઈએ. જ્યોતિષો સામાન્યપણે સૂર્યગ્રહણને અશુભ માને છે. ગ્રહણના એક દિવસ પહેલા પોષ માસમાં મંગળ રાશિ પરિવર્તન કરીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશશે. વૃશ્ચિક એ જળતત્વની રાશિ છે અને માટે આ યોગમાં મોટી કુદરતી હોનારત સર્જાઈ શકે છે.
આ યોગમાં ધરતીકંપ, બરફવર્ષા, સુનામી વગેરેની શક્યતાને ધ્યાનમાં રાખીને સમુદ્ર કિનારે અને પહાડી વિસ્તારમાં રહેતા લોકોએ વિશેષ કાળજી રાખવાની જરૂર છે. આ વખતના સૂર્યગ્રહણની સૌથી ખાસ વાત એ છે કે, તે કેરળના ચેરૂવથુરમાં પણ જોવા મળશે.
સૂતકના કારણે ભગવાન અયપ્પાના મંદિરનું ગર્ભ ગૃહ 26મી ડિસે.ના રોજ ચાર કલાક માટે બંધ રાખવામાં આવશે. ભારત ઉપરાંત પૂર્વીય યુરોપ, એશિયા, ઉત્તર/પશ્ચિમી ઓસ્ટ્રેલિયા અને પૂર્વીય આફ્રિકામાં પણ ગ્રહણ સ્પષ્ટ જોવા મળશે.
આ ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીનમાં પણ સૂર્યગ્રહણની પ્રભાવી અસરો જોવા મળશે. ગ્રહણ સમયે પૂજાપાઠ વર્જ્ય છે. આ ઉપરાંત ઘરમાં રહેલી ખાવા-પીવાની વસ્તુઓમાં તુલસીનું પાન મુકી દેવું જોઈએ. ગ્રહણ સમયે પકવાન બનાવવા કે ખાવા ન જોઈએ અને ગ્રહણ સમાપ્તિ બાદ સંપૂર્ણ ઘરની સફાઈ કરવી જોઈએ.