Get The App

ભારત અને ઇએફટીએ દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

Updated: Mar 11th, 2024

GS TEAM

Google News
Google News
ભારત અને ઇએફટીએ દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર 1 - image


- ૧૫ વર્ષમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ અને ૧૦ લાખ નોકરીનું સર્જન

- યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઇએફટીએ)ના સભ્ય દેશોમાં આઇસલેન્ડ, લીશટેન્સ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ સામેલ

નવી દિલ્હી: ભારત અને ચાર યુરોપિયન દેશોના જૂથ ઇએફટીએએ રોકાણ અને વસ્તુઓ તથા સેવાઓના દ્વિપક્ષીય વેપારને વેગ આપવા માટે રવિવારને એક મુક્ત વેપાર સમજૂતી  પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કરાર હેઠળ ભારતને આગામી ૧૫ વર્ષમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ અને ૧૦ લાખ લોકોને નોકરીના સર્જનની ખાતરી આપવામાં આવી છે.

યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઇએફટીએ)ના સભ્ય દેશોમાં આઇસલેન્ડ, લીશટેન્સ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ સામેલ છે. 

૨૦૦૮માં મંત્રણા શરૂ થયાના લગભગ ૧૬ વર્ષ પછી આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે કારણકે નવેમ્બર, ૨૦૧૩માં આ મંત્રણા પર રોકી દેવામાં આવી હતી. ઓક્ટોબર, ૨૦૧૬માં આ મંત્રણા ફરી શરૂ કરવામાં આવી હતી. હસ્તાક્ષર પહેલા ૨૧ વખત મંત્રણા કરવામાં આવી હતી. 

એફટીએ (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ)ના ઇતિહાસમાં પ્રથમ વખત કાયદાકીય વચનબદ્ધતા  કરવામાં આવી છે. લક્ષ્યાંક આધારિત રોકાણ અને રોજગારીના સર્જન માટે કાયદાકીય વચનબદ્ધતા કરવામાં આવી છે.

કરાર મુજબ ઇએફટીએ રાષ્ટ્રોની મોટા ભાગની તમામ ઘરેલુ ઔદ્યોગિક વસ્તુઓ ડયટી મુક્ત થઇ જશે જ્યારે કૃષિ પેદાશો પરની ડયુટી ઘટી જશે. ભારતનો પ્રમુખ વેપાર ભાગીદાર સ્વિટ્ઝરલેન્ડે તો ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઔદ્યોગિક વસ્તુઓ પરની ડયુટી દૂર કરી છે. 

બીજી બાજુ ભારત ઇએફટીએ બ્લોકની સાથે પોતાની વેપાર સમજૂતી હેઠળ કાંડા ઘડિયાળ, ચોકલેટ, બિસ્કિટ અને દિવાલ ઘડિયાળ જેવી ઉચ્ચ ગુણવત્તાવાળા સ્વિસ ઉત્પાદનો પર ક્રમિક રીતે કસ્ટમ ડયુટી સમાપ્ત કરી દેશે. જેના કારણે ભારતના ગ્રાહકોને આ વસ્તુઓ ઓછા ભાવે ઉપલબ્ધ બનશે.

કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલના જણાવ્યા અનુસાર સર્વિસ સેક્ટરમાં ભારતે એકાઉન્ટિંગ, બિઝનેસ સર્વિસીસ, કોમ્પ્યુટર સર્વિસીસ, ડિસ્ટ્રીબ્યુશન અને હેલ્થ જેવા ૧૦૫ પેટા સેક્ટરની ઓફર કરી છે. બીજી સ્વિર્ઝરલેન્ડે ૧૨૮ પેટા સેક્ટર, નોર્વેએ ૧૧૪, લીશટેન્સસ્ટીને ૧૦૭ અને આઇસલેન્ડે ૧૧૦ પેટા સેક્ટરની ઓફર કરી છે. 

ભારત-ઇએફટીએનોે દ્વિપક્ષીય વેપાર ૨૦૨૨-૨૩માં ૧૮.૬૫ અબજ ડોલરનો વેપાર હતો. જે ૨૦૨૧-૨૨માં ૨૭.૨૩ અબજ ડોલર હતો.ગત નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધ ૧૪.૮ અબજ ડોલર હતી.

Tags :