India

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર, આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન

By GS TEAM
12 Mar 20262 mins read
TukuTouch Logo
પવન બિશ્નોઈ પર પોલીસના જણાવ્યા મુજબ, પવન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે જોડાયેલો હતો. તેના પર આરોપ છે કે, તેણે હત્યા માટે વપરાયેલા બોલેરો વાહનની વ્યવસ્થા કરી હતી. જોકે, પવનના વકીલે દલીલ કરી હતી કે, તેને લોરેન્સ સાથે કોઈ લેવાદેવા નથી

Summarized by AI; it may make mistakes. Check important info

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર, આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન

Sidhu Moose Wala case Update : વર્ષ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની સનસનીખેજ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે બે આરોપીઓ પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન આપ્યા છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો હતો. હવે ટ્રાયલ ચાલુ રહેવા દરમિયાન બંને આરોપીઓ જેલની બહાર આવી શકશે.

આરોપીઓ પર શું છે આક્ષેપ?

પવન બિશ્નોઈ પર પોલીસના જણાવ્યા મુજબ, પવન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે જોડાયેલો હતો. તેના પર આરોપ છે કે, તેણે હત્યા માટે વપરાયેલા બોલેરો વાહનની વ્યવસ્થા કરી હતી. જોકે, પવનના વકીલે દલીલ કરી હતી કે, તેને લોરેન્સ સાથે કોઈ લેવાદેવા નથી, માત્ર તેમની અટક સમાન છે. જગતાર પર મૂસેવાલાના ઘરની રેકી કરવાનો આરોપ હતો. પરંતુ તેના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, જગતારના ઘરે લાગેલા કેમેરા તેની પોતાની સુરક્ષા માટે હતા, નહીં કે ગાયકની જાસૂસી કરવા માટે.

આ પણ વાંચો : રાહુલ દ્રવિડને 'લાઈફટાઈમ અચિવમેન્ટ' ઍવોર્ડ આપશે BCCI, શુભમન ગિલનું પણ કરાશે સન્માન!

કોર્ટની ટિપ્પણી અને સરકારનો વિરોધ

સુનાવણી દરમિયાન અદાલતે એક રમૂજી પણ ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, "સુરક્ષાની દ્રષ્ટિએ આરોપી માટે જેલમાં રહેવું વધુ સારું હોઈ શકે છે. બીજી તરફ, રાજ્ય સરકારે જામીનનો સખત વિરોધ કર્યો હતો. સરકારે જણાવ્યું કે, હત્યા માટે વાહનની વ્યવસ્થા કરવા માટે પવન બિશ્નોઈને અન્ય સહ-આરોપીઓ દ્વારા 41 કોલ કરવામાં આવ્યા હતા. આ સાંભળીને કોર્ટે જેલ પ્રશાસન પર પણ સવાલ ઉઠાવ્યો હતો કે, જેલની અંદરથી મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો હતો?

3 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો

બચાવ પક્ષના વકીલે જણાવ્યું કે, આરોપીઓ છેલ્લા લગભગ પોણા ચાર વર્ષથી જેલમાં છે અને તેમની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. હાલ આ કેસ પુરાવા નોંધવાના તબક્કે છે અને કેટલાક સાક્ષીઓએ નિવેદન પણ નોંધાવ્યા છે. બધી હકીકતોને ધ્યાને રાખીને કોર્ટે બંનેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

મે 2022માં પંજાબના માનસા જિલ્લામાં 28 વર્ષીય સિદ્ધુ મૂસેવાલાની તેમની એસયુવીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ હત્યાની જવાબદારી કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરારે લીધી હતી, જે લોરેન્સ બિશ્નોઈનો ખાસ ગણાય છે.