Get The App

કર્ણાટકમાં બ્રેકફાસ્ટ પછી સિદ્ધારમૈયા અને શિવકુમારનો એકતાનો સંદેશો

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
કર્ણાટકમાં બ્રેકફાસ્ટ પછી સિદ્ધારમૈયા અને શિવકુમારનો એકતાનો સંદેશો 1 - image

- ઈડલી-વડા ખાધા પછી પણ સત્તાનું સમાધાન નહીં આવ્યાના દાવા વચ્ચે

- શિયાળુ સત્રમાં સિદ્ધારમૈયા સામે વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત લાવશે તો મજબૂતીથી તેનો સામનો કરીશું : શિવકુમારનો દાવો

- હાઈકમાન્ડના નિર્દેશોનું પાલન કરીશું, 2028ની ચૂંટણીમાં ફરી સત્તા મેળવવા સાથે લડીશું : સિદ્ધારમૈયા

બેંગ્લુરુ : કર્ણાટકમાં કોંગ્રેસના શાસનને અઢી વર્ષ પૂરા થવાની સાથે જ મુખ્યમત્રીની ખુરશી માટે રાજ્યના બે કદાવર નેતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચે ખેંચતાણના અહેવાલો આવવા લાગ્યા હતા. આ અટકળો વચ્ચે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે શનિવારે સવારે બ્રેકફાસ્ટ બેઠક કરી હતી. આ બેઠક પછી બંને નેતાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની વચ્ચે 'કોઈ મતભેદ નહીં હોવાનો તથા તેઓ એક' હોવાનો સંદેશો આપ્યો હતો. તેમણે પરસ્પર મતભેદોના અહેવાલોને ફગાવી દીધા હતા.

કર્ણાટકમાં સીએમ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી નિવાસ કાવેરીમાં ટેકનિકલી ઈડલી અને વડાની બ્રેકફાસ્ટ બેઠક થઈ હતી. કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોવાના સમાચારોના પગલે દિલ્હીમાંથી હાઈકમાન્ડને બંને નેતાને પરસ્પર બેઠક કરીને સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યા હતા, જેના પગલે સિદ્ધારમૈયાએ શિવકુમારને શનિવારે બ્રેકફાસ્ટ બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.

આ બેઠક પછી ડીકે શિવકુમારે કહ્યું કે, તેઓ હાઈકમાન્ડનો નિર્ણય માનવા બંધાયેલા છે. અમારે જે પણ સંદેશો આપવાનો હતો તે મુખ્યમંત્રી અને મેં કોંગ્રેસના બધા જ સભ્યો સુધી પહોંચાડી દીધો છે. અમે કોંગ્રેસની સાથે ઊભા છીએ અને પક્ષ માટે કટિબદ્ધ છીએ. સિદ્ધારમૈયાએ કહ્યું કે, મીડિયા દ્વારા કેટલીક ગેરસમજો ઊભી કરવામાં આવી હોવાથી શિવકુમાર સાથે તેમણે આ બેઠક બોલાવી હતી. અમારી વચ્ચે કોઈ મતભેદો નથી. આજે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, તેઓ એક છે અને એક સાથે જ ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણી લડશે. કોઈપણ મંત્રી અને ધારાસભ્ય તેમના મુખ્યમંત્રીપદની વિરુદ્ધ નથી. શિવકુમારે કહ્યું કે, લોકોએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો અને સત્તા પર લાવ્યા હતા. તેથી કોંગ્રેસ લોકોની અપેક્ષાઓ પૂરી કરવા પર ધ્યાન આપશે.

સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે સત્તાની ખેંચતાણના અહેવાલો વચ્ચે વિપક્ષ ભાજપ અને જેડી-એસે આગામી શિયાળુ સત્રમાં વિધાનસભામાં સિદ્ધારમૈયા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો દાવો કર્યો હતો. આ સંદર્ભમાં સિદ્ધારમૈયાએ કહ્યુ ંકે, અમે સાથે મળીને વિપક્ષની અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરીશું. શિવકુમારે કહ્યું કે, તેમણે ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષનો સામનો કરવા અંગેની વ્યૂહરચના પર સિદ્ધારમૈયા સાથે ચર્ચા કરી હતી. અમે આગામી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ લડીશું. કોંગ્રેસ દેશમાં મુશ્કેલ સ્થિતિમાં છે, પરંતુ કર્ણાટકમાં ૨૦૨૮માં અમે ફરીથી સત્તા પર આવીશું તેનો અમને વિશ્વાસ છે.