શુભાંશુ શુક્લાની અંતરિક્ષ ઉડાન ફરી ટળી, Axiom-4 મિશન અંગે NASAએ આપ્યું અપડેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source-IANS |
Axiom-4 Mission: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની અવકાશ મથકની સફર ફરી એકવાર મુલતવી રાખી છે. નાસાએ એક્સિઓમ-4 (Axiom-4) મિશનના લોન્ચને મુલતવી રાખ્યું છે, જે 22મી જૂન 2025ના રોજ થવાનું હતું. આ મિશન ભારત, પોલેન્ડ અને હંગેરી માટે ઐતિહાસિક છે, કારણ કે તે 40 વર્ષ પછી આ દેશોની પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન હશે. પરંતુ વારંવાર વિલંબથી સવાલો ઊભા થઈ રહ્યા છે.
નાસાનું એક્સિઓમ-4 મિશન છઠ્ઠી વખત મુલતવી રાખવામાં આવ્યું
નાસાનું એક્સિઓમ-4 મિશન વખત મુલતવી રાખવામાં આવ્યું છે. આ મિશન 29મી મેના રોજ લોન્ચ થવાનું હતું, પરંતુ પછીથી તેને આઠમી જૂન, પછી 10મી જૂન, 11મી જૂન, 19મી જૂન અને પછી 22મી જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું. હવે તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું છે. અગાઉના આ મિશન મુલતવી રાખવાના અનેક કારણો હતા, જેમાં ફાલ્કન 9 રોકેટની તૈયારીમાં વિલંબ, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, પ્રવાહી ઓક્સિજનનું લીકેજ અને સ્પેસ સ્ટેશનના સર્વિસ મોડ્યુલમાં ટેકનિકલ ખામીનો સમાવેશ થાય છે.
એક્સિઓમ-4 મિશન શું છે?
એક્સિઓમ-4 મિશનએ એક્સિઓમ સ્પેસ, નાસા અને સ્પેસએક્સ દ્વારા સંયુક્ત રીતે સંચાલિત એક ખાનગી અંતરિક્ષ ઉડાન છે. આ મિશનમાં ચાર અવકાશયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર 14 દિવસ વિતાવશે. જ્યાં તેઓ માઈક્રોગ્રેવિટી અને જીવવિજ્ઞાન સંબંધિત પ્રયોગો કરશે.
આ પણ વાંચો: એર ઈન્ડિયાએ 7 ફ્લાઈટ રદ કરી, જેમાં 4 ઈન્ટરનેશનલ, દેશભરમાં મુસાફરો રઝળી પડ્યાં
મલ્ટિનેશનલ ટીમ
શુભાંશુ શુક્લા: ભારતીય વાયુસેના ગ્રૂપ કૅપ્ટન, ISROના ગગનયાન મિશન માટે પસંદ થયેલા ચાર અવકાશયાત્રીઓમાંના એક.
પેગી વ્હિટ્સન: અમેરિકાની નાગરિક, મિશન કમાંડર, પૂર્વ નાસા અવકાશયાત્રી. તેઓ 675 દિવસથી વધુ સમય માટે અંતરિક્ષમાં રહી ચૂક્યા છે.
સ્લાવોસ ઉઝ્નાંસ્કી-વિસ્નિએવ્સ્કી: યુરોપિયન અવકાશ એજન્સીના અવકાશયાત્રી, મિશન વિશેષજ્ઞ, વૈજ્ઞાનિક અને ઇજનેર.
ટિબોર કપુ: હંગેરીના અવકાશયાત્રી, સ્પેસ ઑફિસના પ્રતિનિધિ, મિકેનિકલ ઇજનેર.
બેકઅપ યાત્રી: ભારતમાંથી ગ્રૂપ કેપ્ટન પ્રશાંત બાળકૃષ્ણન નાયર બેકઅપ પાયલટ તરીકે અને હંગેરીમાંથી ગ્યુલા સેરેની બેકઅપ અવકાશયાત્રી તરીકે સામેલ.
ભારત માટે મહત્ત્વનું મિશન
નાસા અને સ્પેસએક્સ સાથે મળીને Axiom કંપની પોતાનું ચોથું મિશન Axiom-4ના નામે લઈ રહી છે. આ અંતરિક્ષયાત્રીઓ 14 દિવસ સુધી અવકાશમાં રહેશે, અભ્યાસ કરશે અને પછી પૃથ્વી પર પાછા ફરશે. 1984 પછી, એટલે કે રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયાના 41 વર્ષ બાદ, ભારતમાંથી બીજી વ્યક્તિ અવકાશમાં જવા માટે તૈયાર છે. આ મિશન ગગનયાન માટે અનમોલ અનુભવ આપશે.









