શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા
લખનઉ: અવકાશમાં જનારા બીજા ભારતીય અને એરફોર્સના ગુ્રપ કેપ્ટન શુભાંશુ શુક્લા નાસાના એક્સિઓમ-૪ મિશનના ભાગરૂપે આઈએસએસ મિશન પછી રવિવારે ભારત પાછા ફર્યા હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય સાયન્સ અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ અને દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શુભાંશુ શુક્લાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ સમયે તેમના પત્ની કામના શુક્લા અને પુત્ર એરપોર્ટ પર હાજર હતા. શુભાંશુ શુક્લાએ ભારત આવતા પહેલાં સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ભારત પાછા આવવા માટે વિમાનમાં બેસતા જ મારા હૃદયમાં અનેક પ્રકારની ભાવનાઓ ઉભરી આવી. મને છેલ્લા એક વર્ષથી આ મિશનમાં મારા મિત્ર અને પરિવાર બની ગયેલા આ શાનદાર લોકોને પાછળ છોડીને આવવાનું દુઃખ છે. બીજીબાજુ મને આ મિશન પછી પહેલી વખત મારા પરિવાર, મિત્રો અને દેશના બધા લોકોને મળવાનો ઉત્સાહ પણ છે. મને લાગે છે કે આ જ જીવન છે... બધું એક સાથે. અવકાશ ઉડ્ડયનમાં એકમાત્ર સ્થિર બાબત પરિવર્તન છે. જીવનમાં પણ આ બાબત લાગુ પડે છે. મને લાગે છે 'યું હી ચલા ચલ રાહી... જીવન ગાડી હૈ ઔર સમય પહિયા હૈ.'