Get The App

શુભ મુહૂર્તમાં શુભાંશુનું પૃથ્વી પર શુભાગમન

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
શુભ મુહૂર્તમાં શુભાંશુનું પૃથ્વી પર શુભાગમન 1 - image


- દરેક ભારતીય ગર્વ લઈ શકે તેવી અવકાશીય સિધ્ધિનો નવો સૂર્યોદય

- ડ્રેગન સ્પેસક્રાફ્ટ પ્રતિ કલાક 28,000 કિ.મી.ની ગતિએ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું : શુભાંશુ સહિત ચાર અવકાશયાત્રીઓ સાત દિવસ ક્વોરન્ટાઈન રહેશે

નવી દિલ્હી : ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ૧૮ દિવસના રોકાણ પછી મંગળવારે ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં સહીસલામત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. શુભાંશુ શુક્લાનો અવકાશ પ્રવાસ ભારતના પોતાના મહત્વાકાંક્ષી માનવ અવકાશ અભિયાનના સૂર્યોદય સમાન છે. આઈએસએસ પરથી ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં રવાના થયાના ૨૩ કલાક પછી શુભાંશુ શુક્લાએ અન્ય ત્રણ અવકાશયાત્રીઓ સાથે પ્રશાંત મહાસાગરમાં ઉતરાણ કર્યું હતું. આ સાથે શુભાંશુના માતા-પિતા, ઈસરોના વૈજ્ઞાાનિકો સહિત કરોડો ભારતીયો ઉલ્લાસપૂર્ણ ચીચીયારીઓથી પૃથ્વી પર શુભાંશુના પુનરાગમનને વધાવી લીધું હતું.

નાસા, ઈસરો અને સ્પેસએક્સની જાહેર ખાનગી ભાગીદારી હેઠળ હાથ ધરાયેલા ખાનગી એક્સિઓમ-૪ મિશનના ચાર અવકાશ યાત્રીઓએ કેલિફોર્નિયાના સાન ડિએગો દરિયા કાંઠે પ્રશાંત મહાસાગરમાં મોડી રાતે ૨.૩૧ કલાકે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૦૦ વાગ્યે) સ્પ્લેશડાઉન કર્યું હતું. ખાનગી એક્સિઓમ-૪ મિશનના ભાગરૂપે ડ્રેગન ગ્રેસ સ્પેસક્રાફ્ટ ૨૫ જૂને ફ્લોરિડામાંથી રવાના થયું હતું અને ૨૮ કલાકના પ્રવાસ પછી ૨૬ જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યું હતું. 

ભારતીય શુભાંશુ શુક્લા, પોલેન્ડના કમાન્ડર પેગી વ્હિટ્સન અને મિશન સ્પેશિયાલિસ્ટ સ્લાવોસ્ઝ ઉઝનાન્સ્કી વિસ્નિએવસ્કી અને હંગેરીના ટિબોર કાપુએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ૧૮ દિવસમાં ૬૦ પ્રયોગ કર્યા હતા તથા ૨૦ આઉટરીચ સત્રમાં જોડાયા હતા. એક્સિઓમ-૪ના અવકાશ યાત્રીઓને લઈને ડ્રેગન સ્પેસક્રાફ્ટ આઈએસએસ પરથી સોમવારે બપોરે ૪.૪૫ (ભારતીય સમય) કલાકે રવાના થયું હતું અને ૨૩ કલાકનો પ્રવાસ કરીને કેલિફોર્નિયાના સાન ડિએગો દરિયાકાંઠા નજીક પ્રશાંત મહાસાગરમાં ઉતરાણ કર્યું હતું.

ડ્રેગન સ્પેસક્રાફ્ટના સમુદ્રમાં ઉતરાણની મિનિટો પછી સ્પેસએક્સનું રિકવરી શિપ 'શનોન' અવકાશયાત્રીઓને લેવા પહોંચ્યું હતું, જ્યાં શુભાંશુ અને અન્ય અવકાશયાત્રીઓ સ્મિત સાથે હાથ હલાવતા સ્પેસક્રાફ્ટમાંથી બહાર નીકળ્યા હતા. ૨૦ દિવસ સુધી વજન રહિત વાતાવરણમાં રહ્યા પછી પૃથ્વી પર ગુરુત્વાકર્ષણને અપનાવવામાં મુશ્કેલી પડતાં અવકાશયાત્રીઓને આગામી સાત દિવસ સુધી ક્વોરન્ટાઈન રાખવામાં આવશે.

અવકાશ યાન પ્રતિ કલાક ૨૮,૦૦૦ની ગતિએ પૃથ્વીના વાતાવરણમાં પાછું ફર્યું ત્યારે પ્રસાંત મહાસાગર ઉપર ૧૮ મિનિટનું ડી-ઓર્બિટ બર્ન થયું હતું. આ સમયે સ્પેસક્રાફ્ટે પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળીને વાયુમંડળમાં પ્રવેશ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. વાયુમંડળમાં પ્રવેશતી વખતે સાત મિનિટ સુધી સ્પેસક્રાફ્ટનો નાસા સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ સમયને બ્લેકઆઉટ પીરિયડ કહેવાય છે. આ સમયે સ્પેસક્રાફ્ટે અંદાજે ૧૬,૦૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમીનો સામનો કરવો પડે છે. વાયુમંડળમાં પ્રવેશવાની પ્રક્રિયા પછી બે તબક્કામાં પેરાશૂટ ખોલવામાં આવ્યા અને સ્પેસક્રાફ્ટે સફળ ઉતરાણ કર્યું હતું. 

આઈએસએસ પર બે સપ્તાહ કરતાં વધુ સમયના પ્રવાસમાં શુભાંશુ શુક્લાએ કુલ ૩૧૦થી વધુ વખત પૃથ્વીની પરિક્રમા કરી અને લગભગ ૧.૩ કરોડ કિ.મી.નું અંતર કાપ્યું, જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરથી ૩૩ ગણુ વધુ છે, જે પોતાની રીતે જ એક મોટી સિદ્ધિ છે. આઈએસએસ પર અવકાશ યાત્રીઓએ ૩૦૦થી વધુ વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોયા હતા. 

આ અભિયાનની સફળતા પછી સ્પેસએક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ડ્રેગનના સુરક્ષિત ઉતરવાની પુષ્ટી કરાઈ છે. એસ્ટ્રોપૈગી, શક્સ, એસ્ટ્રો-સ્લાવોઝ અને ટિબી, પૃથ્વી પર તમારું સ્વાગત છે. એપ્રિલમાં એફઆરસીએમ-૨ મિશન મારફત ડ્રેગન યાનને પહેલી વખત પશ્ચિમી દરિયા કિનારે કેલિફોર્નિયા પર ઉતારવામાં આવ્યું હતું. જ્યારે આજે ડ્રેગન સ્પેસક્રાફ્ટે માણસ સાથે કેલિફોર્નિયાના દરિયા કિનારે ઉતરાણ કર્યું છે. આ પહેલાં સ્પેસએક્સના મોટાભાગના સ્પ્લેશડાઉન એટલે કે સમુદ્રમાં ઉતરાણ એટલાન્ટિક મહાસાગરમાં થતા હતા.

શુભાંશુ 20 દિવસ અવકાશમાં રહેનારા પહેલા ભારતીય

ભારતીય એરફોર્સના ગુ્રપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જઈને પૃથ્વી પર પાછા ફરનારા પહેલા ભારતીય બનવાની સિદ્ધિ મેળવી હતી. શુભાંશુ શુક્લાએ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ૨૦ દિવસનો લાંબો પ્રવાસ કરનારા પહેલા ભારતીય બનવાની પણ સિદ્ધિ મેળવી છે. આ પહેલાં ૧૯૮૪માં સોવિયેત રશિયાના મિશનના ભાગરૂપે રાકેશ શર્મા અવકાશમાં જનારા પહેલા ભારતીય બન્યા હતા. ભારતની જેમ હંગેરી અને પોલેન્ડ માટે પણ આ મિશન ઐતિહાસિક હતું. આ દેશોના અવકાશયાત્રીઓએ પણ ૪૦ વર્ષ કરતાં વધુ વર્ષોમાં પહેલી વખત અવકાશનો પ્રવાસ કર્યો છે.

Tags :