૪૦ વર્ષીય શુભાંશુ શુક્લા આમ તો ભારતના હવાઈ દળમાં ગુ્રપ કેપ્ટન અને ટેસ્ટ પાયલોટ છે. 'ઈસરો' તેની ગંગાયાન પ્રોજેક્ટ માટે પણ પસંદગી કરી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કેટલાક દિવસો રહેવા જવા માટે 'નાસા', ઈસરો અને સ્પેસેક્સના સંયુક્ત ઉપક્રમે યુરોપના દેશોના અવકાશવીરોની જે ટુકડી જવાની હતી તેમાં તેની પણ પસંદગી થઇ હતી. તેઓને કેટલાક ચોક્કસ પ્રયોગો આંતરિક્ષમા કરવાનું કામ સોપાયું હતું. ૨૫ જૂને તેઓએ કેનેડી સ્પેસ સેન્ટરથી મિશનનો પ્રારંભ કર્યો હતો અને ૨૦ દિવસ, બે કલાક અને ૫૯ મિનિટ સ્પેસ સ્ટેશનમાં અને સ્પેસમાં વિતાવી ૧૫ જુલાઈએ તેઓ પરત આવ્યા હતાં. સ્પેસ સ્ટેશનમાં જનાર શુભાંશુ શુક્લા પ્રથમ ભારતીય છે.
12 વર્ષે આવેલ મહા કુંભ મેળામાં 66 કરોડ શ્રદ્ધાળુઓએ હાજરી આપી
પ્રયાગરાજ કે જ્યાં ગંગા, યમુના, સરસ્વતી નદીનું ત્રિવેણી સંગમ છે ત્યાં દર બાર વર્ષે મહા કુંભ મેળો યોજાય છે. આ વર્ષના પ્રારંભે ૧૩ જાન્યુઆરી થી ૨૬ ફેબ્રુઆરી એમ ૪૫ દિવસ આ મેળો યોજાયો હતો. વિશ્વનો સૌથી મોટો મેળાવડો આ કુંભ મેળામાં થાય છે. સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશ વિદેશના ૬૬ કરોડ શ્રદ્ધાળુઓએ કુંભ મેળામાં હાજરી આપી હતી. ઉત્તર પ્રદેશ સરકારે મેળામાં આ હદની હાજરી હોઇ ૪૦ કિલોમીટર વિસ્તારનું એક અસ્થાયી શહેર જ તમામ સુવિધા સાથે ખડું કર્યું હતું. ૧૨ કિલોમીટરના કેટલાક ઘાટ પણ સ્નાન માટે તૈયાર કરાયા હતાં. અમૃત સ્નાન માટે ૧૯૦ ટ્રેન, ૧૫,૦૦૦ શૌચાલય, ૪૦,૦૦૦ અલાયાદું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. રુ. ૧૪ અબજ ડોલરનું બજેટ ફાળવાયું હતું.
અયોધ્યા રામ મંદિર પર ધર્મ ધ્વજ લહેરાયો
અયોધ્યામાં રામ મંદિરનું મુખ્ય પરિસર તૈયાર થઇ જતા જ શ્રદ્ધાળુઓ માટે દર્શન તો ખુલ્લા મૂકી દેવાયા હતાં પણ રામ મંદિરનું ૬૦ ટકાથી વધુ કામ બાકી હતું. તે હવે પૂર્ણ થઇ જતા પરંપરા પ્રમાણે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતના હસ્તે ૨૫ નવેમ્બરે શિખર પર ધ્વજ લહેરાવાયો હતો. સમગ્ર અયોધ્યામાં રોશની, દીપ સાથે ઉજવણી થઇ હતી. ધ્વજારોહણ મહોત્સવમાં ૭૦૦૦ મહેમાન ઉપસ્થિત રહ્યા હતાં. આ ઘટનાને મોદીએ ભારતીય સભ્યતાના પુનર્જાગરણનો ધ્વજ કહ્યો હતો.
બિહારમાં એન.ડી.એ. નો દબદબોઃ નીતીશ કુમાર દસમી વખત મુખ્ય પ્રધાન બન્યા
નવેમ્બરમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કદાચ એન. ડી. એ. એ પણ કલ્પના નહીં કરી હોય તેટલી ૨૦૨ બેઠકો ૨૪૩માંથી મળી હતી. તમામ એકઝીટ પોલે એન. ડી. એ. ફરી જીતશે તેવી આગાહી કરી હતી પણ ૬૦- ૪૦ ટકાનું બેઠકોની રીતે અંતર બતાવ્યું હતું. નીતીશ કુમારે ૧૦મી વખત બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતાં. નીતીશ કુમારના જનતા દળ યુનાટેડે ૮૫,ભાજપે ૮૯ જયારે મહાગઠબંધને ૩૫ બેઠકો જ જીતી હતી.
ભાજપનો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં 27 વર્ષ પછી વિજય : કેજરીવાલની પણ હાર
દિલ્હી વિધાનસભા સભાની ૭૦ બેઠકો માટેની ચૂંટણી ૫ ફેબુ્રઆરીએ યોજાઈ હતી અને પરિણામ ૮ ફેબુ્રઆરીએ આવ્યું હતું. ભાજપે ૨૭ વર્ષ પછી પુનઃ સત્તા હાંસલ કરતા ૪૮ બેઠકો જીતી હતી.૨૦૨૦ની ચૂંટણીમાં ભાજપ ૮ બેઠક જ જીતી શક્યું હતું. આમ આદમી પાર્ટીએ ૨૦૨૦ની ચૂંટણીમાં ૬૨ બેઠકો જીતી હતી પણ આ વખતે ૨૨ બેઠકો જ જીતી શક્યા હતાં. કોંગ્રેસનો કરુણ રકાસ થયો હતો અને તેઓ ખાતું જ નહોતા ખોલી શક્યા. અરવિંદ કેજરીવાલનો ભાજપના પ્રવેશ વર્મા સામે પરાજય થયો હતો. ભાજપના રેખા ગુપ્તા મુખ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શતાબ્દી
ભારતના નાગરિકોને સનાતન ધર્મ અને રાષ્ટ્ર પરત્વે ગૌરવ વધે તેમજ દેશમાં કોઈ કુદરત કે માનવ સર્જિત ઘટના બને ત્યારે સંગઠિત થઈને દેશને અને દેશના નાગરિકોને આપત્તિ માંથી ઉગારવા માટે જેમનું ઉદાહરણીય યોગદાન છે તેવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ. એસ.)ની સ્થાપના ૧૯૨૫માં કે.બી.હેડગેવાર દ્વારા થઇ. આ વર્ષે સંઘની શતાબ્દીની ઉજવણી થઇ રહી છે. વર્તમાન વડા મોહન ભાગવત પ્રત્યેક દશેરાના દિવસે જે તે સમયની માંગ હોય તે માટેના સૂચનો અને દ્રષ્ટિ માટેની પ્રેરણા નાગરિકોને આપે છે. દિલ્હીના વિજ્ઞાાન ભવન સહીત દેશના શહેરોમાં પ્રવચન, શિબિર આ ઉજવણી નિમિત્તે યોજાય છે. સંઘ હજારોની સંખ્યામાં સભ્ય ધરાવે છે.
કુંભ મેળામાં અમૃત સ્નાન વખતે બેકાબુ ભીડ, 30ના મૃત્યુ
આ વર્ષના પ્રારંભે યોજાયેલ કુંભ મેળામાં મૌની અમાવસ્યના દિવસનું ગંગા, યમુના, સરસ્વતી ત્રિવેણીમાં કરાતું સ્નાન અમૃત સ્નાન તરીકે ઓળખાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય તેવી શ્રદ્ધા સેવાય છે. અંદાજે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ મઘરાત વિતતા જ પ્રયાગરાજમાં સ્નાન માટે પહોંચી ગયા હતાં. બેરીકેડ બાંધ્યા હતાં તો પણ તેની પરવા ન કરતા રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ ધક્કામુક્કી સર્જાઈ હતી અને ૩૦ જેટલાં શ્રદ્ધાળુઓના મૃત્યુ અને ૮૦ ઘાયલ થયા હતાં. એવું મનાય છે કે ઉત્તર પ્રદેશ સરકાર આંકડો છુપાવે છે. ખરેખર મૃત્યુ આંક ૯૦ કે વધુ હોઇ શકે.
પંજાબ, ઉત્તર કાશી અને હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી સર્જી : 200ના મૃત્યુ
પંજાબમાં સાત જિલ્લામાં ભારે વરસાદને લીધે ૧૯૦૦ કિલોમીટર વિસ્તાર અને ખેતરો તારાજ થઇ ગયા. ૭,૮૪,૦૦૦ નાગરિકોના ઘર ધોવાઈ ગયા. ૫૩ના મૃત્યુ થયા. હિમાચલ પ્રદેશમાં મંડી અને સિમલામાં ૭૮ વ્યક્તિઓ અને ઉત્તરા ખંડમાં ચમોલીમાં ૫૭ શ્રમીકો દટાઈ ગયા હતાં. દેશમાં આવી સ્થિતિને કારણે કુલ ૨૦૦એ જાન ગુમાવ્યા હતાં.
તામિલનાડુ, બેંગ્લોર અને દિલ્હીમાં ધક્કા મુક્કીની ઘટના : 70ના મૃત્યુ
વર્ષ દરમ્યાન ધક્કા મુક્કીની મહત્વની ઘટના જોઈએ તો તામિલનાડુના કરુર જિલ્લામાં અતિ લોકપ્રિય અભિનેતા વિજય કે જેણે રાજકીય પક્ષ સ્થાપ્યો છે તેની રાજકીય રેલીમાં એક લાખથી વધુ ચાહકો તેની ઝલક લેવા ઉમટી પડયા હતાં.તે સાત કલાક મોડો આવ્યો અને પરિસ્થિતિ વણસી. ૪૧ નાગરિકોના મૃત્યુ થયા. જયારે બેંગ્લોર આઈ. પી. એલ. ચેમ્પિયન બન્યું અને તેઓના ખેલાડીને જોવા ચિદમ્બરમ સ્ટેડિયમાં અઢી લાખ લોકો એકઠા થઇ જતા ભીડ જામી અને ૧૧ ચગદાયા. દિલ્હીમાં કુંભ મેળાના લીધે સ્ટેશનમાં ભીડ થઇ અને ૧૮ લોકોના મૃત્યુ થયા હતાં.


