શ્રાવણ વિશેષ: ભસ્મ આરતી માટે પ્રખ્યાત એવું ત્રીજું જ્યોતિર્લિંગ એટલે મહાકાલેશ્વર, ત્રણ કથાઓ પ્રચલિત, જાણો મંદિર વિષે ખાસ વાતો
ઉદ્ભવે તે કાળતત્ત્વ અને આ કાળતત્ત્વનું બ્રહ્માંડી મહાસ્વરૂપ એટલે મહાકાલ
એકમાત્ર એવું જ્યોતિર્લિંગ પણ છે કે જે દક્ષિણાભિમુખ છે
વિક્રમ વેતાળની કથા ખુબ જાણીતી છે. રાજા વિક્રમે વેતાળને પકડવા તાંત્રિકની મદદ લીધી હતી. પણ કોઈને ખ્યાલ છે કે, ભારતમાં એ સ્થળ ક્યાં આવેલું છે? રાજા વિક્રમ આદિત્યની ભૂમિ કઈ? જેનો જવાબ છે મહાકાળપુર જેને અવંતિકા નગરી પણ કહેવામાં આવે છે. અને સરળ ભાષા કહું તો ઉજ્જૈન શહેર. પૌરાણિક માન્યતા અનુસાર આ નગરી એ આકાશ અને ધરતી બંન્નેના કેન્દ્રબિંદુ પર સ્થિત છે. આ શહેર તો રાજા વિક્રમાદિત્ય અને તાંત્રિકો માટે તો જાણીતું છે જ પણ સાથે બ્રહ્માંડના મુખ્ય દેવ ગણાતા એવા કાળપુરુષ અથવા મહાકાળનું શહેર પણ છે. સમય જેમાંથી ઉદ્ભવે તે કાળતત્ત્વ અને આ કાળતત્ત્વનું બ્રહ્માંડી મહાસ્વરૂપ એટલે મહાકાળ. આ મહાકાળ એટલે શિવ. શિવજીને એટલે જ મહાકાળેશ્વર.
૧૨ જ્યોતિર્લીંગમાંના ત્રીજા જ્યોતિર્લીંગ શ્રી મહાકાલેશ્વર
આકાશે તારકં લિંગમ્, પાતાલે હાટકેશ્વરમ્ । ભૂલોકે ચ મહાકાલો: લિંગમ્ ત્રય નમોડસ્તુતે. કહેવાય છે કે આકાશમાં દેવતાઓ તારક્લીંગને પાતાળમાં નાગ હાટકેશ્વરને અને મૃત્યુલોક પર મનુષ્ય મહાકાલેશ્વરને પૂજે છે. ૧૨ જ્યોતિર્લીંગમાંના ત્રીજા જ્યોતિર્લીંગ શ્રી મહાકાલેશ્વરની છે.
મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ અંગે મુખ્યત્વે ત્રણ કથાઓ પ્રચલિત છે
મત્સ્યપુરાણ અનુસાર પ્રાચીનકાળમાં અંધક નામના દાનવે પાર્વતીજીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો. તે સમયે શિવજી અને અંધક વચ્ચે મહાકાળવનમાં ભયંકર યુદ્ધ થયું અને અંધકને રક્તપાત કરાવવા શિવજીએ અનેક મહાકાળોની સૃષ્ટિ ખડી કરી. તે સમયથી શિવજીને મહાકાળની સંજ્ઞા આપવામાં આવી ઉજ્જૈનમાં મહાકાળનો વાસ હોવાથી તેને મહાકાળપુર તરીકે પણ ઓળખવામાં આવે છે.
નંદજીના ઘરે કૃષ્ણસ્વરૂપે અવતરી સાથે જોડાયેલ બીજી પૌરાણિક કથા
બીજી પૌરાણિક કથા રાજા ચંદ્રસેનની છે. એક સમયે ઉજ્જૈન નગરીમાં રાજા ચંદ્રસેનનું રાજ્ય હતું. રાજા શિવજીના પરમ ભક્ત હતા. એક દિવસે રાજા જ્યારે શિવજીની આરાધનામાં તલ્લીન હતા ત્યારે તે સમયે પાંચ વર્ષનો શ્રીકર નામનો ગોવાળ બાળક પોતાની માતા સાથે નીકળ્યો અને રાજાને શિવપૂજન કરતા જોઈ પોતે પણ એક પથ્થરનો ટુકડો લઈને તેમાં શિવરૂપ સ્થાપિત કરીને શિવજીની આરાધનામાં લીન થઈ ગયો. આ બાળક શિવજીની આરાધનામાં એટલો લીન થઈ ગયો કે ભોજનના સમયે તેની માતાએ જ્યારે બોલાવ્યો ત્યારે પણ તેની એકાગ્રતા ન તૂટી. આથી ક્રોધે ભરાયેલી માતાએ તે પથ્થરના ટુકડાને ઉઠાવીને દૂર ફેંક્યો. એકાગ્રતા તૂટતાં બાળક જાગ્યો અને શિવસ્વરૂપ લિંગને ન જોતાં તેનાં દર્શન માટે વિલાપ કરવા લાવ્યો. અંતમાં ભગવાન શિવજી પ્રસન્ન થયા અને બાળકની પાસે રત્નોજડિત મંદિરનું અચાનક નિર્માણ થયું. બાળકે જોયું કે મંદિરની અંદર પ્રકાશવાન જ્યોતિર્લિંગ છે. આથી બાળક વારંવાર શિવજીની સ્તુતિ કરવા લાગ્યો. રાજા ચંદ્રસેનને આ વાતની ખબર પડી અને તેમણે પણ બાળકની પ્રશંસા કરી. આ સમયે હનુમાનજી પણ પ્રગટ થયા અને ઉપસ્થિત લોકોને જણાવ્યું કે આ બાળક આઠમી પેઢીમાં નંદજીના ઘરે કૃષ્ણસ્વરૂપે અવતરીને અસુરોનો નાશ કરશે.
મહાકાલ નામ કેવી રીતે આવ્યું તેની સાથે જોડાયેલ ત્રીજી પૌરાણિક કથા
એક કથા એવું પણ કહે છે કે એક સમયે ઉજ્જૈની નગરીમાં દેવવ્રત નામનો યાજ્ઞિક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ તેના ચારેય પુત્રો સાથે શિવભક્તિમાં લીન રહેતો હતો. આ બ્રાહ્મણનો મહિમા સાંભળીને મદાન્ધ દૂષણ નામનો રાક્ષસ પોતાના સૈનિકદળ સાથે આક્રમણ કરવા આવ્યો. અંતમાં, બ્રાહ્મણની શિવભક્તિની રક્ષા કરવા ભગવાન ભૂતનાથ હુંકાર સાથે પ્રગટ થયા અને દાનવનો નાશ કર્યો અને વિશ્વકલ્યાણની ભાવના માટે આ સ્થાને જ નિવાસ કરવા લાગ્યા. ત્યારથી જ્યોતિર્લિંગના સ્વરૂપમાં શિવજી આ સ્થળે બિરાજમાન છે. આ સ્થળે શિવજી ભયાનક હુંકારના સ્વરૂપમાં પ્રગટ થયા હોવાથી આ સ્થાનનું નામ મહાકાળ પડ્યું હશે.
ભસ્મ આરતી માટે પ્રખ્યાત અને દક્ષિણાભિમુખ એવું એકમાત્ર શિવાલય
મહાકાલેશ્વર એ દુનિયાનું એકમાત્ર એવું શિવાલય છે કે જ્યાં મહેશ્વરની ભસ્મ આરતી થાય છે. સાથે તે એકમાત્ર એવું જ્યોતિર્લિંગ પણ છે કે જે દક્ષિણાભિમુખ છે. અને એટલે જ અહીં બિરાજમાન દેવાધિદેવ ‘દક્ષિણામૂર્તિ’ તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર મુખ્યરુપે ત્રણ વિભાગમાં વિભાજિત છે. તેના ઉપરના ભાગે નાગ ચંદ્રેશ્વર મંદિર છે. નીચે ઓંકારેશ્વર મંદિર અને સૌથી નીચે ગયા બાદ તમને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે છે. કહે છે કે જીવનની તમામ મુસીબતોથી મુક્તિ અપાવનારા અને અકાળ મૃત્યુથી રક્ષણ પ્રદાન કરનારા છે મહાકાલ.