હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી
Himachal Pradesh Heavy Rain: હિમાચલમાં આભ ફાટ્યું છે. 20 જૂનથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે 424 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય આપત્તિ નિવારણે આ અંગે માહિતી આપી હતી. પૂર, વીજળી પડવાની કુદરતી આફતોમાં 182 લોકો માર્યા ગયા છે. રાજ્યભરમાં બે નેશનલ હાઈવે સહિત 604 રસ્તાઓ બંધ છે.
મંડીમાં સૌથી વધુ મોત
મંડીમાં સૌથી વધુ મોત થયા છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં 42 લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદના કારણે રસ્તાઓ પર નુકસાન થતાં માર્ગ અકસ્માતના બનાવો પણ વધ્યા છે. જેમાં 24 લોકોના મોત થયા છે. આ કુદરતી આફતે કાંગડામાં પૂરના કારણે 35 લોકો તણાયા છે. ચંબામાં 28 અને શિમલામાં 24 લોકોના જીવ લીધા છે. હિમાચલમાં વરસાદમાં અંદાજે 52 લોકો, પૂરમાં તણાઈ જવાથી 51, આભ ફાટવાની ઘટનામાં 18 અને વીજળી પડવાથી 19 લોકોના મોત થયા છે. કુલ્લુ, કિન્નોરમાં ભુસ્ખલન અને અચાનક પૂર આવતાં સૌથી વધુ નુકસાન થયુ છે.
600થી વધુ રસ્તાઓ બંધ
માહિતી અનુસાર, હિમાચલમાં 600થી વધુ રસ્તાઓ બંધ છે. નેશનલ હાઈવે 03 (મનાલી-અટલ સુરંગ) અને નેશનલ હાઈવે-305 (અની-જલોરી) સાથે સંપર્ક તૂટ્યો છે. મંડી જિલ્લામાં 198 રસ્તાઓ બંધ છે. 143 સ્થળોમાં બત્તી ગુલ થઈ છે. શાળાઓ-કોલેજો બંધ રાખવામાં આવી છે. 29,000થી વધુ ઘર આંશિક અને સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થયા છે. લગભગ 4.75 લાખ પક્ષી અને 2458 પશુઓ માર્યા ગયા છે. ઐતિહાસિક સ્મારકોને પણ નુકસાન થયુ છે. જાહેર સંપત્તિને અંદાજે કુલ રૂ. 47.49 કરોડથી વધુનું નુકસાન થયુ છે. હિમાચલ પ્રદેશ પોલીસ રાજ્ય આપત્તિ નિવારણ દળ સાથે મળી વિવિધ વિસ્તારમાં બચાવ કામગીરી કરી રહી છે. સોનખડ, ધરમપુર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે. જેમાં બે લોકો ગુમ છે.