India

શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી... સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

By GS TEAM
17 Sep 20253 mins read
શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી... સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

- હેપ્પી બર્થડે ટુ નરેન્દ્ર મોદી : પીએમના જન્મદિનની ઉજવણી માતૃ વંદનાથી શરૂ થશે, ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયું ઊજવાશે

- વડાપ્રધાન મોદીને ભેટમાં મળેલી તાંજોર પેઈન્ટિંગ, નટરાજની પ્રતિમા સહિત 1300થી વધુ વસ્તુઓની ઈ-હરાજી કરાશે

નવી દિલ્હી : દેશના યશસ્વી અને વૈશ્વિક સ્તરે ખ્યાતિ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પ્લેટિનમ જુબીલીના ભાગરૂપે તેમના જન્મદિને મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ભૈસોલા ગામમાં મહિલાઓ અને પરિવારો માટે સ્વાસ્થ્ય અને પોષણ પર આધારિત રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરશે અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે. ભાજપ અને કેન્દ્ર સરકાર બુધવારથી બે ઑક્ટોબરને ગાંધી જયંતિ સુધી સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઊજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર, સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેર, એક વૃક્ષ માતાને નામ સહિત જન કલ્યાણ કાર્યક્રમો અને વિકાસ પહેલ માટેના કાર્યક્રમો હાથ ધરશે.વડાપ્રધાન મોદી ધારમાં ૮મા રાષ્ટ્રીય પોષણ મહિના અને 'સ્વસ્થ નારી શક્તિ પરિવાર' અભિયાન શરૂ કરશે. તેઓ કેટલીક વિકાસ પહેલો પણ ખુલ્લી મુકશે. સૂત્રોએ જણાવ્યું કે, પીએમ મોદીના ૭૫ વર્ષની ઊજવણી માટે એક લાખથી વધુ સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરાશે. દેશમાં મહિલાઓ અને બાળકો માટે સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમો યોજવામાં આવશે. સ્વાસ્થ્ય કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર દેશમાં બધા જ સરકારી સ્વાસ્થ્ય સંસ્થાનોમાં એક લાખથી વધુ સ્વાસ્થ્ય શિબિર લગાવશે.

વડાપ્રધાન મોદી ધાર જિલ્લામાં 'પીએમ મિત્ર ટેક્સટાઈલ પાર્ક'નો શિલાન્યાસ કરશે. આ પાર્ક ૨૧૫૦ એકરમાં ફેલાયેલો હશે અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આ પ્રોજેક્ટ માટે રૂ. ૨૧,૦૦૦ કરોડ સુધીના રોકાણની દરખાસ્તો આવી છે, જેનાથી અંદાજે ૩ લાખથી વધુ રોજગાર પેદા થવાની આશા છે. આ પાર્કથી ખેડૂતો અને યુવાનોને લાભ મળશે.

પીએમ મોદી 'પ્રધાનમંત્રી માતૃ વંદના' યોજના હેઠળ ૧૦ લાખથી વધુ મહિલાઓના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરશે. આ સિવાય 'સુમન સખી ચેટબોટ' પણ લોન્ચ કરાશે. આ ચેટબોટનો ઉપયોગ કરીને ગર્ભવતી મહિલાઓને બાળકોના સ્વાસ્થ્ય સંબંધિ માહિતી અપાશે. વડાપ્રધાન મોદીની પ્લેટીનમ જુબિલીની ઊજવણી કરતા ભાજપ સમગ્ર દેશમાં રક્તદાન, સ્વાસ્થ્ય શિબિર સહિત અનેક લોકકલ્યાણના કાર્યક્રમો યોજશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માઈ નેતૃત્વએ ભાજપને નવી ઊંચાઈએ પહોંચાડયો છે અને એક દાયકા કરતા વધુ સમયથી ભાજપને દેશની પ્રબળ રાજકીય શક્તિ બનાવ્યો છે. જેના પગલે, ભાજપ પીએમ મોદીના જન્મદિન ૧૭ સપ્ટેમ્બરથી બે ઑક્ટોબરે ગાંધિ જયંતિ સુધી 'સેવા પખવાડા'ના ભાગરૂપે આ કાર્યક્રમો ઊજવશે. આ પખવાડિયામાં સમગ્ર દેશમાં ભાજપ, કેન્દ્ર સરકાર, જે રાજ્યોમાં ભાજપનું શાસન છે તે રાજ્યો સ્વદેશી મેળાઓનું આયોજન કરશે, જેમાં ભારતમાં બનેલી વસ્તુઓને પ્રોત્સાહન અપાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાષ્ટ્રીય રાજધાનીમાં અનેક પહેલોનું અનાવરણ કરશે. વધુમાં વડાપ્રધાન મોદીને અલગ અલગ સમયે ભેટમાં મળી હોય તેવી રામ દરબારની તાંજોર પેઈન્ટિંગ, ધાતુની નટરાજ પ્રતિમા, હાથ વણાટની નાગ શાલ સહિત ૧૩૦૦થી વધુ વસ્તુઓની ઈહરાજી થશે. આ હરાજી બુધવારથી શરૂ થશે અને ગાંધી જયંતિ સુધી ચાલશે. પીએમ મોદીને ભેટમાં મળેલી વસ્તુઓની ઓનલાઈન હરાજીની આ સાતમી આવૃત્તિ છે. વર્ષ ૨૦૧૯માં પહેલી વખત ઈ-હરાજી શરૂ કરાઈ હતી. આ વસ્તુઓના વેચાણમાંથી અત્યાર સુધીમાં રૂ. ૫૦ કરોડથી વધુની રકમ એકત્ર કરાઈ છે, જેનો ઉપયોગ નમામી ગંગે પ્રોજેક્ટ માટે થાય છે.