‘એક ભારતીય હોવાના કારણે...’ કોંગ્રેસની ‘લક્ષ્મણ રેખા’વાળી ચેતવણીનો શશિ થરુરે આપ્યો જવાબ
Shashi Tharoor On Congress Laxman Rekha Warning : પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કરી 26 નિર્દોષ નાગરિકોના જીવ લીધા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ આકરી કાર્યવાહી કરી આતંકવાદીઓ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, જોકે હવે આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આ આકરા પગલા ભરતા કોંગ્રેસ નેતા શશિ થરૂર કેન્દ્ર સરકારના સતત વખાણ કરી રહ્યા છે. તો બીજીતરફ કોંગ્રેસ તેમની ટિપ્પણીઓને વ્યક્તિગત ગણાવી રહી છે. પાર્ટીના ટોચના નેતાનું માનવું છે કે, તેમણે લક્ષ્મણ રેખા પાર કરી દીધી છે, જેનો જવાબ આપતા થરૂરે કહ્યું કે, મેં ભારતીય હોવાના કારણે ઓપરેશન સિંદૂર મામલે સરકારનું સમર્થન કર્યું છે.
‘હું એક ભારતીય હોવાના કારણે માત્ર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યો છું’
થરૂરે કહ્યું કે, ‘આ સમયે, સંઘર્ષ સમયે મેં એક ભારતીય હોવાના કારણે વાત કરી છે. હું ક્યારે બીજા માટે બોલવાના દેખાડા કરતો નથી. હું પાર્ટીનો પ્રવક્તા નથી. હું સરકારનો પણ પ્રવક્તા નથી. મેં જે કહ્યું, તેનાથી તમે સંમત અથવા અસંમત હોઈ શકો છો. આ માટે તમે મારા પર વ્યક્તિગત દોષ ઠાલવી શકો છો અને તે યોગ્ય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ ભારતીયોનું એક થવું જરૂરી છે, તો આવા સમયે હું એક ભારતીય હોવાના કારણે માત્ર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યો છું.’
VIDEO | Here's what Congress MP Shashi Tharoor (@ShashiTharoor) said on party leader Jairam Ramesh's 'not opinion of Congress' remark.
— Press Trust of India (@PTI_News) May 15, 2025
"He is absolutely correct. I have made it very clear that I am not a spokesperson of party, I am not a spokesperson of the government, either.… pic.twitter.com/gmjk1u3YmV
આંતરરાષ્ટ્રીય સ્તરે એક થવું જરૂરી
તેમણે કહ્યું કે, ‘મેં સ્પષ્ટ કહ્યું છે કે, હું મારા અંગત વિચારો વ્યક્ત કરી રહ્યો છું. મારું નિવેદન રાષ્ટ્રીય ચર્ચામાં એક યોગદાન હતું. આવા સમયે આપણે એક થવું ખૂબ જ મહત્ત્વનું હતું અને તે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે.’
જ્યારે તેમને તેમનાથી પાર્ટી નિરાશ હોવાનું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘લોકો મારા દ્રષ્ટિકોણનો અસ્વિકાર કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. મને પાર્ટી પર કોઈપણ આશંકા નથી, હું માત્ર મીડિયા રિપોર્ટ જોઈ રહ્યો છું.’
કોંગ્રેસે થરુર અંગે શું કહ્યું હતું ?
કોંગ્રેસ કાર્યકારી સમિતીએ બુધવાર (14 મે) પાર્ટી લાઈન પરથી ઉપર ન જવાની અને વ્યક્તિગત વિચાર વ્યક્ત ન કરવાની ચેતવણી આપી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, પાર્ટીના એક સીનિયર નેતાએ કહ્યું હતું કે, ‘અમે એક લોકશાહી પક્ષ છીએ અને લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરતા રહે છે, પરંતુ આ વખતે થરૂરે લક્ષ્મણ રેખા પાર કરી દીધી છે.’ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ મીડિયા બ્રીફિંગ વખતે થરુરની ટિપ્પણી પર કહ્યું હતું કે, ‘આ તેમનો વિચાર છે, જ્યારે થરુર બોલે છે તો તેમનો વિચાર હોય છે, તે પાર્ટીનું વલણ હોતું નથી.’