For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અજ્ઞાત યોગીના ઈશારે ચાલી રહ્યું હતું શેર માર્કેટ, જાણો NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની ફિલ્મી કહાની

Updated: Feb 17th, 2022

અજ્ઞાત યોગીના ઈશારે ચાલી રહ્યું હતું શેર માર્કેટ, જાણો NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની ફિલ્મી કહાની

મુંબઈ, તા. 17 ફેબ્રુઆરી, 2022

નેશનલ સ્ટોક એક્સચેન્જ અને તેના પૂર્વ એમડી-સીઇઓ ચિત્રા રામકૃષ્ણ સહિત અન્ય બે વ્યક્તિઓને નિયમો નેવી મૂકીને એક્સચેન્જમાં મહત્વપૂર્ણ હોદ્દા પર માનીતા વ્યક્તિની નિમણુંક કરવાના આરોપમાં  સેબીએ કુલ રૂ. 9 કરોડનો જંગ દંડ ફટકારવાની સાથે અન્ય અંકુશો લાદયા છે. આ કેસમાં સૌથી આશ્ચર્યજનક બાબત છે ચિત્રા રામકૃષ્ણને માર્ગદર્શન આપનાર હિમાલયમાં રહેતા ‘યોગી’, જેને તેઓ ક્યારેય રૂબરૂ મળ્યા નથી માત્ર ઇ-મેલથી જ બંને વચ્ચે છેલ્લા 20 વર્ષથી વાતચીત થાય છે

એનએસઇ વિરુદ્ધ સેબીના 190 પાનાના આદેશમાં ‘અજ્ઞાત વ્યક્તિ’ (Unknown Person) શબ્દનો 238 વાર ઉલ્લેખ કરાયો છે. સેબીના આદેશમાં જણાવ્યા મુજબ એનએસઇના પૂર્વ એમડી અને સીઇઓ ચિત્રા રામકૃષ્ણ rigyajursama@outlook.com ઈ-મેઈલ એડ્રેસ પર આ અજાણી વ્યક્તિને સ્ટોક એક્સચેન્જનું માળખું, નાણાકીય પરિણામો, ડિવિડન્ડ રેશિયો, બિઝનેસ પ્લાન્સ, બેઠકોના મુખ્ય એજન્ડા અને હ્યુમન રિસોર્સ પોલિસી જેવી એક્સચેન્જની ગોપનીય માહિતી આપતા અને તેના વિશે ચર્ચા કરતા હતા. તેઓ આ અદ્રશ્ય યોગીને ‘શિરોમણી’ કહે છે.

નોંધનિય છે કે, ચિત્રા રામકૃષ્ણને એપ્રિલ 2013માં એનએસઇના એમડી અને સીઇઓ બનાવાયા હતા અને તેમને દિલ્હીના એક પાવરફુલ રાજકારણીનો સપોર્ટ હતો એવુ સુત્રોનું કહેવુ છે. જો કે કો-લોકેશન અને અલ્ગો ટ્રેડિંગ કૌભાંડ અને આનંદ સુબ્રમણ્યમની નિમણૂકમાં સત્તાનો દુરુપયોગ કરવા બદલ રામકૃષ્ણને ડિસેમ્બર 2016માં એનએસઇમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

આ સમગ્ર કેસમાં ચિત્રા રામકૃષ્ણનને આ ‘અદ્રશ્ય યોગી’એ આપેલી સલાહના આધારે નિયમો નેવે મૂકીને ઉદ્યોગ જગતમાં ઓછા જાણીતા એવા આનંદ સુબ્રમણ્યનને એકાએક સ્ટોક એક્સચેન્જના ચીફ ઓપરેટિંગ ઓફિસર પદે નિમણુંક કરવા અને તેમને મનફાવે તેટલો પગાર વધારો, ઇન્ટરનેશનલ ફ્લાટરમાં ફર્સ્ટ-ક્લાસની મુસાફરી જેવી સવલતો પૂરી પાડી હતી.   

18 જાન્યુઆરી, 2013ના રોજ આનંદ સુબ્રમણ્યમને એનએસઇમાં ચીફ સ્ટ્રેટેજીક એડવાઇઝરની ઓફર કરાઇ હતી. તે સમયે તેમને બાલ્મેર લોરીના છેલ્લા રૂ. રૂ. 15 લાખના વાર્ષિક પગાર સામે એનએસઇ એ રૂ. 1.68 કરોડના વાર્ષિક સેલેરી પેકેજ આપ્યો હતો. માર્ચ 2014માં રામકૃષ્ણને સુબ્રમણ્યમ માટે 20 ટકાનો પગાર વધારો મંજૂર કરતા તેનો વાર્ષિક સેલેરી પેકેજ રૂ. 2.01 કરોડે પહોંચી ગયો. ત્યારપછીના માત્ર પાંચ જ અઠવાડિયામાં ફરી પગાર 15 ટકા વધારીને રૂ. 2.31 કરોડ કરાયો હતો. વર્ષ 2015 સુધીમાં તો સુબ્રમણ્યમનો પગાર વધીને રૂ. 5 કરોડે પહોંચી ગયો હતો. તેમને ચિત્રા રામકૃષ્ણની પાસેની કેબિન આપવામાં આવી હતી. આ બધુ જ પેલા અદ્રશ્ય યોગીની સૂચનાના આધારે ચિત્રા રામકૃષ્ણને કર્યુ હતુ. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આનંદ સુબ્રમણ્યમની પાસે એમડી અને સીઇઓની તમામ સત્તાઓ હતી. તેઓ એક્સચેન્જના પૈસે ફર્સ્ટ ક્લાસની ટિકિટે વિમાન મુસાફરી કરતા પણ દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ એમડીના સલાહકાર તરીકે હતો. 

સેબીએ વિશ્લેષ્ણમાં નોંધ્યુ કે, ‘અજાણ્યા યોગી’ સાથે ચિત્રા રામકૃષ્ણનું જોડાણ નાણાં બનાવવાની સ્કીમ હોવાનું સ્પષ્ટ દેખાય છે. ફોરેન્સિક ઓડિટમાં જણાવ્યા મુજબ ચિત્રા રામકૃષ્ણ અને સુબ્રમણ્યમની જ ઈમેજ/ચેક કરવામાં આવી હતી જ્યારે તેમને સોંપવામાં આવેલા લેપટોપનો એનએસઇ દ્વારા ઈ-વેસ્ટ તરીકે નિકાલ કરવામાં આવ્યો હતો. તેમના અંગત ઈમેલ પણ ફોરેન્સિક ઓડિટ માટે ઉપલબ્ધ નહોતા.

રામકૃષ્ણના નિર્ણય સામે કોઇએ વાંધો ન ઉઠાવ્યો...

ચિત્રા રામકૃષ્ણના એનએસઇના વડા હતા ત્યારે આનંદ સુબ્રમણ્યમ અંગે તેમના દ્વારા કરાયેલા મનસ્વી નિર્ણયો સામે તે સમયે એક્સચેન્જની કોમ્પન્સેશન કમિટી, એનઆરસી કે એનએસઇના ડિરેક્ટર બોર્ડે ક્યારેય કોઈ પ્રશ્ન ઉઠાવ્યો ન હતો અને ન તો આ મુદ્દો ધ્યાનમાં આવ્યો હતો. નાણા મંત્રાલયના ભૂતપૂર્વ અધિકારી અને એનએસઇના તત્કાલીન અધ્યક્ષ અશોક ચાવલાએ વ્યક્તિગત કારણોસર રામકૃષ્ણનું રાજીનામું સ્વીકાર્યું હતું અને ઉલટાનું બોર્ડે એક્સચેન્જના વિકાસમાં તેમના અભૂતપૂર્વ યોગદાનની પ્રશંસા કરી હતી.

NSEમાંથી એક્ઝિટ વખતે રૂ.44 કરોડ ચૂકવાયા...

કો-લોકેશન વિવાદ બાદ એનએસઇમાંથી ચિત્રા રામકૃષ્ણને રાજીનામું આપ્યુ તે સમયે બાકી લેણાં અને પગાર પેટે રૂ. 44 કરોડ ચૂકવાયા હતા. 

દોષીઓને કુલ રૂ.9 કરોડનો દંડ, NSEને નવી પ્રોડક્ટ લોન્ચ કરવા મનાઇ

સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ), તેના પૂર્વ સીઇઓ ચિત્રા રામકૃષ્ણન અને અન્ય બે અધિકારીઓ રવિ નારાયણ અને આનંદ સુબ્રમણ્યમને કુલ 9 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત વીઆર નરસિંહાને 6 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ કાર્યવાહી એનએસઇના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટરના સલાહકાર તરીકે આનંદ સુબ્રમણ્યનની નિમણુંકમાં સિક્યોરિટી કોન્ટ્રાક્ટના નિયમોનો ઉલ્લંઘન બદલ કરાઇ છે. સેબીએ દંડની રકમ 45 દિવસમાં જમા કરવા આદેશ કર્યો છે.

નાણાંકીય દંડની સાથે સાથે સેબીએ એનએસઇને કોઇ પણ નવી પ્રોડક્ટ લોન્ચ કરવા છ મહિનાની મનાઇ ફરમાવી છે. તે ઉપરાંત રામકૃષ્ણ અને સુબ્રમણ્યને ત્રણ વર્ષના સમયગાળા માટે કોઇ પણ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન  કે સેબીમાં રજિસ્ટર્ડ કોઇ પણ મધ્યસ્થીની સાથે જોડાવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે નારાયણ ઉપર બે વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે.  

સેબી એનએસઇના પૂર્વે સીઇઓ ચિત્રા રામકૃષ્ણને રૂ.3 કરોડ, એનએસઇ, નારાયણ અને સુબ્રમણ્યન પ્રત્યેકને 2-2 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. ઉપરાંત એનએસઇ દ્વારા ચિત્રા રામકૃષ્ણને કરાયેલુ વધારાનું રૂ. 1.54 કરોડનું પેમેન્ટ અને રૂ. 2.83 કરોડનું બોનસ (ડિફર્ડ બોન્સ) જપ્ત કરવાનો પણ સેબીએ આદેશ આપ્યો છે.


Gujarat