Get The App

મૌની અમાસે પ્રયાગરાજમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા, શંકરાચાર્યનો સ્નાનનો બહિષ્કાર, કહ્યું- 'મારા શિષ્યોને માર્યા'

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
મૌની અમાસે પ્રયાગરાજમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા, શંકરાચાર્યનો સ્નાનનો બહિષ્કાર, કહ્યું- 'મારા શિષ્યોને માર્યા' 1 - image


Shankaracharya boycotts Mauni Amavasya bath in Prayagraj : મૌની અમાસના પવિત્ર અવસર પર જ્યાં એક તરફ સંગમ નગરી પ્રયાગરાજમાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે સ્નાન કરવાનો ઇનકાર કરીને એક મોટો વિવાદ સર્જ્યો છે. તેમણે પ્રશાસન પર તેમના શિષ્યો સાથે મારપીટ કરવાનો અને માર મારવા માટે ઈશારા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

શંકરાચાર્યએ શું કહ્યું? 

શંકરાચાર્યએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, પોલીસના મોટા મોટા અધિકારી મારી નજર સામે મારા શિષ્યોને થપ્પડ મારી રહ્યા હતા. છાતીમાં મારીને નીચે પાડી દીધા. આ દૃશ્યો જોઈને મેં નક્કી કર્યું કે આજે સ્નાન કરવા નથી જવું. અમે પરત ફરવા લાગ્યા તે પછી પણ પોલીસ મારતી રહી. પોલીસને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ આદેશ આપ્યા હશે. કુંભમેળામાં નાસભાગ મામલે મેં યોગી આદિત્યનાથને જવાબદાર ઠેરવ્યા હતા. ત્યારથી જ તેઓ મારા પર ગુસ્સે છે અને આજે બદલો લઈ રહ્યા છે. 

તંત્રનો આરોપ: મંજૂરી વિના આવ્યા હતા શંકરાચાર્ય, ત્રણ કલાક સુધી રસ્તો રોકી રાખ્યો 

પ્રયાગરાજના ડિવિઝનલ કમિશનર સૌમ્યા અગ્રવાલે સમગ્ર મામલે કહ્યું કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મંજૂરી વિના આગળ વધી રહ્યા હતા અને પોલીસના બેરિકેડ પણ તોડ્યા. તેમને રોકીને અપીલ કરવામાં આવી કે તમે સામાન્ય શ્રદ્ધાળુની જેમ સ્નાન કરી લો. કારણ કે સંગમ પર લાખોની ભીડ હતી અને કોઈ પણ અનિચ્છનિય ઘટના થઈ શકે તેમ હતી. તેમ છતાં તેઓ માન્યા નહીં અને ત્રણ કલાક સુધી રસ્તો રોકી રાખ્યો. તેમણે અવ્યવસ્થા ફેલાવી. 


કરોડો શ્રદ્ધાળુઓથી ઉભરાયું સંગમ

શંકરાચાર્યના વિવાદ વચ્ચે, મૌની અમાસ પર પ્રયાગરાજમાં આસ્થાનો મહાસાગર ઉમટ્યો છે. મોડી રાત્રે 12 વાગ્યાથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ સંગમ તરફ શરૂ થઈ ગયો હતો. પ્રશાસનના અંદાજ મુજબ, ત્રણ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરે તેવી શક્યતા છે, જ્યારે અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. સંગમ નોઝ પર ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ અને પીએસીના જવાનો તૈનાત છે અને સીટી વગાડીને લોકોને એક જગ્યાએ ઉભા રહેવાથી રોકી રહ્યા છે.

સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે અભૂતપૂર્વ વ્યવસ્થા

આટલી મોટી ભીડને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા સુરક્ષાનો અભૂતપૂર્વ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સ્નાન ઘાટો પર જલ પોલીસ, NDRF, SDRF અને ગોતાખોરોની ટીમો તૈનાત છે. આ ઉપરાંત, સમગ્ર મેળા વિસ્તારમાં પોલીસ, PAC, RAF, BDS અને UP ATSના કમાન્ડો સાથે ગુપ્તચર એજન્સીઓ પણ સક્રિય છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, CCTV અને ડ્રોન કેમેરાથી સમગ્ર માઘ મેળા પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ પર કડક નજર રાખવામાં આવી રહી છે.