આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ
Seven Party Delegation: સરહદ પાર આતંકવાદની સામે ભારતની લડાઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ મજબૂતી આપવા માટે હવે દેશની રાજકીય પાર્ટીઓ એકસાથે ઊભી છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતે એક મોટું વ્યૂહનૈતિક પગલું ભરતાં સાત પક્ષીય પ્રતિનિધિમંડળને વિશ્વના પ્રમુખ દેશોમાં મોકલવાનો નિર્ણય લીધો છે.
આ પ્રતિનિધિમંડળનો હેતુ સ્પષ્ટ છે કે, આતંકવાદને લઈને ભારતની ‘ઝીરો ટૉલરન્સ’ નીતિનો સંદેશ દુનિયા સુધી પહોંડવો. ખાસ વાત એ છે કે, આ અભિયાનમાં તમામ પ્રમુખ રાજકીય પાર્ટીના પ્રમુખ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સામેલ છે, જેનાથી એ સ્પષ્ટ સંકેત જાય છે કે, આતંકવાદ મુદ્દે ભારત એકજૂટ છે.
કિરણ રિજિજૂએ આપી જાણકારી
સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પોસ્ટ શેર કરી આ વિશે જાણકારી આપી છે. જેમાં લખ્યું, ‘સૌથી મહત્ત્વના સમયે ભારત એકજૂટ હોય છે. સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ જલ્દી જ પ્રમુખ ભાગીદાર દેશોની મુલાકાત કરશે અને આતંકવાદ પ્રતિ ‘ઝીરો ટૉલરન્સ’નો અમારો સંદેશ ત્યાં લઈ જશે. આ રાજકારણથી ઉપર અને મતભેદથી દૂર રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતિક છે.’
ડેલિગેશનમાં આ સાંસદોનો કરાયો સમાવેશ
આ પ્રતિનિધિમંડળો આ મહિનાના અંત સુધીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો અને અન્ય મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેશે. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા સાંસદોમાં શશિ થરૂર (કોંગ્રેસ), રવિશંકર પ્રસાદ (ભારતીય જનતા પાર્ટી), સંજય કુમાર ઝા (જનતા દળ યુનાઇટેડ), બૈજયંત પાંડા (ભારતીય જનતા પાર્ટી), કનિમોઝી કરુણાનિધિ (દ્રવિડ મુનેત્ર કઝગમ-ડીએમકે), સુપ્રિયા સુલે (રાષ્ટ્રવાદી કોંગ્રેસ-NCP) અને શ્રીકાંત એકનાથ શિંદે(શિવસેના)નું નામ સામેલ છે.
આ દેશોની યાત્રા કરશે સાંસદ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્રતિનિધિમંડળ અમેરિકા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, કતાર અને સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોની યાત્રા કરશે. આ વિદેશ યાત્રા 22 મે બાદ શરુ થવાની સંભાવના છે. ભારત સરકારનો આ પ્રયાસ વૈશ્વિક મંચ પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ અને નાગરિક ઠેકાણાને નિશાનો બનાવવાની ઘટનાને ઉજાગર કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
શું બોલ્યા સાંસદ?
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં પસંદ કરવામાં આવેલા સાંસદોએ પોતપોતાની પ્રતિક્રિયા આપી છે. શશિ થરૂરે એક્સ પર લખ્યું, ‘મને ભારત સરકાર દ્વારા હાલની ઘટના પર દેશના દૃષ્ટિકોણ પાંચ પ્રમુખ દેશની રાજધાનીમાં રાખવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાનું નિમંત્રણ મળવાથી સન્માનની લાગણી અનુભવી રહ્યો છું. જ્યારે વાત રાષ્ટ્રીય હિતની હોય અને મારી સેવાઓની જરૂર હોય તો હું ક્યારેય પાછળ નહીં હટું. જય હિન્દ.’
સુપ્રીયા સુલેએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘મને ગર્વ છે કે, હું ભારતનું પ્રતિનિધિત્વ કરનારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં સામેલ થઈ રહી છું. હું આ જવાબદારીને વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને વિદેશ મંત્રાલયનો હાર્દિક આભાર માનું છું.’
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે, ‘ડેલિગેશન પર આગળ જો વાતચીત થશે તો અમે અમારો પક્ષ મૂકીશું. અમે દેશહિતમાં દરેક કામમાં સામેલ છીએ. દેશ અને સેનાની સાથે ઊભા છીએ પરંતુ, સરકારના લોકો જો દેશ અને સેના સાથે ગદ્દારી કરશે તો અમે તે સૂચના પણ જનતા સુધી પહોંચાડીશું.’