પાકિસ્તાનના PM શરીફે કાશ્મીર મુદ્દે જુઠ્ઠાણુ ફેલાવ્યું, Xએ કર્યું ફેક્ટ ચેક

Kashmir Misleading News Fact Check: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ જમ્મુ-કાશ્મીર પર સહાનુભૂતિ મેળવવાના ઇરાદે 27 ઓક્ટોબર, 1947ની ઘટનાને ભ્રામક રીતે રજૂ કરી રહ્યા હતા. જોકે, X પર તેમનો આ પ્રયાસ નિષ્ફળ ગયો. લોકોએ તેમને એવા સાચા દસ્તાવેજો રજૂ કર્યા કે તેમની પાસે કોઈ જવાબ નહોતો.
શાહબાઝનો દાવો 'ભ્રામક' જાહેર
ખોટા સમાચાર ફેલાવવાની આ નાપાક ઝુંબેશમાં પાકિસ્તાનનું ટોચનું નેતૃત્વ પણ સામેલ રહે છે. 27 ઓક્ટોબરે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીર વિશે અસત્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો. શાહબાઝે કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવીને, ભારત પર આક્રમણનો આરોપ મૂક્યો અને સાથે જ દાવો કર્યો કે જમ્મુ-કાશ્મીરમાં 'માનવ અધિકારોનું ઉલ્લંઘન' થઈ રહ્યું છે.
આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X કડક વલણ અપનાવીને ફેક્ટ ચેક કર્યું છે અને વડાપ્રધાન શાહબાઝના દાવાને સ્પષ્ટપણે ભ્રામક સમાચાર તરીકે જાહેર કર્યા છે. આ પરિણામે, X પર શાહબાઝની સખત ફજેતી થઈ રહી છે.
ખોટા પ્રચાર બદલ PM શાહબાઝની ફજેતી
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા 27 ઓક્ટોબરના રોજ જમ્મુ-કાશ્મીરને લઈને કરવામાં આવેલો પ્રચાર અને આક્રમણના આરોપો X પર નિષ્ફળ ગયા છે.
શાહબાઝ શરીફે પોતાના સત્તાવાર X હેન્ડલ પર કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો અને દાવો કર્યો કે ભારતે આક્રમણ કર્યું છે તથા જમ્મુ-કાશ્મીરમાં 'માનવ અધિકારોનું ઉલ્લંઘન' થઈ રહ્યું છે.
આના પર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ કડક વલણ અપનાવીને ફેક્ટ ચેક કર્યું. X એ પીએમ શાહબાઝના દાવાને સ્પષ્ટપણે ભ્રામક સમાચાર (Misleading news) ગણાવ્યા, જેના કારણે તેમની સખત ફજેતી થઈ.
પાકિસ્તાનનો 'બ્લેક ડે' દુષ્પ્રચાર નિષ્ફળ
પાકિસ્તાન દર વર્ષે 27 ઓક્ટોબરને 'બ્લેક ડે' તરીકે ઉજવીને વિશ્વમાં દુષ્પ્રચાર ફેલાવે છે કે આ દિવસે 78 વર્ષ પહેલાં ભારતીય સેનાએ શ્રીનગર પર કબજો કર્યો હતો. પાકિસ્તાની નેતાઓ અને મીડિયા દર વર્ષે આ ખોટું રુદન વધારી-ચઢાવીને દુનિયા સામે રજૂ કરે છે. શાહબાઝ શરીફે પણ આ વખતે તે જ કર્યું હતું.
જોકે, Xની કોમ્યુનિટી નોટ્સએ તરત જ ફેક્ટ ચેક જાહેર કરીને આ દાવાને ખોટો ઠેરવ્યો, જેના પરિણામે શરીફની તમામ યોજનાઓ નિષ્ફળ ગઈ. શરીફની પોસ્ટ પરની Xની પ્રતિક્રિયામાં જણાવાયું છે કે, 'આ ભ્રામક સમાચાર છે. મહારાજા હરિસિંહ 26 ઓક્ટોબર, 1947ના રોજ ભારતમાં જોડાવા માટે સંમત થયા હતા. આ વિલય કરાર પર હસ્તાક્ષર થયા પછી જ, ભારતે 27 ઓક્ટોબર, 1947ના રોજ વિસ્તારની રક્ષા માટે શ્રીનગરમાં સેના મોકલી હતી.'
કોમ્યુનિટી નોટ્સમાં, ભારતની સરકારી રેડિયો સેવા આકાશવાણીના આર્કાઇવમાંથી એક ઐતિહાસિક પત્ર દર્શાવવામાં આવ્યો છે. આ પત્રમાં મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ કરવા માટે સંમતિ આપી હતી.
Xની નવી ફેક્ટ-ચેકિંગ પોલિસીની અસર
આ સમગ્ર ઘટના Xની નવી માહિતી ફેક્ટ-ચેકિંગ પોલિસીનું પરિણામ છે, જે મે 2025થી અમલમાં આવી છે. આ પોલિસી લાગુ થયા બાદ, પાકિસ્તાની નેતાઓના અનેક ખોટા દાવાઓ પર આ રીતે નોટ્સ મૂકવામાં આવ્યા છે.
મહારાજા હરિસિંહના વિલીનીકરણ પત્ર સિવાય, Xએ અન્ય ઘણા ઐતિહાસિક દસ્તાવેજોની લિંક્સ પણ શેર કરી છે. આ દસ્તાવેજો સ્પષ્ટપણે સાબિત કરે છે કે મહારાજા હરિસિંહ દ્વારા જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ થયા પછી જ, ભારતે કાશ્મીરીઓની સુરક્ષા માટે તેની સેના ત્યાં મોકલી હતી.
27 ઓક્ટોબર, 1947ની ઘટના
1947ના ભારતના ભાગલા સમયે, જમ્મુ-કાશ્મીર એક રજવાડું હતું. તેના શાસક મહારાજા હરિસિંહ હતા, જેમની પાસે સ્વતંત્ર રહેવાનો અથવા ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવાનો વિકલ્પ હતો. શરૂઆતમાં, તેઓ રાજ્યને સ્વતંત્ર રાખવા માંગતા હતા. જોકે, 22 ઓક્ટોબર, 1947ના રોજ પાકિસ્તાન સમર્થિત આદિવાસી લશ્કર (પશ્તૂન આદિવાસીઓ અને પાકિસ્તાની સેનાના ઘૂસણખોરો)એ મુઝફ્ફરાબાદ અને ડોમેલ થઈને શ્રીનગર તરફ આક્રમણ શરૂ કર્યું.
પાકિસ્તાન આ આદિવાસી હુમલાખોરોની આડમાં જમ્મુ-કાશ્મીર પર કબજો કરવા માંગતું હતું. 26 ઓક્ટોબર સુધીમાં, આ લડવૈયાઓએ ઉરી અને બારામૂલા પર કબજો કરી લીધો અને શ્રીનગર માત્ર 50 કિલોમીટર દૂર હતું. મહારાજા હરિસિંહની સેના પાકિસ્તાનીઓ સામે લડી રહી હતી, પરંતુ શસ્ત્રો અને સંખ્યાની દ્રષ્ટિએ નબળી હતી.
બારામૂલામાં લૂંટફાટ, હત્યાઓ અને મહિલાઓ પર અત્યાચારના અહેવાલો આવતા, પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. આથી, મહારાજા હરિસિંહે વી.પી. મેનન (ભારતના ગૃહ મંત્રાલયના સચિવ) પાસે મદદની વિનંતી કરી. ભારતે સ્પષ્ટ કર્યું કે જો જમ્મુ-કાશ્મીર રજવાડું કાયદેસર રીતે ભારતમાં જોડાશે તો જ સેના મોકલવામાં આવશે. આ શરત સ્વીકારીને, 26 ઓક્ટોબર 1947ના રોજ મહારાજા હરિસિંહે વિલય પત્ર (Instrument of Accession) પર હસ્તાક્ષર કર્યા, જેનાથી જમ્મુ-કાશ્મીર કાયદેસર રીતે ભારતનો ભાગ બન્યું.
ત્યારબાદ, 27 ઓક્ટોબરની સવારે, ભારતીય સેનાની પ્રથમ ટુકડી (1 સિખ રેજિમેન્ટ) શ્રીનગર એરપોર્ટ પર ઉતરી. બ્રિગેડિયર જે.સી. કટોચના નેતૃત્વમાં, સૈનિકોએ તરત જ બારામૂલા તરફ મોરચો સંભાળીને ઘૂસણખોરોને રોક્યા અને તેમને પાછા ખદેડી મૂક્યા. આ ભારતની પ્રથમ હવાઈ સૈન્ય કાર્યવાહી હતી.

