અમને એક સાથે એક મંચ પર જોઈ કેટલાક લોકોની ઊંઘ હરામ થશે : મોદી
- કેરળમાં મોદી - કોંગ્રેસી સાંસદ થરૂર, મુખ્યમંત્રી વિજયન એક જ કાર્યક્રમમાં
- પીએમ મોદીએ કેરળ અને આંધ્ર પ્રદેશમાં કુલ 66,686 કરોડ રૂપિયાના પ્રોજેક્ટના શિલાન્યાસ-ઉદ્ઘાટન કર્યા
તિરુવનંતપુરમ/અમરાવતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેરળ અને આંધ્ર પ્રદેશમાં કુલ રૂ. ૬૬૬૮૬ કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યા હતા. પીએમ મોદીએ શુક્રવારે કેરળના તિરુવનંતપુરમમાં વિઝિંગમ આંતરરાષ્ટ્રીય સી-પોર્ટ પ્રોજેક્ટના પહેલા તબક્કાનું ઉદ્ધાટન કર્યું હતું. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને ડાબેરી મુખ્યમંત્રી પિનરાઈ વિજયન એક જ મંચ પર સાથે આવ્યા હતા. આ સમયે પીએમ મોદીએ વિપક્ષને ટોણો મારતા કહ્યું કે, આ ઉદ્ધાટન સમારંભ અનેક લોકોની રાતોની ઊંઘ હરામ કરી દેશે. તેમણે કેરળના મુખ્યમંત્રી વિજયનને વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનના સ્તંભ ગણાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તિરુવનંતપુરમમાં વિઝિંગમ આંતરરાષ્ટ્રીય સી-પોર્ટ પ્રોજેક્ટના પહેલા તબક્કાના ઉદ્ધાટન માટે કેરળ પહોંચ્યા હતા. આ સમયે કોંગ્રેસ સાંસદ શશી થરૂરે એરપોર્ટ પર ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર સરકારની અનેક નીતિઓની ટીકા કરનારા કોંગ્રેસી સાંસદ શશી થરૂરે શુક્રાવારે એરપોર્ટ પર વડાપ્રધાન સાથેની મુલાકાતની તસવીરો એક્સ પર શૅર કરી હતી.
શશિ થરૂરે એક્સ પર લખ્યું કે, દિલ્હી એરપોર્ટની અવ્યવસ્થા અને ઉડ્ડયનમાં વિલંબ છતાં તેઓ સમયસર તિરુવનંત પહોંચવામાં સફળ રહ્યા, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમના સંસદીય ક્ષેત્રમાં સ્વાગત કરી શકે. થરૂરે વધુમાં લખ્યું કે, તેઓ વિઝિંગમ સી-પોર્ટ પ્રોજેક્ટના ઉદ્ધાટન અંગે ઉત્સાહિત છે, જે શરૂઆતથી જ તેમના પસંદગીના પ્રોજેક્ટમાંનો એક રહ્યો છે.
પીએમ મોદી ગુરુવારે રાત્રે કેરળ પહોંચ્યા અને શુક્રવારે સવારે વિઝિંગમ બંદર પહોંચ્યા હતા. પીએમ મોદીએ શુક્રવારે કુલ રૂ. ૧૮,૦૦૦ કરોડના પ્રોજેક્ટના ભાગરૂપે રૂ. ૮,૬૮૬ કરોડના પહેલા તબક્કાના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી વિજયનને કહેવા માગું છું કે, તમે ઈન્ડિ ગઠબંધનના મજબૂત સ્તંભ છો, શશિ થરૂર જી પણ અહીં બેઠા છે. આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ હરામ કરી નાંખશે. જોકે, તેમના ભાષણનું અનુવાદ કરનાર વ્યક્તિએ તેનું બરાબર અનુવાદ કર્યું નહોતું. આ અંગે વડાપ્રધાને કહેવું પડયું કે, સંદેશો જેમને પહોંચાડવાનો હતો તેમના સુધી પહોંચી ગયો છે. આ બંદરનું નિર્માણ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ પર કરાયું છે. આ ભારતનો પહેલો ઊંડા પાળીવાળો ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. ડિસેમ્બર ૨૦૨૪માં આ બંદરના કમર્શિયલ સંચાલનની મંજૂરી અપાઈ હતી.
કેરળ બાદ વડાપ્રધાન મોદી આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કુલ રૂ. ૫૮,૦૦૦ કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યા હતા. આ પ્રોજેક્ટમાં ગ્રીનફિલ્ડ રાજધાની અમરાવતીનું નિર્માણ ફરીથી શરૂ કરવાનો પ્રોજેક્ટ પણ સામેલ છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. પીએમ મોદીએ કુલ ૯૪ પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યા હતા. અમરાવતીનું નિર્માણ ફરીથી શરૂ કરવાના ભાગરૂપે પીએમ મોદીએ રૂ. ૪૯,૦૦૦ કરોડના ૭૪ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જેમાં વિધાનસભા, સચિવાલય અને હાઈકોર્ટની ઈમારતો અને ન્યાયિક આવાસ ક્વાર્ટર્સની સાથે ૫,૨૦૦ પરિવારો માટે આવાસનો પણ સમાવેશ થશે.