દહેરાદૂન, તા. 20 ફેબ્રુઆરી 2023 સોમવાર
આ વર્ષે કેદારનાથ ધામ સુધી જતા પગપાળા માર્ગ પર ઘોડા-ખચ્ચરોની દેખરેખ માટે સુરક્ષા દળના જવાનો તૈનાત રહેશે. કેદારનાથ મંદિરના આધાર શિવિર ગૌરીકુંડથી કેદારનાથ વચ્ચે લગભગ 19 કિલોમીટર લાંબા પગપાળા માર્ગ પર મોટી સંખ્યામાં તીર્થયાત્રી ઘોડા-ખચ્ચરોની સવારી કરીને બાબા કેદારના ધામ પહોંચે છે. આ દરમિયાન ઘોડા ખચ્ચરો સાથે અમાનવીય વર્તન ના થાય તેની દેખરેખ માટે રૂદ્રપ્રયાગના જિલ્લાધિકારીએ પગપાળા માર્ગ પર સુરક્ષાદળના 20 જવાનોને તૈનાત કરવાનું આયોજન કર્યુ છે.

શ્રી બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ દ્વારા કેદારનાથ યાત્રાને લઈને આયોજિત બેઠકમાં જિલ્લાધિકારીએ આ જાણકારી જાહેર કરી છે. કેદારનાથ યાત્રા 25 એપ્રિલે શરૂ થઈ રહી છે. તેમણે જણાવ્યુ કે જવાન એ ધ્યાન રાખશે કે યાત્રા માર્ગમાં ઘોડા-ખચ્ચરો સાથે કોઈ પણ પ્રકારની કોઈ ક્રૂરતા ના થાય અને બીમાર તેમજ કમજોર ઘોડા-ખચ્ચરોનું ગમે તેમ સંચાલન કરવામાં આવે નહીં. જવાનોને જુદા-જુદા યાત્રા પડાવો પર તૈનાત કર્યા પહેલા તેમને યોગ્ય તાલીમ આપવામાં આવશે.

કેદારનાથ યાત્રા દરમિયાન ઘોડા-ખચ્ચરોના મોતની ઘટના
ગયા વર્ષે કેદારનાથ યાત્રા દરમિયાન ઘણા ઘોડા-ખચ્ચરોના મોત નીપજ્યા હતા અને આરોપ લાગ્યા હતા કે તેમના માલિકો દ્વારા તેમની સાથે ક્ષમતા કરતા વધુ કામ કરાવવાના કારણે આ મોત નીપજ્યા. કોવિડ-19 ના કારણે બે વર્ષના સમય બાદ ગયા વર્ષે શરૂ થયેલી યાત્રા દરમિયાન કેદારનાથ સહિત ચારેય ધામોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી અને આરોપ લાગ્યો હતો કે આનો લાભ લેવા માટે કથિતરીતે ઘોડા-ખચ્ચર માલિકોએ તેમને પૂરતો આરામ આપ્યા વિના તેમની જોડે વધારે કામ કરાવડાવ્યુ.


