નવી દિલ્હી તા. 10 એપ્રિલ બુધવાર
સાસરિયાના અત્યાચારથી પિયરમાં આવી ગયેલી કે કોઇ મહિલા સંસ્થામાં આશ્રય લેનારી મહિલા જ્યા્ં હોય ત્યા્ંથી અત્યાચારની ફરિયાદ નોંધાવી શકશે એવી મહત્ત્વની રાહત સુપ્રીમ કોર્ટે મંગળવારે જાહેર કરી હતી
ઇન્ડિયન પીનલ કૉડ (ભારતીય ફોજદારી ધારા)ની 498 અ કલમને લગતી એક ફરિયાદનો નિકાલ કરતાં સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા કરી હતી. રૂપાલી દેવી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના આ કેસમાં મૂળ બે ન્યાયમૂર્તિઓ વિગત તપાસી રહ્યા હતા. જ્યુરીસડિક્શનને લગતા મુદ્દા અંગે આ બે જજોની બેન્ચે વરિષ્ઠ બેંચને વિગતો મોકલી હતી.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ સંજય કિસન કૌલની બનેલી આ બેન્ચે એવી રજૂઆતને માન્ય રાખી હતી કે સસરિયાના અત્યાચારનો શિકાર બનેલી મહિલા જ્યાં હોય ત્યાંથી પોલીસ ફરિયાદ કરી શકે છે. એ માટે એ કોઇ ચોક્કસ સ્થળે હોવી જરૂરી નથી.
ઉપરાંત આ બેન્ચે કહ્યું હતું કે અત્યાચારમાં શારીરિક અને માનસિક બંને પ્રકારના અત્યાચારોનો સમાવેશ ફરિયાદમાં સંબંધિત મહિલા કરી શકશે.


