Get The App

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન 1 - image

- શિવાજી, ગાંધીજી, ડૉ. આંબેડકર જેવી વિભૂતિઓની મૂર્તિ બનાવી

- 1999માં પદ્મશ્રી, 2016માં પદ્મ વિભૂષણ એનાયત થયો હતો : મહારાષ્ટ્ર સરકારે ગયા વર્ષે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા

મુંબઈ : સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ છે. તેને ડિઝાઈન કરી હતી દેશના વિખ્યાત શિલ્પી રામ સુતારે. દેશભરના કેટલાય જાહેર સ્થળોએ તેમની બનાવેલી મૂર્તિઓ જોઈ શકાય છે. ગાંધીજી, સરદાર, ડૉ. આંબેડકર જેવી વિભૂતિઓની મૂર્તિ ઉપરાંત ભગવાન રામ, શિવાજી વગેરેની મૂર્તિઓ બનાવનારા ૧૦૦ વર્ષના શિલ્પકાર રામ સુતારનુ નિધન થયું છે.

રામ સુતારનું શિલ્પકામ દેશના ખૂણે ખૂણે જોવા મળે છે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી લઈને સંસદભવનમાં ગાંધીજી, ગોવાના જીવોત્તમ મઠમાં શ્રીરામની પ્રતિમા કે જેનું હજુ તાજેતરમાં જ વડાપ્રધાને અનાવરણ કર્યું હતું તે, મધ્યપ્રદેશના ગાંધી સાગર ડેમ પર ચંબલ માતાની મૂર્તિ, અમૃતસરમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમા જેવી કેટલીય મૂર્તિઓ તેમણે બનાવી હતી. 

રામ સુતારનો જન્મ ૧૯૨૫માં બ્રિટિશ ઈન્ડિયા વખતે મુંબઈ રાજ્યમાં થયો હતો. તેમણે શરૂઆતમાં ભીંત ચિત્રો બનાવ્યા હતા. શાળામાં બનાવેલી મૂર્તિને પુરસ્કાર મળ્યો હતો. તેમની પ્રતિભાને જોઈને તેમને જેજે સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી સ્ટડી કરવાની સલાહ મળી. ત્યાંથી તેમણે મૂર્તિશાસ્ત્રનો વિધિવત અભ્યાસ કર્યો. ૪૫ ફૂટ ઊંચી દેવીની પ્રતિમા બનાવવા માટે તેમને એ જમાનામાં ૧૦ હજાર રૂપિયા મળ્યા હતા, તે મૂર્તિ એટલે ચંબલ દેવીની મૂર્તિ. એ કામથી તેમની ખ્યાતિ વધી. તેમણે ૧૦૦ વર્ષના જીવનકાળ દરમિયાન દેશમાં ૪૦૦થી વધુ વિખ્યાત મૂર્તિઓ બનાવી છે.

ભારત સરકારે શિલ્પશાસ્ત્રના તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને ૧૯૯૯માં પદ્મશ્રીથી એનાયત કર્યો હતો. ૨૦૧૬માં તેમનું સન્માન પદ્મ વિભૂષણ આપીને કરાયું હતું. ગયા વર્ષે જ મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપીને તેમને સન્માનિત કર્યા હતા. દરેક રાજ્યોમાં તેમની બનાવેલી મૂર્તિઓ છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના વડાપ્રધાનોના પ્રોજેક્ટ્સમાં તેઓ સામેલ થયા હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતની તેમની બનાવેલી મૂર્તિઓ દેશનો મહાન વારસો છે. તેમની કલા દેશને હંમેશા પ્રેરણા આપતી રહેશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું કે તેમણે કેટલીય પેઢીઓને પ્રેરણા આપી છે. તેઓ દેશનું ગૌરવ હતા. તેમની કૃતિઓ આગામી સમયમાં પણ દેશને પ્રેરણા આપતી રહેશે. તેમના પરિવારજનો, પ્રશંસકો સહિત સૌને હૃદયપૂર્વક સંવેદના.