Indian Judiciary: સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989ના સંદર્ભમાં એક સીમાચિહ્નરૂપ અવલોકન કર્યું છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે માત્ર અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો એ આ કાયદા હેઠળ ગુનો બનતો નથી, સિવાય કે તે શબ્દો પાછળ વ્યક્તિને તેની જાતિના આધારે અપમાનિત કરવાનો સ્પષ્ટ ઈરાદો હોય.
જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચની સુનાવણી
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે પટણા હાઈકોર્ટના આદેશને પડકારતી કેશવ કુમાર મહતોની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે અપીલકર્તા વિરુદ્ધ ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને રદ કરતા જણાવ્યું હતું કે, 'કલમ 3(1)(આર) હેઠળ ગુનો ત્યારે જ બને છે જ્યારે અપમાન કે ધાકધમકી પાછળનો હેતુ પીડિત વ્યક્તિ 'દલિત અથવા આદિવાસી' સમુદાયનો સભ્ય છે તે હોવો જોઈએ. આ કેસની FIR કે ચાર્જશીટમાં જાતિ આધારિત અપમાન થયું હોવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.'
આ પણ વાંચો: ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર
શું હતો મામલો?
અપીલકર્તા કેશવ કુમાર મહતો સામે પટણા હાઈકોર્ટમાં એક આંગણવાડી કેન્દ્રમાં જાતિ આધારિત ગાળાગાળી અને હુમલો કરવા બદલ FIR નોંધાઈ હતી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહીમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે માત્ર ફરિયાદી SC/ST સમુદાયનો સભ્ય છે એટલા માત્રથી દરેક વિવાદ આ એક્ટ હેઠળ આવરી શકાય નહીં.
SC/ST એક્ટ હેઠળ ગુનો બનવા માટેની બે મુખ્ય શરતો
સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદાઓને ટાંકીને બે અનિવાર્ય શરતો પર ભાર મૂક્યો હતો. પહેલી ફરિયાદી અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિનો સભ્ય હોવો જોઈએ. બીજી આરોપી દ્વારા કરવામાં આવેલું અપમાન અથવા ધાકધમકી તે વ્યક્તિના 'જાતિગત દરજ્જા'ના આધારે જ હોવી જોઈએ.
સુપ્રીમ કોર્ટનું તારણ
સુપ્રીમ કોર્ટની બેન્ચે ઉમેર્યું કે, 'જો કોઈ સામાન્ય વિવાદમાં અપમાનજનક ભાષા વપરાય છે, જેમાં જાતિગત વૈમનસ્ય કે અપમાનનો હેતુ નથી, તો તેને SC/ST એક્ટ હેઠળ અત્યાચાર ગણી શકાય નહીં.' આ ચુકાદાને કારણે હવે આ કાયદાના દુરુપયોગ પર લગામ લાગશે અને સાચા ઈરાદા સાથેના કેસોમાં જ કાયદાકીય કાર્યવાહી થશે તેમ માનવામાં આવે છે.


