BIG NEWS: UPના કાનપુરમાં બે સ્કૂટરમાં થયો ભયંકર વિસ્ફોટ, 8 ઘાયલ, વિસ્તારમાં હડકંપ
Kanpur Explosion: ઉત્તરપ્રદેશના કાનપુરમાં બુધવારે (8 ઑક્ટોબર) બે સ્કૂટરમાં ભયંકર વિસ્ફોટની ઘટનાથી હડકંપ મચી ગયો હતો. વિસ્ફોટની ઘટના સર્જાતાં નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, કાનપુરના મેસ્ટર્ન રોડ પર આવેલી મિશ્રી બજારમાં મિશ્રી બજારમાં રસ્તાની બાજુમાં પાર્ક કરાયેલા બે સ્કૂટરમાં વિસ્ફોટ થયો હતો. જે ઘટનામાં 8થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક ઉર્સુલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતાં, વરિષ્ઠ અધિકારીઓ, FSLની ટીમ અને બોમ્બ સ્ક્વોર્ડ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી. પોલીસનું કહેવું છે કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.
500 મીટર સુધી સંભળાયો અવાજ
બ્લાસ્ટની ઘટના બનતાં જ નાસભાગ મચી હતી. લોકો રસ્તા પર ભાગતા નજરે પડ્યા હતા. બ્લાસ્ટથી બજારની અનેક દુકાનો અને ઘરોની દીવાલો ધ્રૂજી ઉઠી અને તિરાડો પડી ગઈ. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે 500 મીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. બોમ્બ સ્ક્વોર્ડ અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે.
પાર્ક કરાયેલા બે સ્કૂટરમાં થયો હતો વિસ્ફોટ: પોલીસ કમિશ્નર
ઘટના અંગે પોલીસ કમિશ્નર આશુતોષ કુમારે જણાવ્યું હતું કે, 'મૂળગંજ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના મિશ્રી બજાર વિસ્તારમાં પાર્ક કરેલા બે સ્કૂટરમાં આજે વિસ્ફોટ થયો હતો. આ ઘટના સાંજે 7:15 વાગ્યે બની હતી. કુલ છ લોકો ઘાયલ થયા હતા, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામની સારવાર ચાલી રહી છે અને તેઓ ખતરાથી બહાર છે. અમારી ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અમે કારણની તપાસ કરી રહ્યા છીએ. અમે સ્કૂટરોને ટ્રેસ કરી લીધા છે અને ડ્રાઇવરોની પણ પૂછપરછ કરીશું. આ અકસ્માત હતો કે કાવતરું તે પછીથી નક્કી કરવામાં આવશે.'