મોટી વયે ઝામરથી આંખોમાં દેખાતું બંધ થાય છે તેનો ઈલાજ શક્ય બન્યો
મોટી ઉંમરે ત્રાટકતા અંધાપાથી છૂટકારો મેળવવાની દિશામાં નોંધપાત્ર શોધ
વૈજ્ઞાનિકોએ ઉંદરો પર સફળ પરીક્ષણ કર્યુંઃ હાર્વર્ડ મેડિસીન વિભાગના સંશોધકોનો રીપોર્ટ નેચર જર્નલમાં પ્રસિદ્ધ થયો
બોસ્ટન, તા. ૩
મોટી વયે ઝામરના કારણે આંખમાં ઝાંખું દેખાવા લાગે છે. અથવા તો ઘણાં કેસમાં મોટી વયે દેખાતું સાવ બંધ થઈ જાય છે, પરંતુ હવે વિજ્ઞાાનિકોએ તેનો ઈલાજ શોધી લીધો છે. ઉંદરોમાં થયેલું પરીક્ષણ સફળ નીવડયું હતું. હાર્વર્ડ મેડિસીન વિભાગના સંશોધકોનો અહેવાલ નેચલ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો.
હાર્વર્ડ મેડિસીન વિભાગના પ્રોફેસર ડેવિડ સિંકલેરના માર્ગદર્શનમાં સંશોધકોને ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા મળી છે. નેચલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે સંશોધકોએ ત્રણ ઉંદરોમાં પરીક્ષણો કર્યા હતા. મોટી વયે ગ્લુકોમા એટલે કે ઝામરના કારણે દેખાતું બંધ થઈ જાય છે. અથવા તો ઝાંખપ આવી જાય છે.
એ સ્થિતિ નિવારી શકાય તે માટે ઉંદરોમાં જે ટેકનિકથી પરીક્ષણ થયું તે સફળ રહ્યું હતું. ત્રણ ઉંદરો પર થયેલા પરીક્ષણને નોંધપાત્ર સફળતા મળી હતી. જીન્સ થેરાપી નામની આ ટેકનિકથી ઈલાજ શક્ય બન્યો હતો. ઉંદરો પર તેનું પરીક્ષણ થયું હોવાથી થોડાક વર્ષોમાં આ ઈલાજ માણસ માટે થઈ શકશે એવી આશા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી હતી.
આ પદ્ધતિ પ્રમાણે વિજ્ઞાાનિકોએ પહેલી વખત નર્વ સિસ્ટમની અઘરી રચનામાં ટિશ્યુને રીપ્રોગ્રામ કર્યા હતા. તેના કારણે આંખની જે રોશની છે તે યુવાવસ્થા જેટલી તીવ્ર થઈ શકશે એવો પણ દાવો સંશોધકોએ કર્યો હતો.
આ અંગે હાર્વર્ડ મેડિસીનના પ્રોફેસર ડેવિડ સિંક્લેરે કહ્યું હતુંઃ અમારા સંશોધનમાં પહેલી વખત એ સાબિત થયું હતું કે રેટિના જેવા કોમ્પલેક્ષ ટિશ્યૂની વયને રીવર્સ ગીઅરમાં ફેરવી શકાય છે. તેમણે તો ત્યાં સુધી આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં આ ટેકનિકથી ઘણી બિમારીઓ સારી કરી શકાશે. વયના લગતા કેટલાય અજાણ્યા પાછા આ ટેકનિકથી ઉકેલી શકાશે એવું અહેવાલમાં કહેવાયું હતું.