તમિલનાડુમાંથી સંશોધકોએ 2600 વર્ષ જૂનાં માટીના વાસણો શોધી કાઢ્યાં
ઈ.સ. પૂર્વે 600માં થયેલું માટીકામ કાળક્રમે ધરતીમાં ધરબાઈ ગયું હતું
2600 વર્ષ પહેલાં ભારતમાં રહેતાં લોકો પાસે માટીના વાસણો બનાવવા ખાસ પ્રકારના સાધનો હશેઃ કીલાડીની પુરાતન સાઈટ પરથી પુરાવા મળ્યાં

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૧
તમિલનાડુના કીલાડીમાં આવેલી પુરાતન સાઈટમાંથી સંશોધકોને ૨૬૦૦ વર્ષ જૂના માટીના વાસણો મળી આવ્યાં છે. ઈ.સ. પૂર્વે ૬૦૦માં આ વાસણો બન્યા હતા. માટીકામ જે રીતે થયું છે તેના પરથી એવો અંદાજ બાંધવામાં આવ્યો હતો કે એ વખતેના લોકો પાસે ખાસ પ્રકારના સાધનો હોવા જોઈએ.
ઈ.સ. પૂર્વ ૬૦૦માં થયેલું માટીકામ કાળક્રમે ધરતીના પેટાળમાં ધરબાઈ ગયું હતું, તમિલનાડુની કીલાડી પુરાતન સાઈટમાંથી ૨૬૦૦ વર્ષ જૂનું એ માટીકામ સંશોધકોએ શોધી કાઢ્યું હતું. ખોદકામ દરમિયાન સંશોધકોને માટીના નાના-નાના વાસણો મળી આવ્યાં હતાં. ખૂબ જ બારિકાઈથી થયેલું કામ જોયાં પછી સંશોધકો એવા તારણ પર આવ્યાં હતા કે આ વાસણો બનાવવા માટે એ વખતના ભારતમાં રહેતાં લોકો પાસે ખાસ પ્રકારના સાધનો હશે.
સાયન્ટિફિક રીપોર્ટ નામની જર્નલમાં આ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. માટીના વાસણો મળી આવ્યાં ંછે, એમાં સાવ નાનકડી ડીશ જેવા વાસણોનો પણ સમાવેશ થાય છે. નાની સાઈઝના વાસણો બનાવવામાં પણ એ વખતેના માનવી પાસે સારી એવી ફાવટ હશે, એવું સંશોધકોએ કહ્યું હતું.
પુરાતત્વવિદ વિજયઆનંદ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે અત્યાર સુધીમાં મળેલા સૌથી જૂના માટીકામના પુરાવા ઈ.સ. પૂર્વે ૮મી કે ૯મી સદીના છે, પરંતુ તે આટલા બારિકાઈથી બનેલા જણાયા નથી. આ પુરાવા પહેલાં એવા પુરાવા છે, જેનું કામ ઝીણવટપૂર્વક થયું છે. આ પુરાવાથી દુનિયાભરના સંશોધકો પ્રાચીનકાળના માટીકામ વિશે નવેસરથી વિચારતા થશે.

