ઉદ્ધવને સુપ્રીમ કોર્ટ પાસેથી પણ રાહત નહીઃ શિંદે જૂથ પાસે જ રહેશે શિવસેના અને ધનુષ-બાણ
- સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને નોટિસ પાઠવી તેમના જવાબ માંગ્યા છે
મુંબઈ, તા. 22 ફેબ્રુઆરી 2023, બુધવાર
શિવસેનાના નામ અને નિશાન અંગે સુપ્રીમ કોર્ટમાં કોઈ ચૂકાદો આવી શક્યો નથી. ઉદ્વવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી હજુ સુધી રાહત મળી નથી. તેમણે એકનાથ શિંહે જૂથને શિવસેનાનું નામ અને નિશાનનો ઉપયોગ કરવાની પરવાનગી પર સ્ટેની માંગણી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આદેશ પર રોક લગાવી શકીએ નહીં, તે પક્ષની અંદરનો એક કરાર આધારિત સંબંધ છે. હાલમાં કોર્ટે બંને પક્ષો પહાલ કોર્ટે બંને પક્ષોને નોટિસ પાઠવી તેમના જવાબ માંગ્યા છે. હવે આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરે તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે ચૂંટણી પંચના નિર્ણયનો આધાર નબળો છે. જ્યાં સુધી આ મામલે અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી રોક લગાવવી જોઈએ. તેમણે કહ્યું કે ચૂંટણી પંચનો નિર્ણય ગંભીર ચિંતાઓ ઉભી કરે છે. સિબ્બલે કહ્યું હતું કે પંચે ધારાસભ્યો અને સાંસદોની બહુમતીના આધારે શિંદે જૂથને પાર્ટીના નામ અને ચિહ્નનો અધિકાર આપ્યો હતો પરંતુ આ આધાર યોગ્ય નથી. તેના માટે સંગઠન કોની સાથે છે તે પણ જાણવાની જરૂર હતી. ત્યારે શિંદે જૂથના વકીલ એનકે કૌલે કહ્યું હતું કે, આ અરજી સુનાવણી માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે ઉદ્ધવ જૂથ આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યું છે. તેના માટે પહેલા હાઈકોર્ટમાં જવાની જરૂર હતી.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ચૂંટણી પંચે ઉદ્ધવ જૂથને મોટો ઝટકો આપ્યો હતો. પંચે શિંદે જૂથને જ અસલી શિવસેના માની હતી અને ધનુષ-બાણ વાળુ ચિન્હ પણ તેમને આપ્યું હતું. ચૂંટણી પંચના આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે હવે ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી.