સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ અને બળદગાડાની રેસ સામેની અરજી પર સુનાવણી સ્થગિત કરવાનો ઇનકાર કર્યો
- જસ્ટિસ જોસેફે વકીલને જલ્દી રિપોર્ટ દાખલ કરવાનો આપ્યો નિર્દેશ
નવી દિલ્હી, તા. 16 નવેમ્બર 2022, બુધવાર
સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં 'જલ્લીકટ્ટુ' રમત અને મહારાષ્ટ્રમાં બળદગાડાની રેસ સામેની અરજીઓ પર સુનાવણી ટાળવાનો ઇનકાર કર્યો હતો. આ અરજીઓમાં તમિલનાડુ અને મહારાષ્ટ્ર સરકારના આ રમતો સંબંધિત કાયદાઓને પડકારવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે.એમ જોસેફની આગેવાની હેઠળની બેંચે આ મામલાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો. તમિલનાડુ સરકારના વકીલે સર્વોચ્ચ અદાલતને શિયાળાની રજાઓ પછી જલ્લીકટ્ટુ (આખલાને પકડવાની રમત)ની સુનાવણી કરવા વિનંતી કરી કારણ કે, આ મામલે એક સંકલિત અહેવાલ સબમિટ કરવાનો છે. તેના પર જસ્ટિસ જોસેફે વકીલને જલ્દી રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે, જલ્લીકટ્ટુ જાન્યુઆરીમાં છે, અમે અરજી પર સુનાવણી ટાળીશું નહીં. અગાઉ, સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચે જલ્લીકટ્ટુ સામેની અરજીઓ પર સુનાવણી 23 નવેમ્બરે નક્કી કરી હતી. પાંચ જજોની બંધારણીય બેંચમાં જસ્ટિસ કે.એમ. જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારનો સમાવેશ થાય છે. આ બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2018માં સુપ્રીમ કોર્ટે આ મામલો બંધારણીય બેંચને મોકલ્યો હતો. એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, શું તમિલનાડુ અને મહારાષ્ટ્રના લોકો 'જલ્લીકટ્ટુ' અને બળદગાડાની રેસને તેમના સાંસ્કૃતિક અધિકાર તરીકે સાચવી શકશે? શું તેઓ બંધારણની કલમ 29(1) હેઠળ રક્ષણ મેળવી શકે છે? તમિલનાડુ અને મહારાષ્ટ્ર સરકારોએ કેન્દ્ર દ્વારા ઘડવામાં આવેલા પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960માં સુધારો કર્યો છે અને તેમના સંબંધિત રાજ્યોમાં અનુક્રમે જલ્લીકટ્ટુ અને બળદગાડાની રેસને મંજૂરી આપી છે. બંને રાજ્યોના સંબંધિત કાયદાઓને પડકારતી અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવી છે. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) ની આગેવાની હેઠળના અરજદારોના જૂથે તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરાયેલ જલ્લીકટ્ટુ કાયદાને રદ કરવાની માંગ કરી છે. PETA એ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (તમિલનાડુ એમેન્ડમેન્ટ) બિલ 2017ને વિધાનસભા દ્વારા અનેક આધારો પર પડકાર્યું છે. સર્વોચ્ચ અદાલતે અગાઉ રાજ્યમાં 'જલ્લીકટ્ટુ' અને દેશભરમાં બળદગાડાની રેસમાં બળદના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના તેના 2014ના નિર્ણયની સમીક્ષાની માંગ કરતી તમિલનાડુ સરકારની અરજીને ફગાવી દીધી હતી.