Get The App

ભાજપના પૂર્વ પ્રવક્તાને હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ થતાં જ હોબાળો, રાજકારણ ગરમાયું

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપના પૂર્વ પ્રવક્તાને હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ થતાં જ હોબાળો, રાજકારણ ગરમાયું 1 - image


Bombay High Court Justice Recommendations Row: સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગત મહિને 28 જુલાઈના રોજ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને કર્ણાટક સહિત છ જુદી-જુદી હાઈકોર્ટમાં જસ્ટિસના પદ માટે અનેક વકીલો અને ન્યાયિક અધિકારીઓના નામની ભલામણ કરવામાં આવી છે. દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના જજ માટે ત્રણ સોલિસિટર આરતી અરૂણ સાઠે, અજિત ભગવાનરાવ કડેથાંકર અને સુશીલ મનોહર ઘોડેશ્વરની ભલામણ કરી હતી. જેમાં આરતી અરૂણ સાઠેના નામ પર વિવાદ સર્જાતા રાજકારણ ગરમાયું છે.

મહારાષ્ટ્રમાં વિપક્ષ એનસીપી (શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય અને પાર્ટી સચિવ રોહિત પવારે મંગળવારે સાઠેની ભલામણ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ન્યાયપાલિકા સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવી જોઈએ. સાઠે શાસક પક્ષ ભાજપ સાથે જોડાયેલા હતા અને પક્ષના પ્રવક્તા પણ હતાં. આ અંગે માહિતી આપતાં પવારે એક સ્ક્રિનશોટ પણ પોસ્ટ કર્યો હતો.

NCP ધારાસભ્યે પ્રશ્નો ઉઠાવ્યા

NCP ધારાસભ્ય પવારે સાઠેના નામની ભલામણનો વિરોધ કરતાં કહ્યું કે, 'જે વ્યક્તિ જાહેર મંચ પરથી શાસક પક્ષને ટેકો આપી રહી છે તેની હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક લોકશાહી માટે સૌથી મોટો ફટકો છે... ન્યાયાધીશનું પદ અત્યંત જવાબદારીનું પદ છે. તે નિષ્પક્ષ રહેવું જોઈએ. જ્યારે શાસક પક્ષના કોઈ વ્યક્તિને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવે છે, ત્યારે તે નિષ્પક્ષતા અને લોકશાહી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તેઓ સાઠેની લાયકાત સામે વાંધો ઉઠાવી રહ્યા નથી.' પવારે માંગ કરી હતી કે ન્યાયાધીશ તરીકે સાઠેના નામની ભલામણ પર પુનર્વિચાર કરવો જોઈએ. ચીફ જસ્ટિસે પણ આ મામલે માર્ગદર્શન આપવું જોઈએ.

ભાજપ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

બીજી તરફ, મહારાષ્ટ્ર ભાજપે રોહિત પવારના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે સાઠેને ન્યાયાધીશ બનાવવાની ભલામણ નિર્ધારિત માળખામાં યોગ્યતાના આધારે કરવામાં આવી છે. રાજ્ય ભાજપ મીડિયા સેલના પ્રભારી નવનાથ બાને જણાવ્યું હતું કે, 'આરતી સાઠેએ થોડા વર્ષો પહેલા જ ભાજપના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેમનો પક્ષ સાથે કોઈ સંબંધ નથી. તેથી, હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની લાયકાત પર પ્રશ્ન ઉઠાવવાનું કોઈ કારણ નથી.'

આ પણ વાંચોઃ સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટમાં 'નો ચેન્જ', RBIની મોટી જાહેરાત, EMI માં ફેર પડશે કે નહીં?

કોણ છે આરતી અરૂણ સાઠે

બોમ્બે હાઈકોર્ટના વકીલ આરતી અરૂણ સાઠે મુંબઈ ભાજપ લીગલ સેલના પ્રમુખ હતા. ફેબ્રુઆરી, 2023માં મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા તરીકે નિમણૂક થઈ હતી. જો કે, સાઠેએ વર્ષમાં જ જાન્યુઆરી, 2024ના રોજ વ્યક્તિગત અને વ્યવસાયિક કારણોનો હવાલો આપતાં આ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ તેમણે 6 જાન્યુઆરી, 2024ના રોજ પક્ષના પ્રાથમિક સભ્ય પદ અને મુંબઈ ભાજપ લીગલ સેલના પ્રમુખ પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું.

પિતા અરૂણ સાઠેનો આરએસએસ-ભાજપ સાથે ગાઢ સંબંધ

સાઠે વકીલ તરીકે 20 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ મુખ્યત્વે ડાયરેક્ટ ટેક્સ બાબતોમાં નિષ્ણાત છે. તેઓ કર વિવાદો, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI), સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT) અને કસ્ટમ્સ, એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT) સમક્ષના કેસોમાં તેમજ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ વૈવાહિક વિવાદોમાં મુખ્ય વકીલ રહી ચૂક્યા છે. સાઠેના પિતા અરુણ સાઠે પણ એક જાણીતા વકીલ છે. તેઓ RSS અને ભાજપ સાથે સંકળાયેલા છે. ભૂતકાળમાં, તેઓ ભાજપના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પણ રહી ચૂક્યા છે.

ભાજપના પૂર્વ પ્રવક્તાને હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ થતાં જ હોબાળો, રાજકારણ ગરમાયું 2 - image

Tags :