સેનાને તિરસ્કાર બદલ ચેતવણી બાદ કેન્દ્રનું વચન, તમામ પાત્ર મહિલા સૈન્ય અધિકારીઓને મળશે સ્થાયી કમિશનઃ સુપ્રીમ કોર્ટ


- ઓક્ટોબર મહિનામાં ભારતીય સેનાએ 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન પ્રદાન કર્યું હતું

નવી દિલ્હી, તા. 12 નવેમ્બર, 2021, શુક્રવાર

મહિલા સૈન્ય અધિકારીઓને સ્થાયી કમિશન આપવા મામલે સેનાને તિરસ્કાર બદલ ચેતવણી આપ્યા બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું છે. કેન્દ્રએ કહ્યું કે, તમામ પાત્ર મહિલા સૈન્ય અધિકારીઓને સ્થાયી કમિશન આપવામાં આવશે. કેન્દ્રએ ટોચની અદાલતને વચન આપ્યું હતું કે, તે 11 મહિલા સૈન્ય અધિકારીઓને સ્થાયી કમિશન આપવા અંગે શીઘ્ર નિર્ણય લેવામાં આવશે, જેમણે સ્થાયી કમિશનને લઈ સુપ્રીમ કોર્ટનું શરણ લીધું છે. 

ઓક્ટોબર મહિનામાં ભારતીય સેનાએ 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન પ્રદાન કર્યું હતું. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે સેનાને પહેલી નવેમ્બર સુધીમાં સ્થાયી કમિશન આપવા નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 22 ઓક્ટોબરના રોજ 7 કાર્યદિવસની અંદર 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવા નિર્દેશ આપ્યો હતો. 

શીર્ષ અદાલતે આ આદેશ એવા સમયે આપ્યો હતો જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, અદાલતી આદેશ અંતર્ગત 71 સૈન્ય અધિકારીઓમાંથી 39 અધિકારીઓને સ્થાયી કમિશન આપવા યોગ્ય જણાયા છે. ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 3 સદસ્યોવાળી પીઠે આ તમામ 39 મહિલા સૈન્ય અધિકારીઓને 1 નવેમ્બર સુધીમાં સ્થાયી કમિશન પ્રદાન કરવા કહ્યું હતું. 

22 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સ્થાયી કમિશન માટે 72 મહિલા આવેદકોમાંથી એકે પોતે જ સેવામુક્ત થવાનો નિર્ણય લીધો છે. બાકીની 71 મહિલા અધિકારીઓમાંથી 7ને ચિકિત્સકીયરૂપે અનફીટ ઠેરવવામાં આવેલા જ્યારે 25 અધિકારીઓને અનુશાસન સહિત અન્ય કારણોસર સ્થાયી કમિશન માટે યોગ્ય નથી માનવામાં આવ્યા. 

City News

Sports

RECENT NEWS