દેશની સૌથી મોટી બેંક SBIએ આપ્યો મોટો ઝટકો, 15 ઓગસ્ટથી આપવા પડશે વધારે પૈસા
State Bank of India News: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હવે બેંકના ગ્રાહકોને 15 ઓગસ્ટ, 2025 થી ઓનલાઈન IMPS ટ્રાન્સફર પર ફી ચૂકવવી પડશે, જે અત્યાર સુધી સંપૂર્ણપણે ફ્રી સેવા હતી. IMPS એટલે કે ઇન્સ્ટન્ટ મની પેમેન્ટ સર્વિસ એક રીઅલ-ટાઇમ ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, જેની મદદથી કોઈપણ વ્યક્તિ તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ સેવા 24 કલાક અને 365 દિવસ ઉપલબ્ધ છે.
IMPS દ્વારા એક સમયે વધુમાં વધુ ₹5 લાખ ટ્રાન્સફર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે SBI દ્વારા કરવામાં આવેલ ફેરફાર માત્ર ઓનલાઈન વ્યવહારો પર જ લાગુ થશે અને કેટલાક સ્લેબમાં નાના શુલ્ક ઉમેરવામાં આવશે. જોકે, આ શુલ્ક હજુ પણ કેટલાક ખાતાઓ પર વસૂલવામાં આવશે નહીં. ચાલો જાણીએ કે બેંક દ્વારા કયા સ્લેબ પર કેટલી ફી વસૂલવામાં આવી છે.
ઓનલાઈન IMPS વ્યવહારો પર કેટલી ફી વસૂલવામાં આવશે?
જો તમે ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અથવા UPI જેવા ઓનલાઈન માધ્યમ દ્વારા IMPS કરો છો, તો હવે તમારે ફી ચૂકવવી પડશે. આ શુલ્ક નીચે મુજબ છે.
1. રુપિયા 25,000 સુધી કોઈ ફી રહેશે નહીં.
2. રુપિયા 25,001 થી રુ.1 લાખ પર રુ.2 + GST વસૂલવામાં આવશે.
3. રુપિયા 1 લાખ થી રુ. 2 લાખ પર રુ. 6 + GST વસૂલવામાં આવશે.
4. રુપિયા 2 લાખ થી રુ.5 લાખ પર રુ.10 + GST વસૂલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા બધા વ્યવહારો પર કોઈ ફી નહોતી, પરંતુ હવે દરેક સ્લેબ પર ઉપરોક્ત હિસાબે પૈસા ચૂકવવા પડશે.
આ પણ વાંચો: પહેલવાન સુશીલ કુમારને સુપ્રીમ કોર્ટથી ઝટકો, જામીન અરજી રદ, 7 દિવસમાં કરવું પડશે સરેન્ડર
પગારદાર ગ્રાહકોને રાહત
SBI ગ્રાહકો જે કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થામાં પગારદાર છે અને સેલેરી પેકેજ ખાતું ધરાવે છે તેમને આ ફીમાંથી રાહત મળશે. આમાં DSP, CGSP, PSP, RSP, CSP, SGSP, ICGSP અને SUSP જેવા ખાતાઓનો સમાવેશ થાય છે, જેના પર હજુ પણ IMPS ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
બ્રાંચમાંથી IMPS વ્યવહારોમાં કોઈ ફેરફાર નહીં
જો તમે SBI શાખામાં જઈને IMPS કરાવો, તો પહેલાની જેમ જ ચાર્જ વસૂલવામાં આવશે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શાખામાંથી કરવામાં આવેલા IMPS વ્યવહારો પરના ચાર્જ રુપિયા 2 થી શરૂ થઈને રુ. 20 + GST સુધી જઈ શકે છે, જે ટ્રાન્સફરની રકમ પર આધાર રાખે છે.