Get The App

'મારી પાસે ન તો કપડા છે ન તો પૈસા..' પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશવાપસી માટે અપીલ

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
sarabjeet-kaur


(IMAGE - X)

Sarabjeet Kaur Emotional Audio Clip: પાકિસ્તાન ગયેલી ભારતીય શીખ મહિલા સરબજીત કૌરનો કિસ્સો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક ભાવુક ઓડિયો ક્લિપને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે. પંજાબના કપૂરથલા જિલ્લાના અમનપુરી ગામની રહેવાસી સરબજીત કૌર ગયા વર્ષે ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓના ગ્રુપ સાથે પાકિસ્તાન ગઈ હતી, પરંતુ ત્યાંથી તે પરત ફરી નહોતી. પાકિસ્તાન રોકાઈને તેણે નાસિર હુસૈન નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ હવે તેની હાલત અત્યંત દયનીય હોવાનું સામે આવ્યું છે.

વાઇરલ ઓડિયોમાં પૂર્વ પતિ પાસે ભારત પરત આવવા માટે વિનંતી

વાઇરલ ઓડિયો ક્લિપમાં સરબજીત કૌર રડતી અને પોતાના પૂર્વ પતિ પાસે ભારત પરત આવવા માટે વિનંતી કરતી સંભળાય છે. તે દાવો કરી રહી છે કે પાકિસ્તાનમાં તેનું સતત શોષણ થઈ રહ્યું છે અને તેની પાસે પહેરવા માટે ગરમ કપડાં કે જૂતા પણ નથી. તે ભાવુક થઈને કહે છે કે, 'મેં મારા બાળકો અને પતિ માટે આલીશાન ઘર બનાવ્યું હતું, પણ આજે મારી પાસે કંઈ જ બચ્યું નથી. મને ભારત પાછી લઈ જાઓ અને મને વઢશો નહીં, કારણ કે હું અંદરથી સાવ તૂટી ગઈ છું.' તેને ડર છે કે જો તેને ભારત પાછી લઈ જવામાં નહીં આવે તો તેની જાનને ખતરો છે.

શું છે આખો મામલો?

પાકિસ્તાન પહોંચ્યાના બીજા જ દિવસે સરબજીતે મુસ્લિમ યુવક નાસિર હુસૈન સાથે નિકાહ કરી લીધા હતા અને પોતાનું નામ બદલીને 'નૂર' રાખ્યું હતું. જોકે, આ લગ્ન બાદ તેને પાકિસ્તાની પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવી હતી અને લાહોરના એક સરકારી શેલ્ટર હોમ(દારુલ અમાન)માં મોકલી દેવામાં આવી હતી. નાસિર અને સરબજીતે પોલીસ હેરાનગતિ વિરુદ્ધ લાહોર હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ અદાલતના આદેશ છતાં પોલીસ કાર્યવાહી ચાલુ રહી હતી. હાલમાં નાસિર જેલમાં છે અને સરબજીત શેલ્ટર હોમમાં છે.

પાકિસ્તાનમાં સરબજીતના રોકાણને લઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક

સરબજીત કૌરના પાકિસ્તાનમાં રોકાવા પાછળ સુરક્ષાના પ્રશ્નો પણ ઊભા થયા છે. પાકિસ્તાન વિધાનસભાના પૂર્વ સભ્ય મહિન્દર પાલ સિંહે હાઈકોર્ટમાં અરજી કરીને આશંકા વ્યક્ત કરી છે કે તે ભારતીય જાસૂસ હોઈ શકે છે. બીજી તરફ, પાકિસ્તાની સત્તાવાળાઓ તેને ભારત ડિપોટ(પરત મોકલવા) કરવા માંગે છે. અગાઉ પણ તેને પરત મોકલવાનો પ્રયાસ થયો હતો, પરંતુ અટારી-વાઘા બોર્ડર બંધ હોવાને કારણે તે શક્ય બન્યું ન હતું.

આ પણ વાંચો: સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE

પાકિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર ચર્ચા

હાલમાં સરબજીતની આજીજી અને તેની ખરાબ હાલતના સમાચારથી ભારતમાં રહેલા તેના પરિવારમાં ચિંતાનો માહોલ છે. 13 નવેમ્બરે જ્યારે શીખ શ્રદ્ધાળુઓનું ગ્રુપ ભારત પરત ફર્યું ત્યારે સરબજીત પાછી ન આવતા આ સમગ્ર મામલો રહસ્યમય બન્યો હતો. હવે આ વાઇરલ ઓડિયોએ પાકિસ્તાનમાં લઘુમતી કે વિદેશી મહિલાઓની સુરક્ષા અને તેમના ધર્મ પરિવર્તન બાદ થતી દુર્દશા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.

'મારી પાસે ન તો કપડા છે ન તો પૈસા..' પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશવાપસી માટે અપીલ 2 - image