બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં જ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીને એક મોટો ઝટકો વાગ્યો છે. મુંગેર વિધાનસભા બેઠક પરથી જન સુરાજના ઉમેદવાર સંજય સિંહ પક્ષ છોડી ભાજપમાં જોડાયા છે. સંજય સિંહે ભાજપમાં જોડાતાં જ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરતાં પ્રશાંત કિશોરને મોટુ નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
જન સુરાજે સંજય સિંહને મુંગેર બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં, તે છેલ્લા થોડા મહિનાથી પાર્ટી માટે સક્રિય પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ આવતીકાલે છ નવેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલાં જ તેમણે ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરતાં જન સુરાજની રાજકીય રણનીતિ પર પાણી ફરી વળ્યું છે. જેનાથી તેમની પાર્ટીને મોટું નુકસાન થવાની સંભાવના છે.
ભાજપમાં જોડાયા બાદ કર્યા વખાણ
ભાજપમાં સામેલ થયા બાદ સંજય સિંહે એનડીએના વખાણ કરતાં જણાવ્યું કે, તેમનો આ નિર્ણય રાજ્યના વિકાસ અને સ્થિર સરકારના હિતમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારે જે કામ કર્યું છે, તેને વેગ આપવા માટે તે ભાજપની સાથે રહેશે. ઉલ્લેખનીય છે, ભાજપે મુંગેર વિધાનસભા બેઠક પરથી કુમાર પ્રણયને ટિકિટ આપી છે. આરજેડી તરફથી અવિનાશ કુમાર વિદ્યાર્થી મેદાનમાં છે. જન સુરાજના સંજય સિંહ ભાજપમાં જોડાઈ જતાં હવે મુકાબલો ભાજપ અને આરજેડી વચ્ચે જ રહેશે.
ઓવૈસીએ પણ મુંગેર પર ઉતાર્યા ઉમેદવાર
મુંગેર બિહારની 25 બેઠકો પૈકી એક છે, જ્યાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈતેહાદુલ મુસ્લિમીન ચૂંટણી લડી રહ્યું છે. તેણે પૂર્વ રાજ્યમંત્રી મોનાજિર હસનને મેદાનમાં ઉતાર્યા છે. જે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ બંનેના મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે.
મુંગેર બેઠકનો ઇતિહાસ
2010માં આ બેઠક જેડીયુના અનંત કુમાર સત્યાર્થીએ જીતી હતી. 2015માં આરજેડીના વિજય કુમારે જેડીયુના ધારાસભ્યને હરાવ્યા હતા. 2020માં ભાજપને તક મળી હતી. તેમાં પ્રણવ કુમારે નજીવા મત સાથે જીત મેળવી હતી. જીતનો સૌથી મોટો તફાવત 2005માં રહ્યો હતો, જ્યારે જેડીયુ ઉમેદવાર 11 ટકાથી વધુ મત સાથે જીત્યા હતા.

