જ્ઞાનેશ કુમાર 'મુખ્ય ચોર કમિશ્નર', અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો

| (image - ians) |
AAP Leader Sanjay Singh on Election Result: દિલ્હી નગર નિગમ(MCD)ની 12 બેઠકોની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) માત્ર ત્રણ બેઠકો જીતી શકી હોવાથી, તેણે ફરી એકવાર વોટ ચોરીના આક્ષેપો કર્યા છે. પાર્ટીનો આક્ષેપ છે કે અશોક વિહાર બેઠક પર તેમના ઉમેદવાર જીતી ગયા હોવા છતાં, ફરીથી ગણતરી (રિકાઉન્ટિંગ) બાદ ભાજપને વિજેતા જાહેર કરવામાં આવી. તેમજ 'આપ'ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે આના પર ભડકતા દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને 'મુખ્ય ચોર આયુક્ત' પણ કહી દીધું છે.
CEC જ્ઞાનેશ કુમારને 'મુખ્ય ચોર આયુક્ત' કહ્યા
'આપ'ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ મામલે ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ટ્વીટ દ્વારા દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર(CEC) જ્ઞાનેશ કુમારને 'મુખ્ય ચોર આયુક્ત' કહી દીધા છે. સંજય સિંહે 'આપ'ના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજની ટ્વીટને શેર કરતાં લખ્યું કે, 'BJP વોટ ચોર છે, પીએમ મોદી તેમના મુખ્ય નેતા છે.'
સૌરભ ભારદ્વાજનો ગેરરીતિનો આરોપ
સૌરભ ભારદ્વાજે અશોક વિહાર બેઠક પર 'આપ'ની હાર બાદ ગેરરીતિનો આરોપ અને કહ્યું કે, 'અશોક વિહાર બેઠક - આમ આદમી પાર્ટી જીતી, આ વેબસાઇટ પરનું પરિણામ છે, હવે કહી રહ્યા છે કે રિકાઉન્ટિંગમાં ભાજપ જીતી ગઈ. આવું કેવી રીતે થઈ શકે?' આ ઉપરાંત દિલ્હીના પૂર્વ CM આતિશીએ પણ આને 'લોકશાહી સાથે ચેડાં' ગણાવીને ભાજપ પર જનાદેશ ચોરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
અંતિમ પરિણામ: ભાજપને 7, 'આપ'ને 3 બેઠકો
અંતિમ પરિણામો અનુસાર, MCDની 12 વોર્ડની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP) એ સાત બેઠકો પર, આમ આદમી પાર્ટી(AAP) એ ત્રણ, અને કોંગ્રેસ તથા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક એ એક-એક બેઠક પર જીત નોંધાવી છે. આ પેટાચૂંટણી ભાજપ માટે મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ મોટી ચૂંટણી હતી. આ 12 બેઠકોમાંથી 9 પર અગાઉ ભાજપનો અને બાકીની પર 'આપ'નો કબજો હતો.


