બાંગ્લાદેશની સાનિયા અખતર પ્રેમી પતિની શોધમાં ભારત આવી, સરહદ પારની પ્રેમી કહાનીઓનો વધતો જતો દોર
પતિને લીધા વગર બાંગ્લાદેશ પરત જવા ઇચ્છતી નથી.
પોતાના નાના બાળકને લઇને પતિની શોધમાં ભારત આવી હતી.
નવી દિલ્હી,૨૪ ઓગસ્ટ,૨૦૨૩,ગુરુવાર
બાંગ્લાદેશની મહિલા સાનિયા અખ્તરની પ્રેમ કહાની ચર્ચામાં આવી છે. જો કે આ કહાની સોશિયલ મીડિયા લવની નથી તેમ છતાં કોઇ ફિલ્મની સ્ટોરી જેવી છે. સાનિયા અખ્તર બાંગ્લાદેશના ઢાકાથી પ્રેમી કમ પતિની શોધમાં ભારત આવી હતી. નોઇડામાં સાનિયાએ પોતાના પ્રેમી કમ પતિ સૌરભકાંત તિવારીને શોધી લીધો છે. નોઇડાના સૂરજપુરનો સૌરભકાંત તિવારી જયારે ઢાકામાં જોબ કરતો હતો ત્યારે સાનિયાનો પરિચય થયો હતો. તિવારી ૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન બાંગ્લાદેશમાં રહેતો હતો.
આ ગાળામાં સાનિયા સાથે પ્રેમ થતા ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ સોનિયા સાથે ઇસ્લામિક રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યાર પછી કોઇ પણ કારણોસર જોબ છોડીને સૌરભકાંત તિવારી કહયા વગર ભારત આવ્યો હતો. સાનિયા પોતાના પ્રિતમની રાહ જોતી રહી છેવટે પોતાના નાના બાળકને લઇને પતિની શોધમાં ભારત આવી હતી. સાનિયાએ પોલીસ અધિકારીઓ સમક્ષ લગ્ન અને બાળકના જન્મ અંગેના દસ્તાવેજ રજૂ કર્યા હતા.
પોલીસે સૌરભકાંતની તપાસ અને પુછપરછ કરતા શરુઆતમાં આનાકાની કરી હતી. ત્યાર પછી સાનિયા સાથે લગ્ન અને સંતાનની વાત કબૂલી લીધી હતી. મહિલા પોલીસના જણાવ્યા અનુસાર સાનિયાને જાયદાદ કે સંપતિ નથી જોઇતી તે માત્ર પોતાના પતિને પાછો લેવા માટે આવી છે. કરોડો રુપિયા આપશે તો પણ પતિને લીધા વગર બાંગ્લાદેશ પરત જવા ઇચ્છતી નથી.
બંને વચ્ચે પ્રથમ મુલાકાત કેમિકલ કંપનીમાં કેમિકલ સપ્લાય અંગેની એક બેઠકમાં થઇ હતી. સામાન્ય વાતચિત છેવટે દોસ્તીમાં પરીણમી હતી. સાનિયાનો દાવો છે કે ઢાકાની બાયતુલ મસ્જિદમાં સૌરભે ધર્માંતરણ કરીને ઇસ્લામ કબૂલાત કરી હતી. ત્યાર પછી જ મુસ્લિમ વિધીથી લગ્ન થયા હતા. જો કે આ સમગ્ર વિવાદનું ઘટના સ્થળ બાંગ્લાદેશ હોવાથી પોલીસે હજુ કોઇ ફરિયાદ નોંધી નથી. પોલીસ તમામ પાસાથી કહાનીની તપાસ કરી રહી છે.