'હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો, તેની શરૂઆત કોણે કરી' સનાતન વિવાદ વચ્ચે કર્ણાટકના મંત્રીએ ઊઠાવ્યાં સવાલ
કહ્યું આપણા દેશમાં બૌદ્ધ ધર્મ, જૈન ધર્મની ઉત્પત્તિનો ઈતિહાસ છે
ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ અંગેની ટિપ્પણી બાદથી વિવાદ ચગ્યો
લોકસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો ફરી ધર્મને મુદ્દો બનાવવા લાગ્યા છે. તમિલનાડુ (Tamilnadu) ના મુખ્યમંત્રી સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિન (Udaynidhi Stalin) ની સનાતન ધર્મ (Sanatana Dharna Row) અંગે ટિપ્પણી બાદ હોબાળો થઈ જવાથી વિવિધ નેતાઓ આ મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન તાજેતરના ઘટનાક્રમમાં કર્ણાટક (Karnataka) ના મંત્રી જી.પરમેશ્વરે હિન્દુ ધર્મ અંગે સવાલો ઊઠાવ્યા હતા. જોકે હવે તેમના સવાલોથી પણ વિવાદ છંછેડાવાની અને સનાતન ધર્મ અંગેનો વિવાદ વધુ વકરવાની શક્યતાઓ વધી ગઈ છે.
શું સવાલ ઊઠાવ્યો હતો જી.પરમેશ્વરે
કર્ણાટકના મંત્રી જી.પરમેશ્વરે કહ્યું કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની શરૂઆત વિશે બધા જાણે છે પણ હિન્દુ ધર્મની શરૂઆત ક્યારે થઇ તેને લઇને હજુ સવાલ ઊભો થાય છે. અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે દુનિયાના ઈતિહાસમાં અનેક ધર્મનો ઉદય થયો. જૈન અને બૌદ્ધ ધર્મનો જન્મ અહીં જ થયો. હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો અને તેની શરૂઆત કોણે કરી, આ હજુ પણ એક મોટો સવાલ છે. આપણા દેશમાં બૌદ્ધ ધર્મ, જૈન ધર્મની ઉત્પત્તિનો ઈતિહાસ છે. ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આપણા દેશમાં વિદેશથી આવ્યા. દુનિયાના તમામ ધર્મોનો સારાંશ માનવ જાતિ માટે સારું હોવું છે.